કચ્છ રણોત્સવ 2024ની શરૂઆત થઈ ગઈ છે. 28 ફેબ્રુઆરી સુધી લાખો પ્રવાસીઓ રણના રંગો માણવા અહીં આવે તેવી શક્યતા છે. રણ ઉત્સવમાં ટેન્ટ સિટી, 20થી વધારે એક્ટિવિટી, લાઈટ એન્ડ સાઉન્ડ શો આકર્ષણનું કેન્દ્ર બનશે. 2023-24માં 7.42 લાખ પ્રવાસીઓએ કચ્છ રણોત્સવની મુલાકાત લીધી હતી અને અહીંના ક્રાફટ સ્ટોલ ધારકોને રૂ. 6 કરોડથી વધુ અને ફૂડ સ્ટોલ ધારકોને અંદાજિત 1.36 કરોડ રૂપિયાની આવક થઈ હતી. માત્ર 3 દિવસીય કાર્યક્રમથી શરુ થયેલો રણોત્સવ વિશ્વનો સૌથી લાંબો ઉત્સવ બની ગયો છે અને તે ગુજરાતનાં પૂર્વ સીએમ નરેન્દ્ર મોદીના વિઝનથી આજે કચ્છ વિશ્વ ફલક પર ઝળકી રહ્યું છે. ગુજરાતનો પ્રવાસન ઉદ્યોગ છેલ્લાં 20 વર્ષમાં ખૂબ આગળ વધ્યો છે. ભૌગોલિક વિવિધતા ધરાવતા ગુજરાતમાં એવા અનેક સ્થળો આવેલા છે, જેમણે વિશ્વભરના પ્રવાસીઓને અકર્ષ્યા છે. જેમાં પણ વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટા અને ભૂકંપ જેવી કુદરતી આફતમાંથી ઊભા થયેલા કચ્છ જિલ્લામાં આવેલા વિશ્વના એકમાત્ર સફેદ રણને જોવા માટે પ્રવાસીઓના ટોળેટોળાં ઉમટે છે. એક સમયે જે રણની ઓળખ એક ઉજ્જ્ડ જમીન તરીકેની હતી, તે સ્થળે આજે ચાર મહિના સુધી રણનો ઉત્સવ એટલે કે રણોત્સવ ઉજવાય છે. આ વર્ષે રણોત્સવની શરૂઆત થઈ ગઈ છે, જે 28 ફેબ્રુઆરી, 2025 સુધી ચાલશે. કચ્છની કળા, ભાતીગળ સંસ્કૃતિ, મહેમાનગતિ, પરંપરા, સંગીતનો સંગમ ધરાવતા કચ્છ રણોત્સવને વૈશ્વિક સ્તરે ઓળખ મળી છે તેનો શ્રેય ગુજરાતના પૂર્વ સીએમ અને હાલના ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જાય છે. તેમણે 2005માં શરૂ કરેલા કચ્છ રણોત્સવથી ગુજરાતના પ્રવાસન ઉદ્યોગને તો વેગ મળ્યો જ છે, સાથે તે અનેક લોકોના આર્થિક અને સામાજિક વિકાસનું પણ માધ્યમ બન્યું છે.
14 November, 2024 07:01 IST | Bhuj | Gujarati Mid-day Online Correspondent