દીક્ષા જોશીની ઇચ્છા છે કે પ્રતીક ગાંધી તેને ડિરેક્ટ કરે
દીક્ષા જોશી
દીક્ષા જોશીને એક કો-ઍક્ટર તરીકે પ્રતીક ગાંધી સાથે કામ કરવું ઇન્ટરેસ્ટિંગ લાગે છે. ‘સ્કૅમ 1992: ધ હર્ષદ મહેતા સ્ટોરી’માં પ્રતીક ગાંધીના પર્ફોર્મન્સની ચારેય બાજુએ ખૂબ પ્રશંસા થઈ રહી છે. દીક્ષા અને પ્રતીકે ગુજરાતી ફિલ્મો ‘ધુનકી’ અને ‘લવની લવ સ્ટોરીઝ’માં સાથે કામ કર્યું હતું. તેઓ હવે ગુજરાતી રૉમ-કૉમ ‘વ્હાલમ જાઓને’માં જોવા મળવાનાં છે. આ ફિલ્મમાં તેમની સાથે ટિકુ તલસાણિયા, ઓજસ રાવલ, સંજય ગારોડિયા સહિત અનેક કલાકારો જોવા મળવાના છે. આ ફિલ્મ અને પ્રતીક ગાંધી વિશે દિક્ષાએ કહ્યું હતું કે ‘પહેલી વાત તો એ કે સેટ પર પાછા ફરવાની ખૂબ ખુશી છે. અમે બધા લાઇટ્સ, કૅમેરા, સ્વીટ એવા સ્પૉટ દાદા અને મેકઅપ દાદાને મિસ કરી રહ્યાં છીએ. અમે હાલમાં જ ‘વ્હાલમ જાઓને’નું શૂટિંગ શરૂ કર્યું છે. આ એક ગુજરાતી રૉમ-કૉમ બે લોકોની સ્ટોરી દેખાડશે. એમાં લવ, ઇમોશન્સ અને હ્યુમર જોવા મળશે. પ્રતીક અને હું એક વર્ષ બાદ ફરીથી કામ કરી રહ્યાં છીએ. અમે છેલ્લે ‘લવની લવ સ્ટોરીઝ’માં સાથે કામ કર્યું હતું. તેની વાઇફ ભામિની અને તેનો ભાઈ પુનિત સાથે મારે ફૅમિલી જેવો સંબંધ છે. પ્રતીક સાથે કામ કરવું દિલચસ્પ લાગે છે. અમે બન્ને એકબીજા સાથે કામ કરી ચૂક્યાં છીએ એથી સીન્સનાં રિહર્સલમાં વધુ સમય નથી લાગતો. આજે આખા દેશે તેના કામની નોંધ લીધી છે અને એ પણ જાણી ચૂક્યા છે કે તે એક સારો પર્ફોર્મર છે. અમારા બન્ને વચ્ચે એક બાબત સમાન છે કે અમે બન્ને થિયેટરનાં છીએ. સાથે જ મારી એ ઇચ્છા છે કે ભવિષ્યમાં તે મને ડિરેક્ટ કરે.’

