મૈસૂરના કિંગની ડાર્ક સાઇડ આ ફિલ્મમાં દેખાડવામાં આવશે અને એમાં ખાસ કરીને ધર્મને લઈને તે કટ્ટરવાદી હોવાની વાત પણ કરવામાં આવશે
કર્ણાટકના ઇલેક્શન પહેલાં જાહેરાત થઈ ટીપુ સુલતાનની ફિલ્મની
કર્ણાટકનું ઇલેક્શનના એક દિવસ પહેલાં જ મૈસૂરના ટીપુ સુલતાનની ફિલ્મની જાહેરાત કરવામાં આવી છે. આ ફિલ્મની જાહેરાત ગઈ કાલે કરવામાં આવી હતી. કર્ણાટકની ભારતીય જનતા પાર્ટી છેલ્લાં ઘણાં વર્ષથી ટીપુ સુલતાનને લઈને મુદ્દો બનાવતી આવી છે. તેના સમયમાં તેણે જબરદસ્તી લોકોનું ધર્મપરિવર્તન કર્યું હોવાના આરોપ તેના પર મૂકવામાં આવ્યા હતા. આ ફિલ્મમાં ટીપુ સુલતાનની ડાર્ક સાઇડને દેખાડવામાં આવશે. ભારતીય જનતા પાર્ટીના નૉર્થ-ઈસ્ટ સ્ટ્રૅટેજિસ્ટ, મણિપુર ચીફ મિનિસ્ટરના ઍડ્વાઇઝર અને જાણીતા લેખક અને ટીવી કૉમેન્ટેટર રજત સેઠી દ્વારા આ ફિલ્મ માટે રિસર્ચ કરવામાં આવ્યું છે. આ ફિલ્મના ડિરેક્ટર પવન શર્માએ કહ્યું કે ‘આપણને સ્કૂલમાં ટીપુ સુલતાન વિશે જે માહિતી આપવામાં આવી હતી એ એકદમ ખોટી હતી. તેની રાજા તરીકેની જ્યારે વાસ્તવિકતા વિશે મને જાણ થઈ ત્યારે હું એકદમ હલી ગયો હતો. તેઓ એક વૉરિયર હીરો છે એ રીતે આપણી સામે ખોટી માહિતી આપવામાં આવી હતી, પરંતુ મારી ફિલ્મ દ્વારા હું એ માન્યતાને તોડીશ. ટીપુ સુલતાનની ધર્મને લઈને જે કટ્ટરતા હતી એ તેના પિતા હૈદર અલી ખાન કરતાં પણ ખૂબ જ ગંદી હતી. ટીપુ સુલતાન એ સમયનો હિટલર હતો.’
આ વિશે રજત સેઠીએ કહ્યું કે ‘ઘણા હીરોઝ સાથે ભૂતકાળમાં ખૂબ જ ખોટું થયું છે. ઘણા લોકોના જુલમને પણ ઇગ્નૉર કરવામાં આવ્યા છે. ટીપુ એક એવું જ ઉદાહરણ છે જે ઓવરરેટેડ છે. તેણે જે ક્રૂરતા કરી છે એને ટેક્સ્ટબુક્સમાં દેખાડવામાં નથી આવી. ઇતિહાસ જ નહીં, પરંતુ ફિલ્મો અને થિયેટર્સ જેવી દરેક વસ્તુમાં પણ તેની ખરી ક્રૂરતાને નજરઅંદાજ કરવામાં આવી છે. અમે આ ફિલ્મ દ્વારા એ નરેટિવને એકદમ વાસ્તવિક એટલે કે જે હતું એવું દેખાડવાની કોશિશ કરી છે.’


