શાહબાઝ શરીફ સરકારે વૉશિંગ્ટનમાં પોતાના દૂતાવાસના બિલ્ડિંગને વેચવા માટે મંજૂરી આપી, કિંમત નક્કી કરી ૫૦ કરોડ રૂપિયા
ફાઇલ તસવીર
આતંકવાદ માટે ફાઇનૅન્સ પૂરું પાડનારી પાકિસ્તાનની ઇકૉનૉમી એટલી ખરાબ સ્થિતિમાં છે કે પોતાનું દેવું ચૂકવવા માટે એને વિદેશોમાં દૂતાવાસોના બિલ્ડિંગને વેચવાની ફરજ પડી છે. પાકિસ્તાનના ન્યુઝપેપર ‘ડૉન’ના રિપોર્ટ અનુસાર શાહબાઝ શરીફ સરકારે વૉશિંગ્ટનમાં પ્રતિષ્ઠિત આર સ્ટ્રીટ એનડબ્લ્યુમાં આવેલું પોતાના દૂતાવાસનું બિલ્ડિંગ વેચવા માટે મંજૂરી આપી દીધી છે. આ પહેલાં શાહબાઝના મોટા ભાઈ નવાઝ શરીફ પણ પોતાના શાસનમાં એમ જ કરી ચૂક્યા છે. પાકિસ્તાનના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ બિલ્ડિંગની કિંમત ૬૦ લાખ અમેરિકન ડૉલર (૫૦ કરોડ રૂપિયા) નક્કી કરવામાં આવી છે.
છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાનના મીડિયામાં સતત રિપોર્ટ્સ આવી રહ્યા છે કે શાહબાઝ શરીફ સરકાર દેવામાં ડૂબી ગઈ છે. એટલા માટે એ નાદારીથી બચવા માટે વિદેશી દૂતાવાસોનાં બિલ્ડિંગ વેચી રહી છે.
ADVERTISEMENT
પાકિસ્તાનના દૂતાવાસના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ઘણાં જૂનાં બિલ્ડિંગ છે. જ્યાં વર્ષો સુધી દૂતાવાસના ડિફેન્સ સેક્શનની ઑફિસ હતી. પાકિસ્તાનના માહિતી અને પ્રસારણપ્રધાન મરિયમ ઔરંગઝેબે કહ્યું હતું કે કૅબિનેટે વૉશિંગ્ટનમાં પાકિસ્તાની દૂતાવાસના એક બિલ્ડિંગની હરાજીના પ્રસ્તાવ માટે મંજૂરી આપી દીધી છે.
પાકિસ્તાની નૅશનલ ઍસેમ્બલીના મેમ્બર નૌશીન સઈદે આ મામલે સરકાર તરફથી ખુલાસો આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સરકારે કોઈ દૂતાવાસનું બિલ્ડિંગ વેચવા માટે મંજૂરી આપી હોય એમ કંઈ પહેલી વખત બન્યું નથી. આ પહેલાં નવાઝ શરીફ સરકારે સાઉદી અરેબિયા અને યુરોપમાં પણ એમ જ કર્યું હતું.