તેમના દીકરા રવિ ચોપડાની વાઇફ રેણુ રવિ ચોપડાએ આ બંગલો વેચ્યો છે
બી. આર. ચોપડા
‘મહાભારત’ સિરિયલના રચયિતા બી. આર. ચોપડાનો જુહુમાં આવેલો બંગલો અંદાજે ૧૮૩ કરોડમાં વેચાયો હોવાની માહિતી મળી છે. તેમનું નામ બલદેવ રાજ ચોપડા છે. જુહુમાં તેમનો આ બંગલો પચીસ હજાર સ્ક્વેર ફીટમાં ફેલાયેલો છે. એવું જાણવા મળ્યું છે કે તેમના દીકરા રવિ ચોપડાની વાઇફ રેણુ રવિ ચોપડાએ આ બંગલો વેચ્યો છે. ૧૮૨.૭૬ કરોડ જમીન અને પ્રૉપર્ટીના આપવામાં આવ્યા છે અને ૧૧ કરોડ સ્ટૅમ્પ ડ્યુટી ભરવામાં આવી છે. એવી પણ માહિતી મળી છે કે આ પ્રૉપર્ટી કે. રહેજા કૉર્પે ખરીદી છે અને અહીં રેસિડેન્શિયલ કૉમ્પ્લેક્સિસ બનાવવામાં આવશે. બી. આર. ચોપડાની ફિલ્મોની વાત કરીએ તો તેમણે ‘નયા દૌર’ ‘સાધના’, ‘કાનૂન’, ‘ગુમરાહ’, ‘હમરાઝ’ અને ‘નિકાહ’ જેવી ફિલ્મો બનાવી હતી. ‘મહાભારત’ સિરિયલ બનાવીને તેમણે તો ઇતિહાસ રચી દીધો હતો. તેમને દાદાસાહેબ ફાળકે અવૉર્ડ અને પદ્મભૂષણથી નવાજવામાં આવ્યા હતા. તેઓ ફિલ્મમેકર યશ ચોપડાના મોટા ભાઈ હતા.