કિસી ઍન્ગલ સે હિરોઇન દિખતી હો એવો સવાલ એક તામિલ પ્રોડ્યુસરે કર્યો એ પછી...
વિદ્યા બાલન
એક મલયાલમ ફિલ્મમાંથી પનોતી કહીને કાઢી મૂકી એ પછી અનેક ફિલ્મો હાથમાંથી જતી રહી
‘ભૂલભુલૈયા’માં ૧૭ વર્ષ પહેલાં મંજુલિકા બનેલી વિદ્યા બાલન ‘ભૂલભુલૈયા ૩’માં પાછી ફરી છે અને આ ફિલ્મની સફળતાને માણી રહી છે. ૨૦૦૩માં એક બંગાળી ફિલ્મથી સિનેજગતમાં પ્રવેશેલી વિદ્યાએ ૨૦૦૫માં ફિલ્મ ‘પરિણીતા’ દ્વારા બૉલીવુડમાં કદમ મૂક્યાં હતાં. ૪૫ વર્ષની વિદ્યાએ બે દાયકાની ફિલ્મી સફરમાં એક સફળ અને સશક્ત અભિનેત્રી તરીકે નામના મેળવી છે, પણ એક સમય એવો હતો જ્યારે વિદ્યાએ જબરદસ્ત ઇન્સલ્ટનો સામનો કરવો પડ્યો હતો અને તે પોતાને પનોતી માનવા માંડી હતી.
ADVERTISEMENT
વિદ્યાએ આ વાતો તાજેતરમાં જ ‘ભૂલભુલૈયા ૩’ના પ્રમોશન દરમ્યાન કરી હતી. કરીઅરની શરૂઆતમાં એક તામિલ ફિલ્મમાંથી તેને કાઢી મૂકવામાં આવી હતી એની વાત કરતાં વિદ્યા કહે છે, ‘એક તામિલ ફિલ્મનું બે દિવસ શૂટિંગ કર્યા પછી મને ના પાડી દેવામાં આવી. હું મારા પેરન્ટ્સ સાથે ચેન્નઈમાં પ્રોડ્યુસર સાથે આ બાબતે વાત કરવા ગઈ તો તેણે અમને ફિલ્મનાં કેટલાંક દૃશ્યો દેખાડ્યાં અને મારા પેરન્ટ્સને કહ્યું, દેખો... કિસી ઍન્ગલ સે હિરોઇન દિખતી હૈ? તેને ન ઍક્ટિંગ આવડે છે, ન ડાન્સ આવડે છે. આ સાંભળીને હું વિચારતી હતી કે મેં હજી બે જ દિવસ કામ કર્યું છે, પહેલાં મને ઍક્ટિંગ અને ડાન્સ કરવા તો દો.’
કારકિર્દીની શરૂઆતમાં વિદ્યાએ ઘણી વાર રિજેક્શનનો સામનો કર્યો હતો, પણ આ પ્રોડ્યુસરના શબ્દોએ તેનો કૉન્ફિડન્સ હલાવી નાખ્યો. તે કહે છે, ‘૬ મહિના સુધી મેં મારી જાતને અરીસમાં ન જોઈ, કારણ કે મને લાગતું હતું કે હું કદરૂપી છું. હું એ ઘટના ક્યારેય નહીં ભૂલું.’ વિદ્યાને મોહનલાલ સાથેની એક મલયાલમ ફિલ્મમાંથી પણ પનોતી કહીને કાઢી મૂકવામાં આવી હતી. વિદ્યાએ આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરેલું, પણ એ અધવચ્ચે અટકી પડ્યું ત્યારે પ્રોડ્યુસરે કહેલું કે ‘યે લડકી પનોતી હૈ. જબ સે વો ઇસ ફિલ્મ સે જુડી હૈ તબ સે પ્રૉબ્લેમ્સ શુરુ હો ગએ હૈં ઔર અબ યે ફિલ્મ બંદ પડ ગયી હૈ.’ વિદ્યાને આ ફિલ્મમાંથી પનોતી કહીને હટાવવામાં આવી એ પછી બીજી ઘણી ફિલ્મોમાંથી તેને રિપ્લેસ કરી દેવામાં આવી હતી.
એક વર્ષથી એક્સરસાઇઝ નથી કરતી વિદ્યા બાલન, એ છતાંય વજન કેવી રીતે ઘટ્યું?
વિદ્યા બાલને હંમેશાં તેના બૉડી-વેઇટ માટે ટીકાઓનો સામનો કરવો પડ્યો છે, પણ હમણાં-હમણાં તેણે ઘણું વજન ઘટાડ્યું હોવાનું દેખાય છે. એના માટે જોકે તેણે કોઈ એક્સરસાઇઝ નથી કરી, બસ ખાવાપીવામાં બદલાવ કર્યો છે. વિદ્યાએ આ બદલાવ ચેન્નઈના એક ન્યુટ્રિશનલ ગ્રુપની સલાહોના આધારે કર્યો છે. આ ગ્રુપે વિદ્યાને કહ્યું કે તારા શરીર પર ચરબી નથી જમા થઈ, એ માત્ર ઇન્ફ્લમેશન છે અને એના માટે એણે વિદ્યાને માફક ન આવતું હોય એવું ફૂડ તથા વર્કઆઉટ પણ બંધ કરાવીને તેને પાતળી કરી નાખી છે. વિદ્યા કહે છે, ‘હું હંમેશાં વેજિટેરિયન રહી છું. આપણે માનતા હોઈએ છીએ કે આપણા માટે બધાં શાક સારાં, પણ એવું નથી હોતું. દાખલા તરીકે મને ખબર નહોતી કે પાલક અને દૂધી મને માફક નથી આવતાં. એ ખાવાનાં મેં બંધ કર્યાં એનો મને ઘણો ફાયદો થયો છે. મેં છેલ્લા એક વર્ષથી વર્કઆઉટ નથી કર્યું, તો પણ મારું વજન ઘટ્યું છે.’