જોકે જુનૈદ ખાન ઘણી વખત પબ્લિક ટ્રાન્સપોર્ટમાં પ્રવાસ કરે છે
ખુશી કપૂર
આમિર ખાનના દીકરા જુનૈદ ખાન અને શ્રીદેવીની દીકરી ખુશી કપૂરની રોમૅન્ટિક ફિલ્મ ‘લવયાપા’ રિલીઝ થઈ છે. આ બન્ને કલાકારો દિલ દઈને ફિલ્મનું પ્રમોશન કરી રહ્યાં છે. આ પ્રમોશન વખતે એક ઇન્ટરવ્યુમાં તેમણે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ફરવાના પોતાના રસપ્રદ અનુભવ શૅર કર્યા હતા.
જુનૈદ ઘણી વખત મુંબઈના રસ્તા પર ઑટોરિક્ષામાં ફરતો જોવા મળે છે. ઑટોરિક્ષામાં ફરવાના પોતાના અનુભવ વિશે વાત કરતાં જુનૈદે જણાવ્યું હતું કે ‘મને ક્યારેય રિક્ષામાં ફરવામાં તકલીફ નથી પડી, કારણ કે મને ખાસ કોઈ ઓળખતું નથી. હું લગભગ દરરોજ રિક્ષામાં ટ્રાવેલ કરું છું અને મને ક્યારેય સમસ્યા નથી થઈ. હા, એક વખત રિક્ષા-ડ્રાઇવર મને ઓળખી ગયો હતો. હું અંધેરીથી બાંદરા જવા માટે રિક્ષામાં બેઠો અને એ વખતે પપ્પા પણ ટ્રાવેલ કરી રહ્યા હતા. મને લાગે છે કે તેઓ યશરાજ ફિલ્મ્સની ઑફિસ જતા હશે. તેઓ પોતાની કારમાં હતા. મને સિગ્નલ પર જોઈને તેમણે મને બૂમ પાડી. એ જોઈને રિક્ષા-ડ્રાઇવરને બહુ નવાઈ લાગી હતી. તેણે મને પૂછ્યું કે શું તમે આમિર ખાનને ઓળખો છો? મેં તેને કહી દીધું કે અમે એક જ એરિયામાં રહીએ છીએ અને તેમની મમ્મી અને મારી દાદી બન્ને બનારસનાં છે.’
ADVERTISEMENT
આ ઇન્ટરવ્યુમાં ખુશીએ પોતાનો રિક્ષામાં ફરવાનો અનુભવ જણાવતાં કહ્યું કે ‘હું એક વખત રિક્ષામાં ફરી છું, પણ ઘરના પરિસરમાં જ. મારા ઘરના લોકોએ ક્યારેય મને રિક્ષામાં ફરવાની પરવાનગી નથી આપી. જોકે હું જ્યારે મઢ આઇલૅન્ડમાં શૂટિંગ કરતી હતી ત્યારે ક્યારેક-ક્યારેક રિક્ષામાં ટ્રાવેલ કરી લેતી હતી.’

