Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ધુરંધરના રહમાન ડકૈતનો દીકરો રાજકોટના ગુજરાતી બિઝનેસમૅનનો દીકરો છે

ધુરંધરના રહમાન ડકૈતનો દીકરો રાજકોટના ગુજરાતી બિઝનેસમૅનનો દીકરો છે

Published : 28 March, 2026 10:10 PM | IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

ફિલ્મોમાં કામ કરવાનાં સપનાં આંખોમાં સજાવીને, ઍક્ટિંગનો કોર્સ ભણીને હિતુલ પુજારાએ સ્ટ્રગલ શરૂ કરી. ઍક્ટિંગની શરૂઆત તેણે ગુજરાતી સિનેમાથી કરી. ટીવી કરતાં-કરતાં પુષ્પા ઇમ્પૉસિબલ અને યે રિશ્તા ક્યા કહલાતા હૈ જેવી જાણીતી સિરિયલોમાં કામ પણ કર્યું.

ધુરંધરના રહમાન ડકૈતનો દીકરો રાજકોટના ગુજરાતી બિઝનેસમૅનનો દીકરો છે

ધુરંધરના રહમાન ડકૈતનો દીકરો રાજકોટના ગુજરાતી બિઝનેસમૅનનો દીકરો છે


ફિલ્મોમાં કામ કરવાનાં સપનાં આંખોમાં સજાવીને, ઍક્ટિંગનો કોર્સ ભણીને હિતુલ પુજારાએ સ્ટ્રગલ શરૂ કરી. ઍક્ટિંગની શરૂઆત તેણે ગુજરાતી સિનેમાથી કરી. ટીવી કરતાં-કરતાં 
પુષ્પા ઇમ્પૉસિબલ અને યે રિશ્તા ક્યા કહલાતા હૈ જેવી જાણીતી સિરિયલોમાં કામ પણ કર્યું. ધુરંધરમાં તેના મૃત્યુનો સીન છે એનું ૧૨-૧૨ વાર ઑડિશન આપ્યા બાદ તેને આ ફિલ્મ મળી. જાણીએ પોતાની પહેલી જ ફિલ્મથી જાણીતા બનેલા આ કલાકાર વિશે કેટલીક રસપ્રદ વાતો

