હાલમાં નહિ પણ હંમેશાથી કુકીઝનો ટ્રેન્ડ ખૂબ વધી જ રહ્યો છે. કૂકીઝ એક મજેદાર અને ક્રંચી નાસ્તો છે, જે ભારતની રસોઈકળામાં અને દરેક ઉંમરના લોકોના દિલમાં એક ખાસ સ્થાન ધરાવે છે. વિવિધ સ્વાદ, આકારો અને ટેક્સચરની વિશાળ શ્રેણીમાં બનતી કુકીઝનો આનંદ આપણે વિશ્વમાં ગમે ત્યારે અને ગમે તે વસ્તુ સાથે માણી શકીએ છીએ. ફાઇવ સ્ટાર હોટલમાં સવારના નાસ્તામાં અથવા હાઈ-ટી દરમિયાન પીરસાતી કૂકીઝને ગરમ ચા, કોફી કે દૂધમાં ડૂબોળીને ખાવાનો એક અલગ જ આનંદ છે. ઉપરાંત, કૂકીઝ ડેઝર્ટ તરીકે અથવા મધરાતે ભૂખ લાગે ત્યારે પણ એક આદર્શ વિકલ્પ છે. જોકે બજારમાં કૂકીઝની અનેક પ્રકારની વૈવિધ્યતા ઉપલબ્ધ છે, તેમ છતાંય તે ઘરમાં સરળતાથી બનાવી શકાય છે. ભારતના રસોઈ ઈતિહાસમાં બેકિંગ કળાના દાયકાઓમાં મોટા ફેરફારો જોવા મળ્યા છે. શરૂઆતમાં પારલે-જી, ટોસ્ટ અને ખારી બિસ્કિટનો ક્રેઝ હતો, ત્યારબાદ ક્રીમ બિસ્કિટ લોકપ્રિય બન્યા અને હવે કૂકીઝનો ક્રેઝ તેના વિશિષ્ટ સ્વાદ અને ટેક્સ્ચરના કારણે વધી રહ્યો છે. આજની પેઢી ડિપ્સ, જામ, હોટ ચોકલેટ સાથે કૂકીઝ આરોગવાનું પસંદ કરે છે, જ્યારે માતાઓ હવે તે ઘરમાં જ બનાવવાનું પસંદ કરે છે. ૪ ડિસેમ્બરે ઉજવાતા નેશનલ કૂકી ડેના અવસરે, આ લોકપ્રિય નાસ્તાને યાદ કરતાં આજે હું તમને ગુજરાતના ચાર જાણીતા બેકર્સ અને હોમ શેફ સાથે થયેલી વાતચીત શેર કરીશ, જેમાં તેઓ ઘરે કેવી રીતે સરળતાથી કુકીઝ બનાવી શકાય તેની રેસીપી જણાવતા વિશેષ ટિપ્સ સાથે પોતાનો અભિપ્રાય શેર કરશે.
ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી)
06 December, 2024 10:00 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent