અમેરિકામાં પાંચમી નવેમ્બરે યોજાશે પ્રેસિડન્ટની ચૂંટણી
બરાક ઓબામા અને તેમનાં પત્ની મિશેલ ઓબામા તેમ જ કમલા હૅરિસ
અમેરિકામાં પાંચમી નવેમ્બરે યોજાનારી પ્રેસિડન્ટપદની ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટી તરફથી કમલા હૅરિસનું ઉમેદવાર બનવાનું લગભગ નક્કી છે. ગઈ કાલે અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ બરાક ઓબામા અને તેમનાં પત્ની મિશેલ ઓબામાએ કમલા હૅરિસના નામનું સમર્થન કર્યું હતું. ઓબામાએ જાહેરમાં કમલા હૅરિસને ટેકો આપતાં હવે રિપબ્લિકન પાર્ટીના ડોનલ્ડ ટ્રમ્પ સામે ડેમોક્રેટિક પાર્ટી વતી કમલા હૅરિસને મેદાનમાં ઉતારવામાં આવે એવી પૂરેપૂરી શક્યતા છે.
કમલા હૅરિસના સમર્થનમાં ઓબામા અને મિશેલે જે સમર્થન આપ્યું છે એનો એક મિનિટનો વિડિયો બહાર પાડવામાં આવ્યો છે અને એક પ્રાઇવેટ કૉલમાં તેઓ કમલા હૅરિસને સમર્થન આપતાં જણાય છે. આ ફોનકૉલમાં તેઓ હસીને વાત કરતાં દેખાય છે.
ADVERTISEMENT
આશરે એક મિનિટના આ વિડિયોમાં બરાક અને મિશેલ ઓબામા કહે છે કે ‘આ અઠવાડિયાની શરૂઆતમાં અમે કમલા હૅરિસને ફોન કર્યો હતો અને તેમને કહ્યું હતું કે તેઓ અમેરિકાનાં શાનદાર પ્રેસિડન્ટ બનશે. અમારું તેમને પૂરું સમર્થન છે. તમે ઓવલ ઑફિસ શોભાવશો અને એ ક્ષણ ઐતિહાસિક બનશે.’
કમલા હૅરિસે પણ સોશ્યલ મીડિયામાં તેમનો આભાર માન્યો હતો. અમેરિકામાં હાલના પ્રેસિડન્ટ જો બાઇડન થોડા દિવસ પહેલાં પ્રેસિડન્ટની ચૂંટણીમાંથી ખસી ગયા હતા. તેમણે પાછા હટતી વખતે કમલા હૅરિસનું નામ લીધું નહોતું અને કહ્યું હતું કે પ્રેસિડન્ટનો ઉમેદવાર કોને બનાવવો એ પાર્ટી નક્કી કરશે. પછી તેમણે કમલા હૅરિસનું નામ આગળ વધાર્યું હતું. તેમણે કહ્યું હતું કે કમલા હૅરિસનું સમર્થન કરવાનો તેમનો ઉદ્દેશ દેશને એક કરવા અને નવી પેઢીના હાથમાં પાર્ટીને સોંપવાનો છે.

