માધુરી સાથે વધુ ફિલ્મો કરવાની ઇચ્છા છે ગોવિંદાની
ગોવિંદા
માધુરી દીક્ષિત નેને સાથે વધુ ફિલ્મો કરવાની ગોવિંદાને ઇચ્છા છે. આ વાત તેણે ‘સા રે ગા મા પા લિટલ ચૅમ્પ્સ’માં કહી હતી. થોડા સમય પહેલાં જ આ શોમાં કક્કર ફૅમિલી અને મ્યુઝિક કમ્પોઝર સાજિદ ખાન આવીને ગયા હતા. હવે આ શોમાં ગોવિંદા પણ આવશે. આ શોમાં કન્ટેસ્ટન્ટ્સ ગોવિંદાનાં ફેમસ ગીતો પર પર્ફોર્મ કરતા જોવા મળશે. દરેક પર્ફોર્મન્સને તેણે ખૂબ એન્જૉય કર્યો હતો. આ શોમાં હોસ્ટ મનીષ પૉલે પૂછ્યું હતું કે રવીના ટંડન, જુહી ચાવલા, કરિશ્મા કપૂર અને માધુરીમાંથી કોણ ફેવરિટ છે? તો એનો જવાબ આપતાં ગોવિંદાએ કહ્યું હતું કે ‘મેં માધુરીજી સિવાય આ બધી હિરોઇન્સ સાથે છ કરતાં વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. ખરું કહું તો મેં રવીના સાથે આટલી ફિલ્મોમાં કામ કરવાનું ધાર્યું પણ નહોતું. જોકે અમે ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું અને ઍક્ટર્સ તરીકે એકબીજાને ઘણો સપોર્ટ પણ આપ્યો છે. મારી ઇચ્છા હતી કે મને માધુરીજી સાથે વધુ ફિલ્મોમાં કામ કરવાની તક મળી હોત. હું મારી જાતને ખૂબ લકી માનું છું, કારણ કે એ દરેક હિરોઇન સાથે મારી કેમિસ્ટ્રી ઘણી સારી રહી અને લોકોને અમારાં ગીતોની સાથે અમારી જોડી પણ ખૂબ પસંદ પડી હતી. મેં અનેક જનરેશનના પ્રોડ્યુસર્સ અને ડિરેક્ટર્સ સાથે કામ કર્યું છે, જેઓ મારી સાથે આગળ વધ્યા છે. તેમણે મારી લાઇફમાં ઘણો અગત્યનો ભાગ ભજવ્યો છે. મારી ફિલ્મોની અભિનેત્રીઓએ પણ મારી કરીઅરને બનાવવામાં ખાસ ભૂમિકા ભજવી છે. હું સેટ પર અનિયમિત હોવા છતાં પણ તેઓ મારી સાથે સારું વર્તન રાખતાં હતાં. મારી હિરોઇન્સ મારા માટે લકી રહી છે અને હું તેમનો ખૂબ આભાર માનું છું.’

