ઘણી સારવાર કરવા છતાં પણ તેમને રાહત ન થઈ
તબિયત ખરાબ થયા પછી રિકવર થઈ રહ્યાં છે મુમતાઝ
વીતેલા જમાનાની ઍક્ટ્રેસ મુમતાઝની તબિયત અચાનક ખરાબ થતાં તેમને મુંબઈની બ્રીચ કૅન્ડી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. તેમને હવે હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળતાં તેઓ રિકવર કરી રહ્યાં છે. ટૂંક સમયમાં તેઓ લંડન તેમના હસબન્ડ પાસે જવાનાં છે. તેમને પચીસ વર્ષ અગાઉ કૅન્સર થયું હતું. તેમને આંતરડાને સંબંધિત ઇરિટેબલ બોવેલ સિન્ડ્રૉમ અને કોલાઇટિસની બીમારી છે. આ બીમારીમાં પેટમાં દુખાવો, કબજિયાત અને હાથ-પગમાં સોજો આવી જાય છે. તાજેતરમાં જ તેમને ડાયરિયા થયા હતા. ઘણી સારવાર કરવા છતાં પણ તેમને રાહત ન થઈ. એથી તેમને હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવા પડ્યાં હતાં. સારવાર વિશે મુમતાઝે કહ્યું કે ‘હું ઇરિટેબલ બોવેલ સિન્ડ્રૉમ અને કોલાઇટિસની બીમારીથી પીડાઉં છું. અચાનક મને ડાયરિયા શરૂ થઈ ગયા હતા, જે ઘણી દવાઓ છતાં પણ બંધ ન થયા. એથી મારે હૉસ્પિટલમાં ઍડ્મિટ થવું પડ્યું હતું. હૉસ્પિટલમાં પણ સ્વસ્થ થવા માટે મને સાત દિવસ લાગી ગયા હતા. મારી સ્કિન ઈરાની હોવાથી એ નાજુક છે અને એને કારણે મને ઘણી તકલીફ ઉઠાવવી પડી હતી. હું હૉસ્પિટલમાં એક અઠવાડિયા સુધી ડ્રિપ પર રહી હતી. ઇન્જેક્શન પણ ડાબા હાથમાં નહીં, પરંતુ માત્ર મારા જમણા હાથમાં જ લગાવવામાં આવતાં હતાં કેમ કે પચીસ વર્ષ પહેલાં મને બ્રેસ્ટ કૅન્સર થયું હતું. એ વખતે મારા લિમ્ફ નોડ્સને હટાવવામાં આવ્યા હતા.’


