મુંબઈ: તેજસ એક્સપ્રેસના પ્રથમ પ્રવાસમાં ભવાડા
બગડેલી ટીવી-સ્ક્રીન
દેશની બીજી પ્રાઇવેટ ટ્રેન તેજસ એક્સપ્રેસના ઉદ્ઘાટનમાં રેલવેપ્રધાન પીયૂષ ગોયલની ગેરહાજરી નોંધપાત્ર હતી. ગઈ કાલે ઉદ્ઘાટનની ઔપચારિકતા માટે એક વર્ષથી યાર્ડમાં પડેલી ટ્રેન (રૅક)નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કોચનું ઉત્પાદન ૨૦૧૮ના ઑગસ્ટમાં કરવામાં આવ્યું હતું. નિર્ધારિત સુવિધા કાર્યરત કરવાની દરકાર રાખ્યા વગર ઉદ્ઘાટન પૂરતો રૅકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પ્રવાસ દરમ્યાન દોડતી ટ્રેનના ઈ-વન કોચમાં ટ્યુબલાઇટ પૅનલ ઉપરથી પડી ત્યારે એક વૃદ્ધ સહેજમાં બચી ગયા હતા. વડોદરાથી મુંબઈ આવવા માટે સિનિયર સિટિઝન સંતોષચંદ્ર દુબે ડબ્બામાં આવ્યા પછી તરત ટ્યુબલાઇટની પૅનલ તેમની બાજુમાં પડી હતી. હૃદયરોગના દરદી સંતોષચંદ્ર ગંભીર ઈજાથી સહેજમાં ઊગરી ગયા હતા, કારણ કે ટ્રેન આંચકા ખાતી હતી. ઉદ્ઘાટનના દિવસે જ આવી ઘટના બને એ બાબત દુબેને અજુગતી લાગી હતી.

ADVERTISEMENT
મુંબઈ આવતી વખતે રેલ હોસ્ટેસને આપવામાં આવી મરાઠી ટોપી.
ટ્રેન વડોદરાથી રવાના થતાં એના ઑટોમૅટિક દરવાજા બંધ થઈ જતાં એમાં કેટલાક કૂલીઓ ફસાઈ જતાં તેમણે સુરત સ્ટેશને ઊતરવું પડ્યું હતું. અંતાર સિંહ નામના એક કૂલીએ જણાવ્યું હતું કે ‘ટ્રેન ચાલુ થયા પછી એના દરવાજા બંધ થતા હોવાનો મને ખ્યાલ નહોતો. હવે હું મારા સાથી કૂલીઓને આ ટ્રેનના દરવાજા બાબતે સાવધાન રહેવાની સૂચના આપીશ.’

આ ગુજરાતી પહેરવેશ સામે એમએનએસને વાંધો હતો.
તેજસ એક્સપ્રેસના અન્ય એક પ્રવાસીએ જણાવ્યું હતું કે ‘નવી ટ્રેનનો પ્રવાસ સારો રહ્યો, પરંતુ નાની-નાની ફરિયાદો ઘણી હતી. એક્ઝિક્યુટિવ કોચમાં અનેક ટીવી-સ્ક્રીન્સ બંધ હતી. એ બન્ને કોચમાં ટ્રોલી પાછળના ટેબલ્સને પણ સમારકામની જરૂર છે. સમગ્ર પ્રવાસ દરમ્યાન વાઇ-ફાઈ પણ બંધ હતાં.’
ઇન્ડિયન કેટરિંગ ઍન્ડ ટ્રાન્સપોર્ટ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા (આઇઆરસીટીસી)ના ડિરેક્ટર (ટૂરિઝમ ઍન્ડ માર્કેટિંગ) રજની હસીજાએ પ્રસાર માધ્યમોના પ્રતિનિધિઓને જણાવ્યું હતું કે ‘અમને દરેક પ્રકારની ફરિયાદ મળી છે અને એ બધી ફરિયાદનો વહેલી તકે ઉકેલ લાવવામાં આવશે. બે વર્ષથી પડી રહેલી ટ્રેનને સુધારા-વધારા સાથે પૂરેપૂરી તૈયાર કરવામાં આવી હતી, પરંતુ કેટલીક ખામીઓ રહી ગઈ હશે. અમે સંબંધિત વિભાગોની ખામીઓ તાત્કાલિક દૂર કરીશું.’
મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વિવાદ બાબતે આઇઆરસીટીસીના ગ્રુપ જનરલ મૅનેજર રાહુલ હિમાલિયને શરૂઆતમાં પ્રસાર માધ્યમોના પ્રતિનિધિઓને જણાવ્યું હતું કે ‘ટ્રેન મુંબઈ પહોંચે એટલા વખતમાં રેલ હોસ્ટેસિસને મરાઠી પરંપરા પ્રમાણેનો યુનિફૉર્મ પહેરાવવામાં આવશે. રિટર્ન જર્ની માટે યુનિફૉર્મ બદલવામાં આવ્યો છે.’ ઉદ્ઘાટન વખતે અમદાવાદ રેલવે સ્ટેશન પર સાંસ્કૃતિક નૃત્ય-સંગીત રજૂ કરવા ઉપરાંત ૧૧ ધર્મગુરુઓએ આશીર્વાદ આપ્યા હતા.

