કપૂર પરિવાર સાથે નજીકથી જોડાયેલાં લેખિકા બીના રામાણીએ ઇન્ટરવ્યુમાં ચોંકાવનારા ખુલાસા કર્યા છે
ફાઇલ તસવીર
દિગ્ગજ ફિલ્મ-અભિનેતા રાજ કપૂરને ૧૯૭૦ના પોતાની ડ્રીમ પ્રોજેક્ટ ફિલ્મ ‘મેરા નામ જોકર’ની નિષ્ફળતાથી ગંભીર આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જોકે ૧૯૭૩માં રિલીઝ થયેલી ‘બૉબી’ની અભૂતપૂર્વ સફળતાએ તેમનામાં ઉત્સાહનો સંચાર કર્યો હતો. આ બન્ને ફિલ્મોની વચ્ચેનાં ત્રણ વર્ષ રાજ કપૂર માટે અત્યંત મુશ્કેલ સાબિત થયાં હતાં, કારણ કે તેમને પોતાની આગામી ફિલ્મ બનાવવા માટે ભારે સંઘર્ષ કરવો પડ્યો હતો. આ સમય દરમ્યાન તેમના પિતા પૃથ્વીરાજ કપૂરને પણ કૅન્સર થયું હતું. હાલમાં કપૂર પરિવાર સાથે નજીકથી જોડાયેલાં લેખિકા બીના રામાણીએ એ સમયને યાદ કરીને રાજ કપૂરના સંઘર્ષ વિશે ચોંકાવનારી હકીકત જણાવી છે.
એક ઇન્ટરવ્યુમાં બીનાએ કહ્યું છે, ‘આ તબક્કા દરમ્યાન રાજ કપૂરની આર્થિક સ્થિતિ સારી નહોતી ત્યારે તેઓ બસમાં મુસાફરી કરતા અને સૅન ફ્રાન્સિસ્કોમાં આવેલા મારા ઘરે જમીન પર સૂતા હતા. એ દિવસોમાં મારા પતિ ઍન્ડી રામાણી ન્યુ યૉર્કમાં ઍર ઇન્ડિયામાં કામ કરતા હતા. મારાં બે નાનાં બાળકો હતાં. રાજ કપૂરની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ હતી. ‘મેરા નામ જોકર’ ભારે ફ્લૉપ થઈ હતી અને તેમના પિતા કૅન્સરને કારણે હૉસ્પિટલમાં દાખલ હતા. ઍન્ડીને ઑફિસ જવા માટે બસ લેવી પડતી હતી અને રાજ કપૂર પણ બસથી જ મુસાફરી કરતા હતા.’
ADVERTISEMENT
રાજ કપૂરની આસ્થા વિશે વાત કરતાં બીનાએ કહ્યું હતું કે ‘રાજ કપૂર હિન્દુ હતા, પરંતુ તમામ ધર્મોમાં વિશ્વાસ રાખતા હતા. તેઓ હિન્દુ હતા, પરંતુ ઇસ્લામમાં પણ વિશ્વાસ રાખતા હતા. તેમની પાસે સાંઈબાબાની તસવીર, ગણેશજીની નાની મૂર્તિ અને ફ્રેમમાં ઈસુ ખ્રિસ્તની તસવીર હતી. તેઓ થાકી ગયા હતા. તેમના પિતાની તબિયતમાં કોઈ સુધારો થતો નહોતો અને તેઓ ઘણી વખત તેમની તસવીર સામે જોરજોરથી બોલીને પોતાનો આક્રોશ વ્યક્ત કરતા હતા.’
શમ્મી કપૂરે કર્યો હતો પ્રેમનો એકરાર

બીના રામાણી ભારતનાં જાણીતાં ફૅશન-ડિઝાઇનર, ઉદ્યોગ-સાહસિક અને લેખિકા છે. હાલમાં એક ઇન્ટરવ્યુમાં બીના રામાણીએ શમ્મી કપૂર સાથેના તેમના સંબંધો વિશે વાત કરી હતી અને જણાવ્યું હતું કે તેમનો સંબંધ ખૂબ ઊંડો હતો, પરંતુ અધૂરો રહી ગયો. બીનાએ કહ્યું કે પરિવારના કડક નિયમો અને સમાજનાં બંધનોને કારણે તેમનો સંબંધ આગળ વધી શક્યો નહીં. શમ્મી કપૂર સાથેના સંબંધો વિશે વાત કરતાં બીનાએ કહ્યું છે, ‘અમારી પહેલી મુલાકાત કપૂર પરિવારના ચેમ્બુરસ્થિત ઘરે થઈ હતી. એ સમયે શમ્મીજીએ મારી આંખોમાં જોઈને કંઈક કહેવાનો પ્રયાસ કર્યો, પરંતુ મેં નજર ઝુકાવી લીધી. આ પછી અમારી મુલાકાત જુહુના પૃથ્વી થિયેટરમાં થઈ. અહીં શમ્મી કપૂર તેમના મિત્રો સાથે આવ્યા હતા અને હું મારી બહેન સાથે હતી. તેમણે ઘણી ભાષાઓમાં મારી સામે તેમના પ્રેમનો એકરાર કર્યો, પરંતુ હું કંઈ કહી શકી નહીં. આ એક અલગ જ પ્રકારનો પ્રેમ હતો.’


