પ્રીતિ ઝિન્ટાએ સોશ્યલ મીડિયા પરની નેગેટિવિટી વિશે આક્રોશ વ્યક્ત કર્યો, વિદેશી સાથે લગ્ન કરવા બાબતે થતી ટીકાઓનો પણ જવાબ આપ્યો
પ્રીતિ ઝિન્ટા
પ્રીતિ ઝિન્ટાએ વિદેશી જીન ગુડઇનફ સાથે લગ્ન કર્યાં છે એના વિશે સવાલ ઉઠાવનાર ટીકાકારોને શાહરુખ ખાન સાથેની પોતાની ફિલ્મ ‘વીર ઝારા’નો આઇકૉનિક ડાયલૉગ ટાંકીને જવાબ આપ્યો છે. જીન ગુડઇનફ સાથે લગ્ન કરવાના તેના નિર્ણય પર સવાલ ઉઠાવનાર ટ્રોલર્સને સંબોધતાં પ્રીતિ ઝિન્ટાએ ‘વીર ઝારા’નો ડાયલૉગ શૅર કર્યો હતો, ‘કભી ભી એક દોસ્ત કી ઝરૂરત પડે તો યાદ રખિએગા કિ સરહદ પાર એક ઐસા શખ્સ હૈ જો આપકે લિએ અપની જાન ભી દે દેગા.’
સોશ્યલ મીડિયામાં વધતી જતી નકારાત્મકતા અને ઑનલાઇન ટૉક્સિસિટી વિશે પ્રીતિએ હતાશા વ્યક્ત કરતાં કહ્યું હતું કે લોકો સોશ્યલ મીડિયા પ્રવૃત્તિના આધારે સેલિબ્રિટીઓનું મૂલ્યાંકન કેવી ઝડપથી કરે છે. આ મુદ્દે તેણે લખ્યું હતું કે ‘સોશ્યલ મીડિયા પર લોકોને શું થયું છે? દરેક વ્યક્તિ નિંદા કરતી થઈ ગઈ છે. જો તમે તમારા વડા પ્રધાનની પ્રશંસા કરો છો તો તમે ભક્ત છો અને ભગવાન ન કરે જો તમે ગર્વિત હિન્દુ કે ભારતીય છો તો તમે અંધ ભક્ત છો. આપણે જરા શાંત થઈએ. એકબીજા સાથે વાતચીતમાં ખુશ રહેવાની જરૂર છે. હવે મને પૂછશો નહીં કે મેં જીન સાથે કેમ લગ્ન કર્યાં? મેં તેની સાથે એટલા માટે લગ્ન કર્યાં કારણ કે હું તેને પ્રેમ કરું છું. ક્યોંકિ સરહદ પાર એક ઐસા શખ્સ હૈ જો મેરે લિએ અપની જાન ભી દે સકતા હૈ, સમઝે?’

