તાજેતરમાં જ આપણે બેસતું વર્ષ ઊજવ્યું. હવે જ્યારે નવા ઉમંગો, નવા ઉત્સાહ સાથે નવું વર્ષ આવી ગયું છે ત્યારે આવો, કવિ રઈશ મનીઆરની કેટલીક હાસ્ય કવિતાઓથી શરૂઆત કરીએ. બાળ માનસશાસ્ત્રી એવા રઈશભાઈ પોતે ગુજરાતી ભાષાના સારા કવિ, નાટ્યકાર તથા હાસ્યકાર છે. એમની અહીં પ્રસ્તુત કવિતાઓમાં હાસ્યની રમઝટ તો છે જ પણ સાથે એક લયનો પણ લહેકો જોવા મળે છે. અનેક કાવ્યસંગ્રહોની સાથે જ તેઓએ સાહિર, કૈફી, જાવેદ અખ્તર અને ગુલઝારજીની અનેક ઉર્દૂ કવિતાના સફળ અનુવાદ પણ આપ્યા છે.
‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ. ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ ઉજવીએ.
05 November, 2024 10:01 IST | Mumbai | Dharmik Parmar