આવો સવાલ કરીને ડોનલ્ડ ટ્રમ્પે વધારાની ટૅરિફ લાદવાની ધમકી આપી
અમેરિકન પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ
અમેરિકન પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે સંકેત આપ્યો છે કે તેઓ ભારતીય ચોખા અને કૅનેડિયન ખાતર સહિત કેટલીક કૃષિઆયાતો પર નવી ટૅરિફ લાદી શકે છે. વાઇટ હાઉસમાં એક ખાસ બેઠકમાં અમેરિકાના ખેડૂતોએ સસ્તા આયાતી માલ દ્વારા અમેરિકન બજારને થઈ રહેલા નુકસાન વિશે ફરિયાદ કરી હતી. બેઠકમાં હાજર ખેડૂતોએ દાવો કર્યો હતો કે ઘણા દેશો ઓછા ભાવે અમેરિકન બજારમાં ચોખા ડમ્પ કરી રહ્યા છે, જેને કારણે સ્થાનિક ઉત્પાદકોને ભારે આર્થિક નુકસાન થઈ રહ્યું છે. લુઇસિયાનાસ્થિત કૅનેડી રાઇસ મિલ્સના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર મેરિલ કેનેડીએ ભારત, થાઇલૅન્ડ અને ચીનને આ કથિત ડમ્પિંગ માટે જવાબદાર મુખ્ય દેશો તરીકે ઓળખાવ્યા હતા.
આ જાણીને ટ્રમ્પે કહ્યું હતું કે ‘ભારતને અમેરિકામાં ચોખા ડમ્પ કરવાની મંજૂરી કેમ છે? તેમણે ટૅરિફ ચૂકવવી પડશે. તેમણે ચોખા ડમ્પ ન કરવા જોઈએ, તેઓ એવું કરી શકતા નથી.’ ટ્રમ્પે વચન આપ્યું હતું કે આ મુદ્દા પર ખૂબ જ ઝડપથી કાર્યવાહી કરવામાં આવશે અને જો જરૂરી હોય તો ટૅરિફ લાદવામાં આવશે.


