માસ્ટરની હિન્દી રીમેકમાં દેખાશે હૃતિક?
હૃતિક રોશન
હૃતિક રોશન ‘માસ્ટર’ની હિન્દી રીમેકમાં દેખાય એવી શક્યતા છે. વિજય સેતુપતિ અને વિજય થલપતિની આ ફિલ્મ ખૂબ ધમાલ મચાવી રહી છે. એને હિન્દીમાં બનાવવા માટે રાઇટ્સ પણ ખરીદવામાં આવ્યા છે. આ હિન્દી રીમેકને એન્ડેમોલ શાઇન અને સિને 1 સ્ટુડિયોઝ પ્રોડ્યુસ કરશે. જોકે હજી સુધી મેકર્સ તરફથી કોઈ નક્કર જાહેરાત નથી કરવામાં આવી. બધું ફાઇનલ કર્યા બાદ ફિલ્મના લીડ ઍક્ટર્સ વિશેની માહિતી આપવામાં આવશે.
લૉકડાઉન હટાવ્યા બાદ થિયેટર્સમાં રિલીઝ થયેલી તામિલ ફિલ્મ ‘માસ્ટર’ને ધમાકેદાર ઓપનિંગ મળી રહ્યું છે જે જલદી જ 100 કરોડની ક્લબમાં સામેલ થઈ જાય તો નવાઈ નહીં. આ ફિલ્મની ખાસ વાત તો એ પણ એ છે કે એણે માત્ર તામિલનાડુમાં જ ૩ દિવસમાં ૫૦ કરોડનો બિઝનેસ કર્યો છે જે આ ફિલ્મ માટે ખૂબ મોટી સિદ્ધિ ગણાય છે. ફિલ્મમાં વિજય થલપથી અને વિજય સેતુપતિ લીડ રોલમાં જોવા મળી રહ્યા છે. ફિલ્મની સફળતાને જોતાં જ એની હિન્દી રીમેક બનાવવા માટે રાઇટ્સ પણ ખરીદી લેવામાં આવ્યા છે. આ ફિલ્મને લઈને લોકોમાં ભારે ક્રેઝ જોવા મળ્યો હતો. ફિલ્મના ઍડ્વાન્સ બુકિંગ માટે લોકો તલપાપડ થતા હતા. બુધવારે રિલીઝ થયેલી આ ફિલ્મે પહેલા દિવસે ૩૫ કરોડ રૂપિયાનું કલેક્શન મેળવ્યું હતું. બીજા દિવસે ગુરુવારે આ ફિલ્મે ૧૯ કરોડનો બિઝનેસ કર્યો હતો તો ત્રીજા દિવસે શુક્રવારે ૧૫ કરોડ કલેક્ટ કર્યા હતા. આવી રીતે માત્ર ત્રણ દિવસમાં જ ફિલ્મે ૬૯ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. જોકે આ ફિલ્મના હિન્દી વર્ઝનને નબળો પ્રતિસાદ મળ્યો છે.