રાજકોટમાં જન્મેલા એક બિઝનેસમૅન પરિવારનો દીકરો જ્યારે સપનું જુએ છે કે મારે ઍક્ટર બનવું છે ત્યારે એ સપનું આ રીતે સાકાર થઈ શકે એ વાત પણ એક સપના જેવી જ છે. ૨૫ વર્ષના હિતુલ પુજારાને છેલ્લા ત્રણ મહિનાથી લોકો રહેમાન ડકૈતના દીકરા તરીકે ઓળખી રહ્યા છે. ‘ધુરંધર’માં અક્ષય ખન્નાના મોટા દીકરા નઈમ બલોચના મૃત્યુનો સીન છે. એક લગ્નની અંદર જ્યારે તે દુલ્હાને મળવા માટે એન્ટ્રી કરે છે ત્યારે બૅકગ્રાઉન્ડમાં અતિ ફેમસ સૉન્ગ રમ્બા હો વાગતું હોય છે. ત્યાં મારામારી થાય છે અને એ દીકરાને ગોળી વાગે છે અને તે મરી જાય છે. આ રોલ કરનાર છે હિતુલ પુજારા. એક મહાકાય ફિલ્મમાં પોતાના નાનકડા રોલ સાથે તેણે પોતાની એક સુંદર છાપ છોડી છે. આ ફિલ્મ તેની પ્રથમ હિન્દી ફિલ્મ છે. 
આ ફિલ્મ તેને મળી કઈ રીતે એ વાત ઘણી રસપ્રદ છે. ૨૦૨૪ના સપ્ટેમ્બર-ઑક્ટોબર મહિના આસપાસની વાત છે. એ સમયે હિતુલ ‘પુષ્પા ઇમ્પૉસિબલ’ નામની સિરિયલ કરી રહ્યો હતો જેમાં બાદશાહ નામનું એક પાત્ર તે ભજવી રહ્યો હતો. બૉલીવુડના પ્રખ્યાત કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબરાની કાસ્ટિંગ એજન્સીમાંથી પહેલાં પણ હિતુલને ૧-૨ વાર બોલાવવામાં આવ્યો હતો. એક ફિલ્મ મળવાની પણ હતી, પણ એનું કામ અટકી પડ્યું હતું. ફરી એક ઑડિશન આવ્યું એટલે હિતુલને બોલાવવામાં આવ્યો જેમાં તેને સમજાવવામાં આવ્યું કે તારી સાથે તારો નાનો ભાઈ છે અને અચાનક ગૅન્ગસ્ટર્સની ફાઇટ શરૂ થાય છે, બે વ્યક્તિઓ તને મારવા આવી રહી છે, તને ગોળી વાગે છે અને તું મરી જાય છે, એટલે ઑડિશનમાં તારે તારા મૃત્યુનો સીન ભજવવાનો છે. હિતુલે ઑડિશન આપ્યું. દેખાવમાં તે ઘણો અક્ષય ખન્ના સાથે મળતો ચહેરો ધરાવતો હતો એટલે તેને ફરીથી બોલાવ્યો. ફરી ઑડિશન આપ્યું. ફરી પાછો બોલાવ્યો. તેમણે કહ્યું, હજી એક ઑડિશન કરીએ. આમ ને આમ ૧૨ વખત તેમણે હિતુલનું ઑડિશન લીધું. એ વિશે વાત કરતાં તે કહે છે, ‘મારે ખુદના મોતનો સીન ભજવવાનો હતો જે સરળ તો નહોતો. એના માટે કલાકોની તૈયારી જોઈએ. માનસિક અને શારીરિક રીતે ઘણુંબધું ફીલ કરવું પડે. એ ભજવીને આવું પછી નથી ના પાડતા કે નથી હા પાડતા, ફરીથી ઑડિશનમાં બોલાવી લે છે. છેલ્લે ૧૩મી વાત ફરીથી ફોન આવ્યો. મુકેશ સરની સાથે કામ કરતા તેમના અસિસ્ટન્ટ પંકજે મને કહ્યું કે હિતુલ, ફરી એક ઑડિશન કરી લઈએ. એ સાંભળીને મારી હાલત ખરાબ થઈ ગયેલી. મને સમજાતું નહોતું કે મારી ક્યાં ભૂલ થઈ રહી છે, તેમને શું જોઈએ છે જે હું મિસ કરી રહ્યો છું. મેં તેમને કહ્યું કે મને કંઈક તો કહો કે હું ક્યાં ખોટો છું? તેઓ હસ્યા અને તેમણે કહ્યું કે તું સિલેક્ટ થઈ ગયો છે ભાઈ, ફિલ્મ મળી ગઈ. આ શબ્દો સાંભળીને ખુશ થવાને બદલે મને હાશકારો થયો હતો, કારણ કે ૧૨ વાર મહેનત કરીને મર્યા પછી પણ જો મને ફિલ્મ ન મળી હોત તો એ નિરાશા મને મારી ચૂકી હોત. પણ ફાઇનલી મહેનત લેખે લાગી. હું ‘ધુરંધર’ જેવી મોટી ફિલ્મનો એક નાનકડો ભાગ છું એ માટે હું ઘણો કૃતજ્ઞ છું.’ 
