આ મુદ્દાને અહીં પૂરો કરવા માગું છું
કરણ જોહર, મધુર ભંડારકર
‘બૉલીવુડ વાઇવ્ઝ’ના ટાઇટલને લઈને ચાલી રહેલા ઘમસાણ બાદ કરણ જોહરે એક નોટ લખીને મધુર ભંડારકર પાસે માફી માગી છે. બીજી તરફ મધુર ભંડારકરે જણાવ્યું કે આ વાતને અહીં જ તેઓ પૂર્ણવિરામ આપવા માગે છે. થોડા દિવસો પહેલાં બન્ને વચ્ચે ટાઇટલને લઈને ખૂબ ઘમસાણ થયું હતું. જોકે ટ્વિટર પર એક નોટ દ્વારા કરણ જોહરે ટ્વીટ કર્યું હતું કે ‘આપણા સંબંધો ઘણા જૂના છે. આપણે ઘણાં વર્ષોથી ઇન્ડસ્ટ્રીમાં એકબીજાની નજીક છીએ. આટલાં વર્ષોથી હું તમારા કામનો પ્રશંસક રહ્યો છું અને હંમેશાં તમને શુભેચ્છા આપું છું. મને જાણ છે કે તમે મારાથી નારાજ છો. છેલ્લાં થોડાં અઠવાડિયાં તમારે જે ભોગવવાનું આવ્યું એના માટે હું દિલથી માફી માગું છું. આમ છતાં હું તમને અહીં જણાવવા માગુ છું કે અમે નવું અને અલગ ટાઇટલ પસંદ કર્યું છે. રિયલિટી પર આધારિત ફ્રૅન્ચાઇઝીના નૉન-ફિક્શન ફૉર્મેટને જોતાં અમે ‘ધ ફૅબ્યુલસ લાઇવ્ઝ ઑફ બૉલીવુડ વાઇવ્ઝ’ નામ રાખ્યું છે. અમારું આ ટાઇટલ અલગ હોવાથી આશા રાખું છું કે તમે નિરાશ નહીં થાઓ. એના માટે હું માફી પણ માગું છું. હું એક વાત એ પણ જણાવવા માગું છું કે અમે અમારી સિરીઝને સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર હૅશટૅગ ‘ફૅબ્યુલસ લાઇવ્ઝ’થી પ્રમોટ કરવાના છીએ. આના દ્વારા અમે ફ્રૅન્ચાઇઝીને આગળ લઈ જવાના છીએ. તમને ખાતરી આપીએ છીએ કે ફૉર્મેટ, નેચર, દર્શકો અને સિરીઝનું ટાઇટલ અલગ છે, જે કોઈ પણ પ્રકારે તમારા કામને હાનિ નહીં પહોંચાડે. આશા રાખું છું કે આપણે આ વિવાદમાંથી બહાર નીકળીને આગળ જઈએ. સાથે જ આપણા દર્શકો માટે સારી કન્ટેન્ટ બનાવતા જઈએ. તમારા કામ માટે તમને શુભેચ્છા આપું છું. તમારા કામને જોવા માટે પણ હું આતુર છું.’
કરણના આ માફીનામાને ટ્વિટર પર શૅર કરીને મધુરે ટ્વીટ કર્યું હતું કે ‘ડિયર કરણ, તમારા રિસ્પૉન્સ બદલ આભાર. ઇન્ડસ્ટ્રીમાં એકબીજા સાથે જોડાઈને રહેવુ અગત્યનું છે, જે સંબંધ પરસ્પર વિશ્વાસ અને સન્માનથી બંધાયેલો હોય છે. આપણે જ બનાવેલા નિયમોને આપણે બેફામ બનીને તોડીએ છીએ. એને કારણે આપણી જાતને ફ્રૅટર્નિટી કહેવું થોડું અજીબ લાગશે. ભૂતકાળમાં 2013માં મેં જ્યારે તમને તમારી વિનંતી બાદ ‘ગુટકા’ ટાઇટલ આપ્યું તો મને જરા પણ ખચકાટ નહોતો થયો. એથી એ જ પ્રકારની નમ્રતાની હું તમારી પાસે પણ આશા રાખું છું જ્યારે મેં આ ટાઇટલ આપવાની ના પાડી હતી. આમ છતાં આપણી વચ્ચે ચર્ચા થયા બાદ પણ તમે એ જ ટાઇટલ સાથે આગળ વધ્યા. ટ્રેડ અસોસિએશન્સે પણ એને રિજેક્ટ કર્યું હતું. એ જ બાબતે મને અંદરથી નારાજ કર્યો હતો. આ રીતે સંબંધો નથી ટકતા. ચાલો આપણે એનાથી આગળ વધીએ. હું તમારી માફીનો સ્વીકાર કરું છું. સાથે જ આ મુદ્દાને અહીં જ ખતમ કરવા માગું છું. તમારા ભવિષ્ય માટે પણ શુભકામના આપું છું.’

