ગોલ્ડન ગ્લોબ અવૉર્ડ ફંક્શન વખતે રાજામૌલીની મુલાકાત સ્ટીવન સ્પીલબર્ગ સાથે થઈ હતી
જેમ્સ કૅમરન અને એસ. એસ. રાજામૌલિ
હૉલીવુડ ડિરેક્ટર જેમ્સ કૅમરનને ‘RRR’ એટલી તો ગમી ગઈ કે તેમણે એ ફિલ્મ બે વખત જોઈ. આ વાતની માહિતી ફિલ્મમેકર એસ. એસ. રાજામૌલીએ આપી છે. બન્ને વચ્ચે ૧૦ મિનિટ સુધી ફિલ્મને લઈને વાતચીત થઈ હતી. ગોલ્ડન ગ્લોબ અવૉર્ડ ફંક્શન વખતે રાજામૌલીની મુલાકાત સ્ટીવન સ્પીલબર્ગ સાથે થઈ હતી. રાજામૌલીએ તેમને ભગવાન સાથે સરખાવ્યા હતા. જેમ્સ કેમરન સાથે થયેલી મુલાકાતનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને એસ. એસ. રાજામૌલીએ કૅપ્શન આપી હતી, ‘ગ્રૅટ જેમ્સ કેમરને ‘RRR’ જોઈ. તેમને આ ફિલ્મ એટલી ગમી કે તેમણે તેમનાં વાઇફ સુઝીને પણ આ ફિલ્મ જોવા કહ્યું અને તેમણે વાઇફ સાથે ફરીથી આ ફિલ્મ જોઈ. સર, મને વિશ્વાસ નથી બેસતો કે તમે મારી સાથે ૧૦ મિનિટ સુધી અમારી ફિલ્મને લઈને ચર્ચા કરી. તમે જ્યારે મને કહ્યું તો હું પોતાને ટૉપ ઑફ ધ વર્લ્ડનો અનુભવ કરવા માંડ્યો. બન્નેનો આભાર.’
મેરા ભારત મહાન : ‘RRR’એ ધ ક્રિટિક્સ ચૉઇસ અવૉર્ડ જીત્યા બાદ આવું કહ્યું રાજામૌલીએ
ADVERTISEMENT
ગોલ્ડન ગ્લોબ બાદ ‘RRR’એ ધ ક્રિટિક્સ ચૉઇસનો બેસ્ટ ઓરિજિનલ સૉન્ગ અને બેસ્ટ ફૉરેન લૅન્ગ્વેજ ફિલ્મનો અવૉર્ડ જીતી લીધો છે. આ ફિલ્મે દેશ-વિદેશમાં ધૂમ મચાવી છે. એ દરમ્યાન એસ. એસ. રાજામૌલીએ પોતાના જીવનમાં રહેલી તમામ મહિલાઓનો આભાર માન્યો હતો. આ અવૉર્ડ સ્વીકારતી વખતે એસ. એસ. રાજામૌલીએ કહ્યું કે ‘મારી લાઇફમાં રહેલી તમામ મહિલાઓ. મારી મા રાજા નંદિની જે એમ વિચારતી હતી કે સ્કૂલનું શિક્ષણ ઓવરરેટેડ હતું અને તેણે મને કૉમિક્સ, સ્ટોરીબુક્સ વાંચવા અને મારી ક્રીએટિવિટીને નિખારવા માટે પ્રોત્સાહન આપ્યું હતું. મારી ભાભી શ્રીવલ્લી, જે મારા માટે એક મા સમાન છે. તેમણે મને મારા બેસ્ટ વર્ઝનને બહાર લાવવા માટે પ્રોત્સાહન આપ્યું હતું. મારી વાઇફ રમા. તે મારી ફિલ્મમાં કૉસ્ચ્યુમ ડિઝાઇનર રહી છે, પરંતુ એના કરતાં તો તે મારી લાઇફની ડિઝાઇનર વધુ છે. જો તે મારી લાઇફમાં ન હોત તો આજે હું અહીં ન હોત. મારી દીકરીઓ જેની સ્માઇલથી મારી લાઇફ ઝગમગી ઊઠે છે. અંતે મારી માતૃભૂમિ ભારત. મેરા ભારત મહાન - જય હિન્દ.’