કરીઅર 
હિતુલે ત્રણ દિવસ આ ફિલ્મનું શૂટિંગ કરેલું. એ સમયે તે ‘પુષ્પા ઇમ્પૉસિબલ’ સિરિયલ કરતો હતો. એ જ સમયે તેની ગુજરાતી ફિલ્મ ‘મોજે દરિયા’નું શૂટિંગ ચાલી રહ્યું હતું અને એ જ સમયે તેને ‘ધુરંધર’ મળી. ઘણી વખત સાવ કામ ન હોય અને ઘણી વખત કામ આવે તો છપ્પરફાડ કામ મળે એવી હાલત હિતુલની હતી. ‘ધુરંધર’ના આ ત્રણ દિવસ દરમિયાન ‘પુષ્પા ઇમ્પૉસિબલ’માં લગ્નની સીક્વન્સ શૂટ થઈ રહી હતી એટલે તે ત્યાં રજા લઈ શકે એમ નહોતો. એટલે સવારે ૬થી સાંજે ૬ ‘પુષ્પા ઇમ્પૉસિબલ’ અને સાંજે ૬થી સવારે ૬ ‘ધુરંધર’નું શૂટિંગ તેણે કર્યું. આ ત્રણ દિવસ અને ત્રણ રાત ઊંઘ્યા વગર તેણે સતત કામ કર્યું. એ પહેલાં ‘યે હૈ ચાહતેં’, ‘બાલવીર’ જેવી સિરિયલોમાં તેણે કામ કર્યું છે. હાલમાં તે ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ સિરિયલમાં આર્યન પોદ્દારનું પાત્ર ભજવી રહ્યો છે. ટીવી અને ડિજિટલ ઍડ્સમાં પણ મૉડલ તરીકે તેણે અમુક સારા પ્રોજેક્ટ્સ કર્યા છે. 
બાળપણ 
હિતુલના ઘરમાં દૂર-દૂર સુધી કોઈ કલાકાર નથી. બધા જ બિઝનેસ કરનારા લોકો છે. તેના ભણતર માટે તેના પેરન્ટ્સ રાજકોટથી ગાંધીનગર શિફ્ટ થયા હતા. સ્કૂલમાં તે નાટકો, ડાન્સ જેવી દરેક ઇતર પ્રવૃત્તિમાં ભાગ લેતો જ. દેખાતો હતો સરસ એટલે સ્કૂલમાં બધા તેને કૂલ ગણતા. નવમા-દસમા ધોરણમાં તે ભણતો હતો ત્યારે તેને અંદરથી ફિલ્મી દુનિયા પ્રત્યે આકર્ષણ જાગ્યું. વર્લ્ડ સિનેમા વધુ ને વધુ જોવા લાગ્યો ત્યારે તેને થયું કે આવું જ કંઈક મારે કરવું છે. એ વિશે વાત કરતાં હિતુલ કહે છે, ‘મને ભણવામાં ખાસ રસ નહોતો. દસમામાં સારા માર્ક્સ આવ્યા પરંતુ બારમું તો મેં ઓપન સ્કૂલમાંથી એક્ઝામ આપીને પાસ કર્યું. હું દસમામાં હતો ત્યારે ‘થઈ જશે’ ફિલ્મ બનાવનારા નીરવ બારોટની એક ગુજરાતી ફિલ્મ હતી જેનું નામ હતું ‘હવે થશે બાપ રે’. આ ફિલ્મમાં એક નાનું પાત્ર મને ભજવવા મળ્યું હતું. ત્યારે મારાં માતા-પિતાને એમ થયું હતું કે છોકરો શોખ પૂરા કરે છે. તેમને જરાય ખ્યાલ નહોતો કે મને ઍક્ટર બનવાના ઓરતા જાગ્યા છે. બારમા પછી મને ખ્યાલ હતો કે સુભાષ ઘઈની એક ઇન્સ્ટિટ્યૂટ છે વિસલિંગ વુડ્સ, ત્યાં BA વિથ ઍક્ટિંગ જેવો એક કોર્સ છે એમ વાત કરી ત્યારે પણ મારા પેરન્ટ્સને લાગતું નહોતું કે હું સિલેક્ટ થઈશ. પરંતુ મેં એન્ટ્રન્સ પાસ કરી એટલે તેઓ મૂંઝાયા. ત્યારે પણ ત્રણ વર્ષ ફક્ત કોર્સ કરીને પાછો આવી જજે એવી વાત કરીને નક્કી થયું કે મમ્મી મારી સાથે મુંબઈ આવશે, પપ્પા આવતા-જતા રહેતા કારણ કે રાજકોટમાં તેમનો ઇમિટેશન જ્વેલરીનો મોટો બિઝનેસ છે એ પણ જોવાનો હતો.’
અનુભવ 
