મુરલીકાંત પેટકરને અર્જુન અવૉર્ડ મળ્યો એ નિમિત્તે કાર્તિક આર્યને કહ્યું...
રાષ્ટ્રપતિભવનમાં પ્રેસિડન્ટ દૌપદી મુર્મુ અને મુરલીકાંત પેટકર સાથે કાર્તિક આર્યન
ભારતના પહેલા પૅરાલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ મુરલીકાંત પેટકરને હાલમાં રાષ્ટ્રપતિભવનમાં અર્જુન લાઇફટાઇમ અચીવમેન્ટ અવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ૮૦ વર્ષના આ ભૂતપૂર્વ સૈનિક અને સ્વિમરને વર્ષો બાદ તેમની સિદ્ધિ માટે રમતગમતનો આ પ્રતિસ્થિત અવૉર્ડ મળ્યો એમાં ૨૦૨૪માં આવેલી ફિલ્મ ‘ચંદુ ચૅમ્પિયન’નું મહત્ત્વનું યોગદાન હતું.
સાજિદ નડિયાદવાલા દ્વારા નિર્મિત અને કબીર ખાન દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં ઍક્ટર કાર્તિક આર્યને મુરલીકાંત પેટકરની શાનદાર ભૂમિકા ભજવીને આખા દેશ સુધી આ રિયલ લાઇફ હીરોની વાત પહોંચાડી હતી. મુરલીકાંત પેટકરને આ અવૉર્ડ મળ્યો ત્યારે કાર્તિક આર્યન પણ રાષ્ટ્રપતિભવનમાં હાજર હતો.
ADVERTISEMENT
કાર્તિકે સોશ્યલ મીડિયા પર ફિલ્મનો એક ભાગ અને રાષ્ટ્રપતિભવનની અંદરના ફોટો શૅર કરીને લખ્યું કે ‘મોટા પડદા પર તમારું પ્રેરણાદાયી જીવન જીવવાથી લઈને આજે રાષ્ટ્રપતિભવનમાં તમને અર્જુન લાઇફટાઇમ અચીવમેન્ટ અવૉર્ડ મેળવતો જોવા સુધી... ખરેખર એક સ્વપ્ન સાકાર થયું. દરેક ક્ષણ ખાસ અને યાદગાર લાગી. હવે લાગે છે કે આપણી ફિલ્મ ‘ચંદુ ચૅમ્પિયન’નો પર્ફેક્ટ ક્લાઇમૅક્સ મળી ગયો છે (જેની શરૂઆત અર્જુન પુરસ્કાર માટેની તમારી લડાઈથી થઈ હતી), પરંતુ તમે એક અનસ્ટૉપેબલ ચૅમ્પિયન છો, આ ક્લાઇમૅક્સ ન હોઈ શકે... પ્રેરણા આપતા રહો સર. ઇતિહાસનો ભાગ બનવાનો મને ખૂબ ગર્વ છે.’