ફારાહ ખાન કહે છે કે હું એક કડક મમ્મી છું
ફરાહ ખાન અને તેનાં સંતાનો
ફિલ્મમેકર ફરાહ ખાન ‘ઓમ શાંતિ ઓમ’ અને ‘મૈં હૂં ના’ જેવી સુપરહિટ ફિલ્મો બનાવી ચૂકી છે. તે હાલમાં ટીવી-શોમાં જોવા મળે છે. ‘સેલિબ્રિટી માસ્ટરશેફ્સ’માં તેની હાજરી છે અને તે યુટ્યુબ પર વ્લૉગ પણ પોસ્ટ કરે છે. ફારાહે ફિલ્મમેકર શિરીષ કુન્દર સાથે પ્રેમલગ્ન કર્યાં હતાં અને ૨૦૦૮માં ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન (IVF)ની મદદથી ટ્રિપ્લેટ્સને જન્મ આપ્યો હતો.
ફારાહ ખાન ૧૭ વર્ષનાં ત્રણ બાળકો (બે દીકરી દીવા અને અન્યા તથા એક દીકરા ઝાર)ની મમ્મી છે. ફારાહે તેના લેટેસ્ટ વ્લૉગમાં રુબીના દિલૈક સાથે વાતચીત કરી હતી અને કહ્યું હતું કે ‘મારાં બાળકો ૨૦૨૬માં કૉલેજ જશે. મારાં બાળકો ટીનેજર હોવા છતાં તેમના મિત્રો સાથે મોજ-મસ્તી કરવા કે પાર્ટીઓમાં જવા કરતાં પોતાના મમ્મી-પપ્પા સાથે સમય વિતાવવાનું પસંદ કરે છે.’
ફારાહે આ વ્લૉગમાં ખુલાસો કર્યો હતો કે ‘મારાં બાળકો ઍડલ્ટ થવાની તૈયારીમાં છે પરંતુ તેઓ ક્યારેય કોઈ ક્લબમાં ગયાં નથી કે મારી દીકરીઓએ અત્યાર સુધી મેકઅપ નથી કર્યો કે આઇબ્રો પણ સેટ નથી કરાવી. હું એક કડક મમ્મી છું. તેઓ મારી મંજૂરી વિના ક્યાંય જઈ શકતાં નથી. દરેક સાંજે અમે ગૉસિપ કરીએ છીએ જેનાથી મને ખબર પડે કે તેમના જીવનમાં શું ચાલી રહ્યું છે. હું એક કૂલ અને મજા કરાવતી મમ્મી પણ છું.’

