અમેરિકા અને ઇઝરાયલના હુમલા બાદ સર્જાયેલી સ્થિતિથી ભારતનાં અર્થતંત્ર અને રાષ્ટ્રીય આવક પર ગંભીર અસર પડી છે
સ્ટ્રેટ ઑફ હોર્મુઝ
ફેબ્રુઆરી ૨૦૨૬માં ઈરાન પર અમેરિકા અને ઇઝરાયલના હુમલા બાદ સ્ટ્રેટ ઑફ હોર્મુઝમાં વ્યવહાર ખોરવાતાં વૈશ્વિક ઑઇલ માર્કેટમાં ભડકો થયો હતો. સેન્ટર ફૉર રિસર્ચ ઑન એનર્જી ઍન્ડ ક્લીન ઍર (CREA)ના ૨૬ ઑગસ્ટે પ્રકાશિત થયેલા રિપોર્ટ અનુસાર આ કટોકટીના કારણે ભારતે ઑઇલ અને અન્ય ઈંધણની આયાત માટે ૨.૦૯ લાખ કરોડ રૂપિયા (૨૨ અબજ ડૉલર)નો ગ્રોસ વધારાનો ખર્ચ ચૂકવવો પડ્યો હતો.
આ કટોકટીને ૧૯૯૦ના અખાતી યુદ્ધ પછીનો સૌથી મોટો ઑઇલ પ્રાઇસ શૉક માનવામાં આવે છે. ચીન પછી ભારત આ કટોકટીનો ભોગ બનનાર બીજો સૌથી મોટો દેશ છે. વધારાની નિકાસ-કમાણીને બાદ કરતાં ભારતનો ચોખ્ખો વધારાનો ખર્ચ ૧.૩૭ લાખ કરોડ રૂપિયા (૧૪.૪ અબજ ડૉલર) રહ્યો છે. અણધાર્યા આવેલા આ આર્થિક ફટકાની દેશ પર ગંભીર અસર પડી છે. આ વધારાનો ખર્ચ દેશના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) ના ૦.૩૮ ટકા જેટલો છે જેના કારણે દેશને રાષ્ટ્રીય આવકમાં અંદાજે ૧.૪ દિવસનું નુકસાન સહન કરવું પડ્યું છે.
