પોતાની અને રશ્મિકા મંદાના વચ્ચે ઉંમરમાં ૩૧ વર્ષનો તફાવત છે એના વિશે આખરે સલમાન ખાન બોલ્યો
સિકંદરનું ટ્રેલર લૉન્ચ કરવાની ઇવેન્ટમાં સલમાન ખાન અને રશ્મિકા મંદાના.
હાલમાં સલમાન ખાનની આગામી ફિલ્મ ‘સિકંદર’નું ટ્રેલર લૉન્ચ કરવા માટે એક ભવ્ય ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફંક્શનમાં મુખ્ય કલાકારો સલમાન અને રશ્મિકા મંદાના ઉપરાંત ફિલ્મમાં કામ કરનાર અન્ય ઍક્ટર્સ કાજલ અગરવાલ, સત્યરાજ, સુનીલ શેટ્ટી અને શર્મન જોશી હાજર રહ્યાં હતાં. એ. આર. મુરુગાદોસે ડિરેક્ટ કરેલી અને સાજિદ નડિયાદવાલા દ્વારા નિર્મિત આ ફિલ્મ ૩૦ માર્ચે ઈદ નિમિત્તે રિલીઝ થશે.
જ્યારથી ‘સિકંદર’ રિલીઝ માટે તૈયાર થઈ છે ત્યારથી ફિલ્મની લીડ જોડી વચ્ચેના વયના તફાવતની ચર્ચા થઈ રહી છે. આ ફિલ્મમાં હીરો તરીકે ૫૯ વર્ષનો સલમાન છે અને ૨૮ વર્ષની રશ્મિકા છે. એક રિપોર્ટ પ્રમાણે રશ્મિકાના રિયલ લાઇફ પિતાની વય પણ સલમાન કરતાં ત્રણ વર્ષ ઓછી છે. સલમાન અને રશ્મિકા વચ્ચેના ઉંમરના તફાવતની બધી જગ્યાએ ચર્ચા થઈ રહી છે ત્યારે સલમાને આ મુદ્દે રોકડું પરખાવ્યું હતું.
ADVERTISEMENT
‘સિકંદર’ની ટ્રેલર-લૉન્ચ ઇવેન્ટમાં રશ્મિકા સહિત ફિલ્મની આખી ટીમ હાજર હતી. સ્ટેજ પરની વાતચીત દરમ્યાન સલમાને સોશ્યલ મીડિયા પર થતા ટ્રોલિંગ વિશે વાત કરી. સલમાને કહ્યું કે ‘બધા કહે છે કે મારા અને હિરોઇન વચ્ચે ૩૧ વર્ષનું અંતર છે. અરે, આ મામલે જ્યારે હિરોઇનને પ્રૉબ્લેમ નથી, હિરોઇનના પપ્પાને કોઈ તકલીફ નથી તો બીજા બધાને શું તકલીફ થઈ રહી છે? કાલે રશ્મિકાનાં લગ્ન થશે અને તેની દીકરી સ્ટાર બનશે તો હું તેની સાથે પણ કામ કરીશ, મમ્મીની પરમિશન તો મળી જ જશે.’
ટ્રેલર-લૉન્ચ પછી પ્રાઇવેટ જેટમાં યુલિયા વૅન્ટુર સાથે જામનગર પહોંચ્યો સલમાન
મુંબઈમાં ‘સિકંદર’નું ટ્રેલર લૉન્ચ કર્યા બાદ તરત જ સલમાન ખાન તેની કથિત ગર્લફ્રેન્ડ યુલિયા વૅન્ટુર સાથે પ્રાઇવેટ જેટમાં જામનગર ગયો હતો. તેણે જામનગર ઍરપોર્ટ પર ફૅન્સ સાથે સારી રીતે વાત કરી હતી અને ત્યાં હાજર ફોટોગ્રાફર્સ સાથે ગુજરાતીમાં વાતચીત કરી હતી.
જામનગર ઍરપોર્ટ પહોંચેલો સલમાન કડક સિક્યૉરિટી વચ્ચે હતો છતાં તેણે સ્થાનિક મીડિયા સાથે ગુજરાતીમાં વાત કરી હતી. એક ફોટોગ્રાફરે જ્યારે તેને પૂછ્યું, ‘મજામાં?’ ત્યારે સલમાને હળવાશથી જવાબ આપ્યો હતો, ‘મજામાં.’ ઍરપોર્ટ પર સલમાન લાઇટ બ્લુ ટી-શર્ટ અને બ્લુ જીન્સમાં જોવા મળ્યો હતો અને ત્યાંથી કોઈક અજાણ્યા સ્થળ તરફ રવાના થઈ ગયો હતો.
સેન્સર બોર્ડના સકંજામાં સલમાન ખાનની સિકંદર
સલમાન ખાનની ‘સિકંદર’ને કેટલાક ફેરફારની શરતે સેન્સર બોર્ડે પાસ કરી છે. આ ફિલ્મને સેન્સર બોર્ડ તરફથી U/A 13+ પ્રમાણપત્ર મળ્યું છે. 13 વર્ષથી વધુ ઉંમરનાં બાળકો પણ તેમનાં માતાપિતાની હાજરીમાં આ ફિલ્મ જોઈ શકે છે. જોકે પ્રમાણપત્રની સાથે સેન્સર બોર્ડે ફિલ્મનાં બે દૃશ્યોમાં ફેરફાર કરવાની માગણી કરી છે. પહેલો ફેરફાર ફિલ્મના એ ભાગમાં થશે જ્યાં ગૃહમંત્રીનો ઉલ્લેખ છે. સૂચન મુજબ હવે ફિલ્મમાં ‘ગૃહમંત્રી’ને બદલે ફક્ત ‘મંત્રી’ શબ્દનો ઉપયોગ કરવામાં આવશે. બીજો ફેરફાર ફિલ્મમાં બતાવેલા રાજકીય પક્ષના હોર્ડિંગમાં કરવામાં આવ્યો છે. એ દૃશ્યમાં હોર્ડિંગને બ્લર કરવું પડશે, કારણ કે એ બોર્ડ હાલના રાજકીય પક્ષ જેવું જ છે.

