તે ફિટનેસ ફ્રીક છે. દુનિયા હોળીના દિવસે કલરથી રમી રહી હતી ત્યારે તે તેની ફૅમિલીના દરેક સભ્ય સાથે કસરત કરી રહ્યો હતો
હૃતિક રોશન
હૃતિક રોશને હાલમાં તેનો બાયશેપનો ફોટો શૅર કરીને કહ્યું કે પૂરતો સમય આપવામાં આવે તો જાદુઈ પરિણામ મેળવી શકાય છે. તે ફિટનેસ ફ્રીક છે. દુનિયા હોળીના દિવસે કલરથી રમી રહી હતી ત્યારે તે તેની ફૅમિલીના દરેક સભ્ય સાથે કસરત કરી રહ્યો હતો. તેણે હાલમાં ભોજન, ઊંઘ અને મેડિટેશનનું મહત્ત્વ સમજાવ્યું હતું. તે હાલમાં ‘ફાઇટર’માં વ્યસ્ત છે. પોતાનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને હૃતિકે કૅપ્શન આપી હતી, ‘ડાયટ અને ઊંઘ બરાબર હોય ત્યારે તમે સારું મહેસૂસ કરો છો. ૨૦૨૨ના નવેમ્બરમાં આ ફોટો લીધો હતો. બાળકોના સ્પ્રિન્ગ વેકેશન દરમ્યાન હું વધુ છૂટછાટ ન લઈ લઉં એ માટે આ ફોટોનો એક રિમાઇન્ડર તરીકે ઉપયોગ કરું છું. પૂરતું ભોજન અને ઊંઘ દ્વારા મોટા ભાગનું કામ સરળ થઈ જાય છે, પરંતુ મોટા ભાગના લોકો એમાં નિષ્ફળ રહે છે. આ માટે શાંત દિમાગ અને ડિસિપ્લિનમાં રહેવું જરૂરી છે. લોકો ટ્રેઇનિંગ અને જિમનો ઉપયોગ વધુ કરે છે, કારણ કે એમાં અગ્રેશનનો ઉપયોગ કરવામાં આવે છે અને એ સરળતાથી બહાર કાઢી શકાય છે, પરંતુ શાંતિ દ્વારા જે ખુશી મળે છે એ મેળવવી મુશ્કેલ છે. મેડિટેશન દ્વારા મને ઘણી મદદ મળી છે અને મારી ખુશીમાં પણ વધારો થયો છે. આ બોરિંગ લાગશે, પણ તમે પૂરતો સમય આપો તો જાદુઈ પરિણામ મેળવી શકો છો. મેં એક વર્ષ પહેલાં રોજ ૧૦ મિનિટ ફાળવવાથી શરૂઆત કરી હતી. આજે મને એક કલાક ઓછો લાગે છે.’