Ak vs Ak: રિયલ કે ફિક્શન?
અનુરાગ કશ્યપ અને અનિલ કપૂરના નામ પરથી નેટફ્લિક્સ પર ‘Ak vs Ak’ રિલીઝ કરવામાં આવી છે. આ એક એક્સપરિમેન્ટ્લ ફિલ્મ છે જેને રિયલ લાઇફ પાત્રો પરથી ફિક્શન સ્ટોરી બનાવવામાં આવી છે. આ ફિલ્મની અંદર પણ ફિલ્મની રીતે એટલે કે થર્ડ પર્સનના ઍન્ગલથી દેખાડવામાં આવી છે. વિક્રમાદિત્ય મોટવાણે દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ ખૂબ જ અદ્ભુત ફિલ્મ છે. છેલ્લા ઘણા મહિનામાં રિલીઝ થયેલી ઑનલાઇન હથોડાછાપ ફિલ્મોમાં આ એક ખૂબ જ સારી ફિલ્મ છે. અવિનાશ સંપત દ્વારા લખવામાં આવેલી સ્ક્રિપ્ટમાં પહેલાંના સમયના એક સુપરસ્ટારની સ્ટોરી અને આજના સમયના ઇન્ડિપેન્ડન્ટ ફિલ્મમેકરની સ્ટોરી છે. બન્ને એકબીજાથી ખૂબ જ અલગ હોય છે. જોકે તેઓ બન્ને અલગ હોવા છતાં તેમની સ્ટોરીને ખૂબ જ સારી રીતે વણી લેવામાં આવી છે.
સ્ક્રિપ્ટ, સ્ક્રીનપ્લે અને ડિરેક્શન
ADVERTISEMENT
અવિનાશ સંપત દ્વારા સ્ક્રિપ્ટ લખવામાં ખૂબ જ ઝીણવટ રાખવામાં આવી છે. મોટા ભાગની દરેક બાબતને સમાવી લેવામાં આવી છે અને એમ છતાં એનાથી રિયલ લાઇફ વ્યક્તિને દુઃખ ન પહોંચે અને દર્શકોને આકર્ષિત કરી શકે એની તકેદારી રાખવામાં આવી છે. સ્ક્રીનપ્લે દરમ્યાન અવિનાશ અને વિક્રમાદિત્ય મોટવાણે દ્વારા ખૂબ જ સાવચેતી રાખવામાં આવી હતી. આ એક રીલ સ્ટોરી હોવા છતાં રિયલ લાગે એની તમામ તકેદારી સ્ક્રીનપ્લેમાં રાખવામાં આવી છે. એ માટે અનિલ કપૂર અને અનુરાગ કશ્યપના ઘરમાં શૂટિંગ કરવામાં આવ્યું હતું. તેમ જ બોની કપૂર, સોનમ કપૂર આહુજા અને હર્ષવર્ધન કપૂરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે એટલું જ નહીં, સોનમના પતિ આનંદનો અવાજ પણ ફોનમાં રિયલ લેવામાં આવ્યો છે. વિક્રમાદિત્ય મોટવાણેએ ડિરેક્શનમાં કમાલ કરી દેખાડી છે. તેણે બૉલીવુડના ડિરેક્ટર્સથી એકદમ હટકે ચાન્સ લઈને આ ફિલ્મ બનાવી છે અને એ રંગ પણ લાવી છે. એક-બે દૃશ્યને બાદ કરતાં તેના ડિરેક્શનમાં ફિલ્મ ફિક્શન કરતાં રિયલ વધુ લાગે છે. તેણે મ્યુઝિકને પણ નૉર્મલ રાખી દૃશ્યો વધુ અવાજ કરે એને મહત્ત્વ આપ્યું છે. દોડવાના દૃશ્ય હોય કે પછી ચાલવાના – કૅમેરાની મૂવમેન્ટને ખૂબ જ સાવચેતી રૂપે દેખાડવામાં આવી છે.
પર્ફોર્મન્સ
અનિલ કપૂર એક નવા જ અવતારમાં જોવા મળ્યો છે. એક રીતે જોવા જઈએ તો દેખાઈ આવે છે કે તે ઍક્ટિંગ નહીં, પરંતુ રિયલ લાઇફમાં એવું કરી રહ્યો છે. જોકે તેના ઘરમાં અનુરાગ કશ્યપ સાથેની લડાઈ ખૂબ જ હમ્બગ લાગે છે. અનિલ કપૂર કેમ આટલાં વર્ષ સુધી પણ સફળ ઍક્ટર છે એ આ ફિલ્મમાં દેખાઈ આવે છે. અનુરાગ કશ્યપે પણ આ ફિલ્મમાં ખૂબ જ સારું કામ કર્યું છે. તેના જેવો ઇન્ડિપેન્ડન્ટ અને આખાબોલો ડિરેક્ટર બીજો કોઈ નહીં હોય એ આ ફિલ્મમાં જોઈ શકાય છે. તેણે તેનું પાત્ર ખૂબ જ સારી રીતે ભજવ્યું છે અને તેણે એ ભજવવાની મજા પણ લીધી છે. ઘણાં દૃશ્યો એવાં છે જેમાં તે અનિલ કપૂરની ઍક્ટિંગ જોઈને ચોંકી ઊઠે છે અને એ અનુરાગના ચહેરા પર પણ જોઈ શકાય છે.
મેસેજ
ફિલ્મ ફિક્શન અને એક્સપરિમેન્ટ્લ છે, પરંતુ એમ છતાં એમાં ઘણા મેસેજ પણ આપવામાં આવ્યા છે. અનિલ કપૂર તેની દીકરીને બચાવવા માટે મથામણ કરતો હોય, પરંતુ એક ક્રિસમસની પાર્ટીમાં તે લોકો પાસે જ્યારે મદદની ભીખ માગે છે ત્યારે લોકો પહેલાં તેને માય નેમ ઇઝ લખન પર ડાન્સ કરવા કહે છે. અહીં લોકોની ઍક્ટર તરફ કેવી વિચારધારા છે એ દેખાઈ આવે છે. તે મુસીબતમાં હોય છે, પરંતુ લોકોને એની કંઈ નથી પડી હોતી. તે જ્યારે પોલીસ-સ્ટેશનમાં કિડનૅપિંગની ફરિયાદ દાખલ કરવા જાય છે ત્યારે પણ લોકો તેની પાસે સેલ્ફી માગે છે. પોલીસ-સ્ટેશનમાં કોઈ પણ વ્યક્તિ હવા ખાવા માટે નથી જતું હોતું. એમ છતાં લોકો ત્યાં તેની પાસે સેલ્ફી માગે એ ખૂબ જ આશ્ચર્યની વાત છે.
આખરી સલામ
આ ફિલ્મના એન્ડ દ્વારા એ વાત તો ચોક્કસ થઈ ગઈ છે સેલિબ્રિટીઝની લાઇફમાં જે પણ કંઈ થતું હોય છે એમાં તેઓ પોતાનો ફાયદો શોધી લે છે.