વિસલિંગ વુડ્સમાં હિતુલે ઘણી મહેનત કરી અને મન લગાવીને ભણ્યો. એની સાથે-સાથે તેણે કાસ્ટિંગ ડિરેક્ટર્સને શોધવાનું શરૂ કર્યું. સિનિયર્સ પાસેથી ઑડિશન કઈ રીતે ક્રૅક કરી શકાય એ પણ શીખ્યું. દિવસના ચાર-ચાર કલાક તે ફક્ત બેસીને લોકોને પોતાના પ્રોફાઇલ મોકલતો હતો. આ જ રીતે તેને ઑડિશન મળતાં ગયાં. કોરોનામાં તેણે ધીરજ રાખી. સારામાં સારું કામ શોધવાની મહેનત તે કરતો ગયો. આ રીતે જ ‘ધુરંધર’ તેને મળી. એ જગ્યાએ શૂટિંગનો તેનો અનુભવ જણાવતાં હિતુલ કહે છે, ‘એક દિવસ શૂટિંગની તૈયારી થતી હતી એ દિવસે મને પહેલાં કહ્યું કે આવજે પણ પછી કહ્યું જરૂર નથી. તો પણ મેં પૂછ્યું કે હું આવું તો? તો તેમણે કહ્યું આવી જા. એ દિવસે હું ગયો તો નવો ઍક્ટર હોવા છતાં બધાએ મને આવકાર આપ્યો. આદિત્ય ધર સરને હું પહેલી વાર ત્યારે જ મળ્યો. એ દિવસે અક્ષય ખન્ના સર મને ખૂબ ધારી-ધારીને જોતા હતા. પહેલાં હું ગભરાઈ ગયો કે એકીટશે તે મને કેમ જોઈ રહ્યા છે, પણ પછી પાછળથી મને સમજાયું કે તે મને તેના દીકરા તરીકે સ્વીકારી રહ્યા હતા. તેમની ઍક્ટિંગ પ્રોસેસ એ સમયે ચાલી રહી હતી. રણવીર સિંહ જોડે તો ગજબ વાઇબ જામી હતી. હું નાનો હતો ત્યારે મિત્રો સામે તેમના સીનની નકલ કરતો. તેમણે મારા સીનનાં ઘણાં વખાણ કર્યાં ત્યારે હું ખૂબ ખુશ થયેલો. ત્રીજા દિવસે હું મારી વૅનિટીમાં ગયો. સીન થઈ ગયો હતો. હું આખો લોહીલુહાણ કૉસ્ચ્યુમમાં હતો. એ બદલાવીને હું ફ્રેશ થયો ત્યાં પ્રોડક્શનવાળાએ કહ્યું કે સર તમને ફરી બોલાવે છે. મને થયું કે જસ્ટ બધું પતાવી તો લીધું, તો પણ હું ત્યાં ગયો ત્યારે સરે મને તાળીઓથી વધાવ્યો અને કહ્યું કે ‘ઇટ્સ અ રૅપ ફૉર નઈમ.’ મારું પાત્ર નાનું હતું. ત્રણ જ દિવસનું કામ હતું પણ મને જે પ્રકારનો પ્રેમ અને આદર તેમણે આપ્યો છે એ મારા માટે મોટી વાત છે. આદિત્ય સર આટલા સારા ડિરેક્ટર એટલા માટે છે કેમ કે તે ખૂબ જ સારા માણસ છે.’
પરિવાર 
હિતુલ એક સમૃદ્ધ બિઝનેસ પરિવારનો છોકરો છે. તેના પરિવારમાં એમ જ હતું કે તે બિઝનેસ જૉઇન કરે, પરંતુ તેને ઍક્ટર બનવું હતું. એ વિશે વાત કરતાં હિતુલ કહે છે, ‘મારા મોટા પપ્પા જોડે મારી હમણાં જ વાત થઈ હતી. મેં તેમને ‘ધુરંધર’ વિશે કહ્યું તો તેમણે પૂછ્યું કે આમાં તને કેટલા પૈસા મળ્યા? મેં તેમને જણાવ્યું તો તેમણે મને કહ્યું બસ, આટલા જ? આટલા તો આપણે આપણે ત્યાં કામ કરે છે તેને આપી દઈએ છીએ. એટલે મેં કહ્યું હા, પણ હું ટીવી પણ કરું છું અને એમાં વધારે પૈસા મળે. મેં તેમને અમાઉન્ટ જણાવી તો તેમણે કહ્યું કે આ બરાબર છે; તું ટીવી કર, આ ફિલ્મોમાં કંઈ નથી રાખ્યું. હું હજી પણ હસી દઉં છું આ વાત પર. અહીં લોકો ફિલ્મો કરવા મરે છે અને મારા ઘરના લોકો કંઈ જુદું જ વિચારે છે. ઘરે જાઉં ત્યારે આવું જ બધું ચાલ્યા કરે છે. હું પચીસનો થયો એટલે હવે બધા લગ્ન કરાવવા માગે છે. અમદાવાદ મને પૂછ્યા વગર એક છોકરી જોવા ગયા જ્યાં ખબર પડી કે છોકરો ઍક્ટર છે તો તેમણે લગ્નની ના પાડી દીધી. એક ઍક્ટર પાસે આજે કામ છે, કાલે નથી એટલે આ પ્રકારનું જીવન બધાને માફક ન પણ આવે. મેં મમ્મી-પપ્પાને સમજાવ્યાં કે હજી થોડી શાંતિ રાખે. મને પણ લગ્ન કરવાં છે પણ મારા કામને સમજી શકે એવી વ્યક્તિ તો જોઈએ જ.’



