વરુણ બડોલા બન્યો સિનેમૅટોગ્રાફર!
'કિસ દેસ મેં નિકલા હોગા ચાંદ’, ‘અસ્તિત્વ એક પ્રેમ કહાની’ જેવી સિરિયલથી જાણીતો બનેલો વરુણ બડોલા ટીવીના લોકપ્રિય કલાકારોમાંથી એક છે. હાલમાં તે ‘મેરે ડૅડ કી દુલ્હન’ સિરિયલમાં અંબર બનીને દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે અને લૉકડાઉનમાં તો તેણે વધુ એક સિદ્ધિ પોતાના નામે કરી લીધી છે. ‘પરિણીતા’, ‘મર્દાની’ જેવી ફિલ્મો બનાવનારા ડિરેક્ટર પ્રદીપ સરકાર માટે વરુણ બડોલાએ એક ઍડ ફિલ્મ શૂટ કરી છે. ‘દાવત’ બાસમતી રાઇસની આ કમર્શિયલમાં તેણે ડીઓપી (ડિરેક્ટર ઑફ ફોટોગ્રાફી) તરીકે કામ સંભાળ્યું છે. એક ડીઓપી તરીકે કામ કર્યા બાદ વરુણ સાતમા આસમાને છે.
સોશ્યલ મીડિયા પર આ ઍડ ફિલ્મનો વિડિયો શૅર કરીને વરુણે લખ્યું છે, ‘મેં શ્રી પ્રદીપ સરકાર માટે ડીઓપી તરીકે મારી પહેલી ઍડ ફિલ્મ શૂટ કરી, સોશ્યલ ડિસ્ટન્સ જાળવીને. બસ હવે મેં બધું જોઈ લીધું છે. હાહાહા...’ વરુણ અગાઉ તિગ્માંશુ ધુલિયાની ‘હાસિલ’ અને ‘ચરસ’ જેવી ફિલ્મોમાં ઍક્ટિંગ ઉપરાંત અસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરી ચૂક્યો છે. વરુણના ચાહકો તેની નિર્દેશક બાજુને જોઈને બહુ ખુશ થઈ ગયા છે અને તેને ‘મલ્ટિ ટૅલન્ટેડ’ કહીને બિરદાવ્યો છે.

