દિલજિતે આ ફિલ્મને ભારતમાં મંજૂરી ન મળે તો હાલમાં ભારતમાં રિલીઝ ન કરીને ૭ ફેબ્રુઆરીએ વૈશ્વિક સ્તરે રિલીઝ કરવાનો નિર્ણય લઈ લીધો છે
દિલજિત દોસાંઝ
દિલજિત દોસાંઝની ‘પંજાબ ’95’ હાલમાં ચર્ચાનો મુદ્દો બની છે. આ ફિલ્મમાં સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC)એ મેકર્સને ૮૦થી ૧૨૦ જેટલા કટ સૂચવ્યા હતા એને કારણે વિવાદ થયો હતો. જોકે હવે દિલજિતે આ ફિલ્મને ભારતમાં મંજૂરી ન મળે તો હાલમાં ભારતમાં રિલીઝ ન કરીને ૭ ફેબ્રુઆરીએ વૈશ્વિક સ્તરે રિલીઝ કરવાનો નિર્ણય લઈ લીધો છે. હાલમાં દિલજિતે પોતાની પોસ્ટમાં આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કર્યું હતું અને સાથે-સાથે આ અપડેટ આપતાં પરિસ્થિતિમાં મોટો ટ્વિસ્ટ આવી ગયો છે.
‘પંજાબ ’95’માં દિલજિત દોસાંઝ જસવંત સિંહ ખાલરાની ભૂમિકા ભજવી રહ્યો છે. રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મની સ્ક્રિપ્ટ જસવંત સિંહ ખાલરાના પરિવારને બતાવીને તેમની મંજૂરી લઈ લેવામાં આવી છે.
ADVERTISEMENT
જસવંત સિંહ ખાલરા એક માનવાધિકાર કાર્યકર હતા જેમણે પંજાબમાં આતંકવાદ ચરમસીમાએ હતો ત્યારે હજારો સિખ યુવાનોના કથિત હત્યાકાંડનો પર્દાફાશ કર્યો હતો. જસવંત સિંહ ખાલરા ૧૯૯૫માં રહસ્યમય રીતે ગાયબ થઈ ગયા હતા અને છેલ્લે અમ્રિતસરમાં જોવા મળ્યા હતા. આ ઘટનાને પગલે ચકચાર મચી ગઈ હતી. એ પછી જસવંત સિંહ ખાલરાનાં પત્ની પરમજિત કૌરે હત્યા, અપહરણ અને અપરાધિક ષડ્યંત્રનો કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં એક દાયકા પછી પંજાબ પોલીસના ૬ અધિકારીઓને જસવંત સિંહ ખાલરાના અપહરણ અને હત્યા માટે દોષી ઠેરવવામાં આવ્યા હતા અને તેમને જેલની સજા ફટકારવામાં આવી હતી.