Sau Saal pehle: આ શૉમાં સોનુ નિગમ દ્વારા રફી સાહેબના શાશ્વત ગીતોમાંથી લગભગ 50 સુપરહિટ ગીતોની શાનદાર પ્રસ્તુતિ કરવામાં આવી હતી
`સો સાલ પહેલે` ઇવેંટની યાદગાર તસવીરો
વર્ષ ૨૦૨૪ની ક્રિસમસની પૂર્વસંધ્યાનો દિવસ તો યાદગાર અને ઐતિહાસિક બની રહ્યો, એમ કહેવામાં અતિશયોક્તિ નથી. એની પાછળનું ખાસ કારણ તો એ છે કે મહાન ગાયક મોહમ્મદ રફીજીની 100મી જન્મજયંતિ ઉજવવામાં આવી હતી. આ અવસર પર પદ્મશ્રી સોનુ નિગમે નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC)માં પોતાના પ્રેરક એવા મોહમ્મદ રફીજીને અનોખી ભાવાંજલિ અર્પણ (Sau Saal pehle) કરવામાં આવી હતી.
કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું – લાઈવ ઓર્કેસ્ટ્રાની સંગત જામી
ADVERTISEMENT
એન આર ટેલેન્ટ એન્ડ ઇવેન્ટ મેનેજમેન્ટ દ્વારા ‘સો સાલ પહેલે’ (Sau Saal pehle) નામનો અનોખો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. આ કોન્સર્ટમાં સોનુ નિગમે પહેલીવાર રફી સાહેબને શૉ સમર્પિત કર્યો હતો. જેમાં તેમણે રફી સાહેબના શાશ્વત ગીતોમાંથી લગભગ 50 સુપરહિટ ગીતોની શાનદાર પ્રસ્તુતિ કરવામાં આવી હતી. જેમાં 50 સભ્યોની લાઈવ ઓર્કેસ્ટ્રાએ સંગત આપી હતી.
આ અનોખા પ્રસંગ નિમિત્તે મોહમ્મદ રફીજીના પરિવારના સભ્યો પણ હાજર રહ્યા હતાં. જેમાં તેમના પુત્ર શાહિદ રફી અને પુત્રવધૂ ફિરદૌસ રફી પણ આવ્યા હતા. સ્વ. ઉસ્તાદ ગુલામ મુસ્તફા ખાનના પુત્ર રબ્બાની મુસ્તફા ખાન અને તેમની પત્ની નમ્રતા ગુપ્તા ખાને આ શ્રદ્ધાંજલિ માટે આદર્શ મકબૂલિયતની ભૂમિકા ભજવી હતી એમ કહી શકાય.
Sau Saal pehle: સૌ પ્રથમ તો સોનુ નિગમે બેકસ્ટેજ પૂજા કરી હતી. મોહમ્મદ રફીજીને નમન કરતા તેઓએ મંચ પર આવીને પરફોર્મન્સ આપ્યું. તેઓએ ‘તું કહીં આસપાસ હેં દોસ્ત’, ‘મેરા તો જો ભી કદમ’, અને ‘દિલ કા સુના સાજ’ જેવાં ગીતોની અફલાતૂન રજૂઆત કરીને લોકોના દિલ જીતી લીધા હતા.
NMACC ગ્રાન્ડ થિયેટર દર્શકોથી ભરાઈ ગયું હતું. “વી લવ યૂ, સોનુ નિગમ!”ના જયકારો સાથે થિયેટર ગુંજી ઊઠ્યું હતું. સોનુ નિગમે ‘યે ચાંદ સા રોશન ચેહરા’, ‘મેને પૂછા ચાંદ સે’, ‘બહારો ફૂલ બરસાઓ’, ‘પુકારતા ચલા હું મેં’, ‘ક્યા હુઆ તેરા વાદા’, ‘પરદેશીઓ સે ના આંખે મિલાના’, ‘દર્દ-એ-દિલ’, ‘ઓ હસીના ઝુલફો વાલી’, ‘આજા-આજા’,અને અનેક બીજા લોકપ્રિય ગીતોની ભાવવાહી રજૂઆત કરી હતી.
રફી સાહેબનાં લીધે જ હું છું : સોનુ નિગમ
સોનુના પિતા અગમ કુમાર નિગમ પણ મંચ પર આવ્યા અને તેમણે પણ આ મહાન ગાયકને શ્રદ્ધાંજલિ (Sau Saal pehle) અર્પણ કરી હતી. ભાવુક થયેલ સોનુએ પોતાના જીવન પર થયેલ રફી સાહેબના પ્રભાવને વર્ણવતાં કહ્યું હતું કે, “રફી સાહેબ મારા મ્યુઝિકલ પિતા છે. મારા પિતાએ મને રફી સાહેબના સંગીતથી પરિચિય કરાવ્યો અને આજે હું જે કઈ છું તે મને રફી સાહેબે જ બનાવ્યો છે. રફી સાહેબનાં લીધે જ હું છું, મારુ અસ્તિત્વ છે.”
આ અવસરે (Sau Saal pehle) રબ્બાની મુસ્તફા ખાન અને નમ્રતા ગુપ્તા ખાને સોનુ નિગમને મોહમ્મદ રફીજીની સુંદર પ્રતિમાની ભેટ આપી હતી. “સોનુજી અમારા માટે પરિવારનાં સભ્ય જેવા છે. ‘સો સાલ પહેલે’નું આયોજન માત્ર મોટી જવાબદારી જ નહોતી પણ નમ્રતા અને મારા માટે ભાવનાત્મક સફર પણ હતી.” એમ કહી રબ્બાની મુસ્તફા ખાને પોતાની વાત મૂકી હતી. તેઓએ આગળ કહ્યું, “સોનુજી માટે તો આ ઐતિહાસિક પ્રસંગે પોતાના પ્રેરકને આવી શિદ્દતથી યાદ કરતાં અને તેમના માટે પોતાની આત્માને સમર્પિત કરતાં જોવું એ અમારા માટે ભાવુક ક્ષણ રહી” સોનુ નિગમે ‘સો સાલ પહેલે’ અને `હેપ્પી બર્થડે રફી સાહેબ` જેવાં ગીતો સાથે સમાપન કર્યું હતું.