તબુએ ક્યારેય આવું નથી કહ્યું અને વાચકોને ખોટી માહિતી આપવી નૈતિકતાનું ઉલ્લંઘન છે.
તબુ
બૉલીવુડની ટૅલન્ટેડ અભિનેત્રીઓની યાદી બનાવવામાં આવે તો એમાં તબુનો ચોક્કસ સમાવેશ કરવો પડે. તેણે પોતાની લાંબી કરીઅરમાં એકથી એક ચડિયાતા રોલ કરીને ચાહકોના દિલમાં ખાસ જગ્યા બનાવી છે. જોકે તેની ફિલ્મોની સાથે-સાથે તેની પર્સનલ લાઇફ પણ ચર્ચાનો મુદ્દો બની છે. તબુને તેના ઇન્ટરવ્યુ દરમ્યાન એક પ્રશ્ન વારંવાર કરવામાં આવતો હોય છે અને એ પ્રશ્ન છે કે તે ક્યારે લગ્ન કરવાની છે?
હાલમાં તબુના નામે લગ્નને લગતું એક નિવેદન મીડિયામાં ચર્ચાસ્પદ બન્યું છે જેમાં તેણે કહ્યું છે કે ‘લગ્નમાં રસ નથી, પણ પુરુષને શૈયાસાથી બનાવવા માગું છું...’ આ નિવેદન વિવાદાસ્પદ બન્યા પછી તબુની ટીમે લાંબું નિવેદન જાહેર કરીને સ્પષ્ટતા કરી છે કે ‘કેટલીક વેબસાઇટ અને સોશ્યલ મીડિયાના હૅન્ડલ પર તબુના નામે ખોટું નિવેદન ચલાવવામાં આવી રહ્યું છે. આ નિવેદન સદંતર ખોટું છે અને એને કારણે તબુની ઇમેજ ખરડાઈ છે. તબુએ ક્યારેય આવું નથી કહ્યું અને વાચકોને ખોટી માહિતી આપવી નૈતિકતાનું ઉલ્લંઘન છે. અમે ઇચ્છીએ છીએ કે વેબસાઇટ્સ આ નિવેદન હટાવી લે અને સત્તાવાર માફી માગે.’