જલદી ફાઇવ
  શોખ : મને ઘોડેસવારીનો ખૂબ શોખ છે. મારે ખુદનો ઘોડો પણ લેવો છે. 
 પ્રથમ પ્રેમ : સિનેમા 
 બકેટ લિસ્ટ : સારામાં સારું કામ કરવું, એના સિવાય લિસ્ટમાં બીજું કશું નથી. 
 અફસોસ : મને નાનકડો અફસોસ એ છે કે આ કામ મારે હજી વહેલા શરૂ કરવાનું હતું. જો આઠમા-નવમા ધોરણથી જ શરૂ કર્યું હોત તો સારું હોત. 
 ફેવરિટ ફૂડ : જે પ્રોફેશનમાં છું એમાં ખુદનું ધ્યાન રાખવું જરૂરી છે. થોડું બિલ્ડ-અપ કરવા માટે પ્રોટીન વધુ ખાવાની કોશિશ કરું તો એને લઈને મમ્મી સાથે દરરોજ લડાઈ ચાલે મારી. મારા માટે પ્રોટીનના નામે પનીર બનાવી-બનાવી તે કંટાળી છે. તે રોટલા, ભાખરી, કઢી, રીંગણા-બટાટા જેવું ગુજરાતી ફૂડ બનાવે એટલે અમારી રકઝક ચાલ્યા જ કરે. 


Whatsapp-channel Whatsapp-channel

28 March, 2026 10:10 PM IST | Mumbai | Jigisha Jain

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK