આ વાત તેણે તાજેતરમાં પ્રિયંકા ચોપડા જોનસે બૉલીવુડ પર કરેલા ધારદાર પ્રહારને જોતાં કહી છે
ઇન્ડસ્ટ્રીના અમુક લોકો કરતાં તો સાપ સારા : શેખર સુમન
શેખર સુમનનું કહેવું છે કે ઇન્ડસ્ટ્રીના અમુક લોકો સાપ કરતાં પણ વધુ ખતરનાક છે. આ વાત તેણે તાજેતરમાં પ્રિયંકા ચોપડા જોનસે બૉલીવુડ પર કરેલા ધારદાર પ્રહારને જોતાં કહી છે. પ્રિયંકાએ બૉલીવુડમાં તેની સાથે થયેલા વર્તન પર ખુલાસો કર્યો હતો. એને જોતાં અનેક લોકો તેના સપોર્ટમાં આવ્યા છે. એ કડીમાં ટ્વિટર પર શેખર સુમને ટ્વીટ કર્યું કે ‘પ્રિયંકાએ કરેલા ચોંકાવનારા ખુલાસાથી મને કોઈ આંચકો નહોતો લાગ્યો. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવું ષડયંત્ર જગજાહેર છે. એ તમને પરેશાન કરશે, પ્રતાડિત કરશે જ્યાં સુધી તમે ખતમ ન થઈ જાઓ. આવું જ સુશાંત સિંહ રાજપૂત સાથે પણ થયું હતું. આવું જ અન્ય લોકો સાથે પણ થતું આવશે. ઇન્ડસ્ટ્રીમાં આવી વસ્તુઓ થાય છે. તમારે કાં તો એનો સ્વીકાર કરવો રહ્યો કાં તો એને છોડી દેવું પડે. પ્રિયંકાએ એને છોડી દીધું. સારું કર્યું તેણે આવું કર્યું. હવે આપણી પાસે હૉલીવુડમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર એક આઇકન છે. એવું કહેવાય છે કે નિરાશાની પાછળ આશા છુપાયેલી છે. હું ઇન્ડસ્ટ્રીના એવા લોકોને ઓળખું છું જેણે મને અને અધ્યયનને ઇન્ડસ્ટ્રીમાંથી દૂર કરવા માટે ગૅન્ગ બનાવી છે. આ ગૅન્ગસ્ટર્સનું વર્ચસ્વ ખૂબ છે. આવા લોકો સાપ કરતાં પણ વધુ ખતરનાક છે. જોકે વાસ્તવિકતા એ પણ છે કે તેઓ અડચણ નિર્માણ કરી શકશે, પરંતુ અમને અટકાવી નહીં શકે.’

