આવું કહીને અમિતાભે મોટી ઉંમરે ઍક્ટિંગ કરવામાં પડતી મુશ્કેલીઓની પોતાના બ્લૉગ પર ચર્ચા કરી
અમિતાભ બચ્ચન
અમિતાભ બચ્ચનની લોકપ્રિયતા હજી પણ જળવાયેલી છે અને એટલે જ ૮૨ વર્ષની ઉંમરે પણ તેમને સતત નવા પ્રોજેક્ટ મળતા જ રહે છે. હવે જોકે તેમને મનમાં સંશય રહે છે કે તેઓ એ પ્રોજેક્ટ સાથે ન્યાય કરી શકશે કે કેમ? પોતાના બ્લૉગમાં અમિતાભે આ સંદર્ભમાં લાગણી વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે તેઓ માત્ર ‘કઠપૂતળી’ છે અને ડિરેક્ટરના નિર્દેશો મુજબ કામ કરે છે.
અમિતાભે બ્લૉગમાં લખ્યું છે, ‘મને હંમેશાં એવી ચિંતા રહે છે કે મને જે કામ મળે છે એ હું યોગ્ય રીતે કરી શકીશ કે નહીં. પછી શું થાય છે એ એક અસ્પષ્ટતા છે. પ્રોડક્શન, ખર્ચ, માર્કેટિંગ, પ્રદર્શન - બધું જ અસ્પષ્ટ બ્લર સ્થિતિ જેવું છે. પ્રોજેક્ટ પસંદ કરવાનો નિર્ણય હંમેશાં ‘બીજાઓ’નો - એટલે કે નિર્માતા અને લેખકોનો હોય છે. હું માત્ર એક કઠપૂતળી છું જેને નિર્દેશકના નિર્દેશો મુજબ કામ કરવું પડે છે.’
અમિતાભ બચ્ચને સેટ પરના પ્રેરણાના સ્રોત અને વૃદ્ધાવસ્થાના તેમના કામ પરના પ્રભાવ વિશે પણ વાત કરી. તેમણે લખ્યું છે, ‘જે કોઈ સર્જનાત્મક ઉદ્ભવ થાય છે એ માત્ર ઑન ધ સ્પૉટ આવતો વિચાર છે અને વધુ કંઈ નહીં. કોઈ સંશોધન, તૈયારી કે ચર્ચા નહીં. માત્ર સેટ પર જાઓ અને પ્રવાહને અનુસરો. જેમ-જેમ ઉંમર વધે છે તેમ-તેમ માત્ર લાઇન્સ યાદ રાખવામાં મુશ્કેલી નથી થતી, ઉંમર સંબંધિત અનેક પરિસ્થિતિઓનું પણ પાલન કરવું પડે છે. આ પછી તમે ઘરે આવીને સમજો છો કે કેટલી ભૂલ થઈ છે અને એને કેવી રીતે સુધારવી. આ પછી ડિરેક્ટરને મધરાતે ફોન કરીને સુધારવાની બીજી તક માગવી પડે છે.’

