સ્વાતંત્ર્ય વીર સાવરકરના જીવનને દેખાડતી ‘સાવરકર’માં રણદીપ હૂડાની વધતી દરમ્યાનગીરીને કારણે મહેશ માંજરેકરે આ ફિલ્મ છોડવી પડી હતી. એથી રણદીપે આ ફિલ્મ ડિરેક્ટ કરવી પડી હતી.
મહેશ માંજરેકર
સ્વાતંત્ર્ય વીર સાવરકરના જીવનને દેખાડતી ‘સાવરકર’માં રણદીપ હૂડાની વધતી દરમ્યાનગીરીને કારણે મહેશ માંજરેકરે આ ફિલ્મ છોડવી પડી હતી. એથી રણદીપે આ ફિલ્મ ડિરેક્ટ કરવી પડી હતી. સાથે જ તેણે અન્ય પ્રોડ્યુસર્સ સાથે મળીને ફિલ્મ પ્રોડ્યુસ પણ કરી છે. રણદીપ ફિલ્મમાં ઘણા ચેન્જિસ કરાવતો હતો. એથી કંટાળીને મહેશ માંજરેકરે ફિલ્મ છોડી દીધી હતી. એ આખાય પ્રકરણ પર મહેશ માંજરેકરે કહ્યું કે ‘હું જ્યારે રણદીપને મળ્યો ત્યારે તે મને ખૂબ પ્રામાણિક લાગ્યો હતો અને ફિલ્મમાં તે ઊંડો ઊતરી ગયો હતો. અમારી વચ્ચે થોડી મુલાકાતો થઈ. સ્વાતંય સેનાની વિશે તેણે કેટલીક બુક પણ વાંચી હતી. મને એ વસ્તુ ખૂબ ગમી હતી. ફિલ્મનો પહેલો ડ્રાફ્ટ તેની સામે વાંચવામાં આવ્યો. એમાં તેને થોડા વાંધા દેખાયા. જોકે એ ઠીક હતા. સેકન્ડ ડ્રાફ્ટ દરમ્યાન તેને ખૂબ વાંધો થયો. મેં તેને કહ્યું કે જો આવી રીતે જ ચાલ્યા કરશે તો ફિલ્મમાં સમસ્યા ઊભી થશે. તેણે મને ખાતરી આપી કે એક વખત ફિલ્મની સ્ક્રિપ્ટ લૉક થઈ જશે તો તે કોઈ સવાલ નહીં કરે.’
આમ છતાં રણદીપ સતત બદલાવ લાવવા માગતો હતો. તે આ ફિલ્મમાં હિટલર, ઇંગ્લૅન્ડના રાજા અને ઇંગ્લૅન્ડના વડા પ્રધાનને પણ સામેલ કરવા માગતો હતો. એ વિશે મહેશ માંજરેકરે કહ્યું કે ‘રણદીપે બાદમાં એવું કહેવાનું શરૂ કર્યું કે હું અલગ રીતે શૂટિંગ કરીશ અને બાદમાં એમાં ડિઝોલ્વ ટ્રાન્ઝિશન નાખીશ. મને વિચાર આવ્યો કે હવે તે મને શીખવશે કે ફિલ્મો કેવી રીતે બનાવવી. મેં સ્પષ્ટ કહી દીધું કે હું મારી રીત પ્રમાણે ડિરેક્ટ કરીશ. મને એ પણ એહસાસ થયો કે તે મને કામ નહોતો કરવા દેતો. એથી હું પ્રોડ્યુસર્સને મળ્યો. તેઓ ખૂબ સારા હતા. મેં તેમને કહ્યું કે જો અમે બન્ને આ ફિલ્મમાં રહીશું તો ફિલ્મ બની નહીં શકે. એથી ફિલ્મમાં કાં તો હું રહીશ કાં તો તે રહેશે. હવે તો તેમને પણ ભાન થયું છે કે તેને ફિલ્મમાં રાખીને તેમણે ભૂલ કરી છે.’


