બિગ બૉસ 18નો વિવાદ વેગ પકડે એ પહેલાં અક્ષય કુમારે કરી દીધી સ્પષ્ટતા
અક્ષય કુમાર અને સલમાન ખાન
બૉલીવુડમાં ચર્ચા હતી કે ‘બિગ બૉસ 18’ની ગ્રૅન્ડ ફિનાલેમાં હાજરી આપવા ગયેલો અક્ષયકુમાર સલમાન ખાનને સેટ પર આવતાં મોડું થયું એટલે નારાજ થઈને સેટ છોડીને ચાલ્યો ગયો હતો. આ ચર્ચા વેગ પકડે એ પહેલાં અક્ષય કુમારે સ્પષ્ટતા કરી દીધી છે અને કહ્યું છે કે ‘હું ચાલ્યો ગયો એમાં સલમાનનો કોઈ વાંક નહોતો. મારી પાસે પહેલાંથી જ કેટલાંક અંગત કામ હતાં જેને કારણે મારે જવું પડ્યું હતું.’
‘બિગ બૉસ 18’ના સેટ પરથી અક્ષય કુમાર ચાલ્યો ગયો હતો, પણ તેની સાથે ‘સ્કાય ફોર્સ’ના પ્રમોશન માટે આવેલો વીર પહારિયા ત્યાં જ હતો અને તેણે સલમાન સાથે શૂટિંગ કર્યું હતું. અક્ષય કુમાર અને વીર પહારિયા ફિલ્મ ‘સ્કાય ફોર્સ’માં જોવા મળશે. ‘સ્કાય ફોર્સ’નું ડિરેક્શન સંદીપ કેલવાણી અને અભિષેક કપૂરે કર્યું છે. આ ફિલ્મમાં ૧૯૬૫ના ભારત-પાકિસ્તાન યુદ્ધની રિયલ સ્ટોરી દર્શાવવામાં આવી છે. અક્ષય કુમાર અને વીર પહારિયા ઉપરાંત આ ફિલ્મમાં સારા અલી ખાન અને નિમ્રત કૌર પણ છે. અક્ષય કુમારનું પાત્ર વિન્ગ કમાન્ડર ઓ. પી. તનેજા પર આધારિત છે, જ્યારે વીર પહારિયા સ્વર્ગસ્થ સ્ક્વૉડ્રન લીડર અમજદ બી. દેવૈયાના રોલમાં જોવા મળશે.