વૉટ્સઍપ અને ટેલિગ્રામ પર પાઇરસી આવવા માંડી છે, એથી ઝી એન્ટરટેઇનમેન્ટ એન્ટરપ્રાઇઝિસ લિમિટેડે એફઆઇઆર દાખલ કર્યો છે
‘રાધે : યોર મોસ્ટ વૉન્ટેડ ભાઈ’નો સીન
‘રાધે : યોર મોસ્ટ વૉન્ટેડ ભાઇ’ ઑનલાઇન રિલીઝ થતાંની સાથે જ વૉટ્સઍપ અને ટેલિગ્રામ પર પાઇરસી આવવા માંડી છે. એથી ઝી એન્ટરટેઇનમેન્ટ એન્ટરપ્રાઇઝિસ લિમિટેડે એફઆઇઆર દાખલ કર્યો છે. આ અગાઉ સલમાન ખાને પણ પાઇરસી જોનારાઓને ચેતવણી આપી હતી કે તેમના પર સાઇબર સેલની ચાંપતી નજર રહેવાની છે અને આવા લોકો માટે મુસીબત પણ ઊભી થઈ શકે એમ છે. ૧૩ મેએ ઈદ દરમ્યાન ‘રાધે : યોર મોસ્ટ વૉન્ટેડ ભાઈ’ને પે-પર-વ્યુના હિસાબે રિલીઝ કરવામાં આવી હતી. પાઇરસી સંદર્ભે ઝી એન્ટરટેઇનમેન્ટના અધિકારીએ કહ્યું હતું કે ‘પાઇરસીને જોતાં ઑફિશ્યલ્સ એમાં સંડોવાયેલા લોકોના ફોન-નંબર્સનો ટ્રૅક રાખી રહ્યા છે. સાથે જ કાયદાકીય પગલાં લેવામાં આવી રહ્યાં છે. ઝીએ લોકોને આવી પાઇરસીને અટકાવવા માટે સપોર્ટની માગણી કરી છે. એમાં ન માત્ર ‘રાધે : યોર મોસ્ટ વૉન્ટેડ ભાઈ’નો સમાવેશ છે પરંતુ દરેક પ્રકારના કન્ટેન્ટ માટે પણ માગણી કરીએ છીએ. ફિલ્મો દ્વારા લોકો આજીવિકા રળે છે, નોકરી મળે છે અને આ ઇન્ડસ્ટ્રી લાખો લોકો માટે રોજગારનો સ્રોત છે. મનોરંજન જગત માટે પાઇરસી એક મોટું જોખમ છે અને એ આજીવિકા પર અંકુશ લગાવે છે. સરકારને ટૅક્સ ચૂકવીને ફિલ્મો ઇકૉનૉમીમાં પણ યોગદાન આપે છે. એવામાં કેટલાક લોકો ફિલ્મનું પાઇરસી વર્ઝન ફેલાવી રહ્યા છે. પાઇરસીને પ્રોત્સાહન આપવાની સાથે તેઓ ઇન્ડસ્ટ્રીના વિકાસમાં બાધા નાખી રહ્યા છે. લોકો જીવનનિર્વાહ માટે દિવસ-રાત કામ કરે છે. દરેક જવાબદાર નાગરિકને અપીલ કરવામાં આવે છે કે તેઓ પાઇરસી ન જુએ. મનોરંજન મેળવવા માટે તેઓ ઑફિશ્યલ પ્લૅટફૉર્મ્સનો જ ઉપયોગ કરે.’

