અનુરાગ બાસુએ અરિજિત સિંહના નિવૃત્તિ લીધા પછીના પ્લાન વિશે વાત કરી છે
અનુરાગ બાસુ
મંગળવારે અરિજિત સિંહે પ્લેબૅક સિંગર તરીકે પોતાની નિવૃત્તિની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા હતા. તેની આ જાહેરાત પછી હવે તે શું કરશે એ વિશે જાત-જાતની ચર્ચા ચાલી રહી છે. આ સંજોગોમાં અરિજિતના મિત્ર અનુરાગ બાસુએ સિંગરના રિટાયર થયા પછીના પ્લાન વિશે વાત કરી છે.
હાલમાં એક ઇન્ટરવ્યુમાં અનુરાગ બાસુએ જણાવ્યું હતું કે ભલે દુનિયાભરના લોકો અરિજિત સિંહના રિટાયરમેન્ટના સમાચારથી હેરાન થયા હોય પરંતુ મને આ નિર્ણયથી જરાય આશ્ચર્ય થયું નથી, કારણ કે હું અરિજિતને લાંબા સમયથી ઓળખું છું. અનુરાગ બાસુના કહેવા મુજબ અરિજિત અત્યંત પ્રતિભાશાળી છે અને ગાયકી સિવાય તે જીવનમાં ઘણું બધું કરવાનું ઇચ્છે છે.
અનુરાગ બાસુએ વાત-વાતમાં કહ્યું હતું કે ‘અરિજિત ફિલ્મમેકિંગ માટે બહુ ઉત્સાહી છે. હું જ્યારે ‘બર્ફી’ બનાવી રહ્યો હતો ત્યારે પણ તેણે મારી પાસે અસિસ્ટન્ટ તરીકે કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. આ સિવાય અરિજિત સ્કૂલ શરૂ કરવા માગે છે અને બાળકો સાથે વધુ સમય વિતાવવા ઇચ્છે છે. તેની પાસે હજી અનેક યોજનાઓ છે અને એ કારણે હવે લોકોને અરિજિતનો એક નવો અને અલગ અવતાર જોવા મળશે.’


