ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે `વન્ડર વુમન`ની ખાસ રજૂઆત. આમ તો સમાજની દરેક મહિલા પોતાના `સ્ત્રીત્વ`ના બળે જીવનમાં ઊંચાઈને પામે છે. વળી, આપણી આસપાસ પણ એવી અનેક મહિલાઓ છે, જેમના સમર્પણ, જુસ્સા અને અડગ નિશ્ચયે તેમને નવા મુકામ આપ્યા છે! એક સ્ત્રી ધારે તો શું ન કરી શકે? નિર્દોષ, નિષ્કામ ને નિરાભિમાની નજર વડે જોશો તો પુરુષ સમોવડી થયેલી અનેક સ્ત્રીઓના પ્રેરણાદાયી ઉદાહરણો તમને સાંપડશે. મોટી ઉંમરના ઉંબરાને પણ સહજતાથી ઠેંકીને સ્ત્રી પોતાના શોખને જીવંત કરતી હોય છે. અહીં અમે એવી જ પ્રેરક મહિલાઓની વાત માંડીશું જેઓએ ધીરજ અને આત્મવિશ્વાસની આંગળી પકડીને જીવનમાં નવેસરથી ડગ ભર્યાં છે. ન માત્ર પોતાના કે પોતાના પરિવાર માટે કિન્તુ સમાજના બળબળતાં પ્રશ્નો સામે ઝઝૂમવા માટે મીટ માંડી છે. બેચલરની ડિગ્રી હોય, બિઝનેસ હોય કે પછી હોય બોક્સિંગ! આ પ્રેરણાદાયી મહિલા તો સમાજની સૌ સ્ત્રી માટે અજવાળું બની છે. આજનાં આપણાં ‘વન્ડર વુમન’ છે ગુજરાતના બાલાસિનોરનાં રાજકુમારી આલિયા સુલતાના બાબી. ‘જુરાસિક પાર્ક’ ફિલ્મ તો આપણે બધા એ જોઈ જ છે, હાથી અને વ્હેલ કરતાં પણ મોટા અને ભારે પ્રાણીઓ આપણી પૃથ્વી પર રહેતા હતા એ તથ્ય આ ફિલ્મ દ્વારા સામાન્યથી સામન્ય લોકો સુધી પહોંચ્યું હતું, પણ જો આવી ફિલ્મ ભારતમાં બને તો તેમાં શું બતાવવામાં આવે? ભવિષ્યમાં જુરાસિક પાર્કની ફિલ્મ ભારતમાં બને તો તે માત્ર ગુજરાતનાં બાલાસિનોરમાં જ બની શકે અને તે માટેની દરેક માહિતી પણ રાજકુમારી આલિયા પાસે છે. ગુજરાતમાં એક સમયનું સમૃદ્ધ રજવાડું બાલાસિનોરનાં રાજકુમારીએ અહીં મળેલા ડાયનોસોરનાં અવશેષો અને હાડકાં અને ઈંડાને બાબતે દેશભરમાં પ્રચાર કરી વિસ્તારનો વિકાસ કરવામાં પોતાનું મોટું યોગદાન આપ્યું છે. બાલાસિનોરનાં રાજકુમારી ભારતમાં ડાયનાસોર કલ્ચરને વધારવનું કામ કરી રહ્યા છે. તેમ જ ભારતના વિવિધ ભાગોમાંથી મળેલા ડાયનાસોરના અવશેષો બાબતે શોધખોળ કરી લોકો અને બાળકોને ભારતમાં આ વિશાળ પ્રાચીન પ્રાણીઓ બાબતે જાગૃતિ લાવી તેમને આ બાબતની સમજણ આપવાનું કામ કરી રહ્યા છે.
06 November, 2024 10:00 IST | Balasinor | Viren Chhaya