તૂટી ગયેલી ટ્યુબલાઇટ પૅનલ
એમએનએસના વિરોધનું સુરસુરિયું
તેજસ એક્સપ્રેસ ટ્રેનની હોસ્ટેસને ગુજરાતી પરંપરા મુજબનો યુનિફૉર્મ પહેરાવવા સામે વિરોધ-પ્રદર્શનનો મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાનો થનગનાટ પણ ઠંડો પડી ગયો હતો. કારણ કે મુંબઈ સેન્ટ્રલ ખાતે ફર્સ્ટ રિટર્ન જર્ની માટે ટ્રેન પહોંચી એ પહેલાં જ ટ્રેન-હોસ્ટેસિસને માથે મરાઠી ટોપી પહેરાવી દેવામાં આવી હતી. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વિવાદ બાબતે આઇઆરસીટીસીના ગ્રુપ જનરલ મૅનેજર રાહુલ હિમાલિયને શરૂઆતમાં પ્રસાર માધ્યમોના પ્રતિનિધિઓને જણાવ્યું હતું કે ‘ટ્રેન મુંબઈ પહોંચે એટલા વખતમાં રેલ હોસ્ટેસિસને મરાઠી પરંપરા પ્રમાણેનો યુનિફૉર્મ પહેરાવવામાં આવશે. રિટર્ન જર્ની માટે યુનિફૉર્મ બદલવામાં આવ્યો છે.’
કેટલું ભાડું રહેશે?
અમદાવાદથી મુંબઈ જતી તેજસ એક્સપ્રેસમાં અમદાવાદથી મુંબઈ વચ્ચે એક્ઝિક્યુટિવ ચૅરકારનું ભાડું ૨૩૮૪ રૂપિયા છે; જેમાં બેઝ ફેર ૧૮૭૫ રૂપિયા, જીએસટી ૯૪ રૂપિયા અને કેટરિંગ ચાર્જ ૪૦૫ રૂપિયા લેવામાં આવશે. એસી ચૅરકારનું ભાડું ૧૨૮૯ રૂપિયા હશે, જેમાં બેઝ ફેર ૮૩૦ રૂપિયા, જીએસટી ૪૪ રૂપિયા અને કેટરિંગ ચાર્જ ૩૭૫ રૂપિયા છે. મુંબઈ-અમદાવાદ વચ્ચે એક્ઝિક્યુટિવ ચૅરકારનું ભાડું ૨૩૭૪ રૂપિયા છે; જેમાં ૧૮૭૫ બેઝ ફેર, ૯૯ જીએસટી અને કેટરિંગ ચાર્જ ૪૦૫ રૂપિયા છે. જ્યારે એસી ચૅરકારનું ભાડું ૧૨૭૪ રૂપિયા છે; જેમાં બેઝ ફેર તરીકે ૮૭૦ રૂપિયા, ૪૪ રૂપિયા જીએસટી અને કેટરિંગ ચાર્જ ૩૬૦ રૂપિયાનો સમાવેશ છે.


