સ્ટુડન્ટ ઑફ ધ યરમાં શોભાના પૂતળા જેવી લાગતી આલિયા ભટ્ટને ઉડતા પંજાબ અને હાઇવેમાં જોઈને પપ્પા આફરીન પોકારી ગયા
આલિયા ભટ્ટ, અને પિતા મહેશ ભટ્ટ
આલિયા ભટ્ટે ૨૦૧૨માં રિલીઝ થયેલી ફિલ્મ ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’થી બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. એ ફિલ્મ દ્વારા વરુણ ધવન અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ પણ કરીઅરની શરૂઆત કરી હતી. આલિયાના ડૅડી મહેશ ભટ્ટને એવું લાગે છે કે એ ફિલ્મમાં તે માત્ર શોભાના પૂતળા જેવી લાગતી હતી. જોકે અત્યાર સુધીની આલિયાની જર્નીને તેઓ અદ્ભુત ગણાવે છે. આલિયાની કેટલીક ફિલ્મોનાં નામ લઈને તેના પર્ફોર્મન્સની તેમણે પ્રશંસા કરી છે. ૨૦૧૬માં રિલીઝ થયેલી આલિયાની ‘ઉડતા પંજાબ’માં તેને આદિવાસી ભાષામાં વાતચીત કરતી જોઈને મહેશ ભટ્ટ પ્રભાવિત થયા હતા. એ વિશે હાલમાં જ આપેલા એક ઇન્ટરવ્યુમાં મહેશ ભટ્ટ કહે છે, ‘હું એટલું જરૂર કહીશ કે મેં જ્યારે ‘ઉડતા પંજાબ’ જોઈ ત્યારે હું ચોંકી ગયો હતો. મને સમજ ન પડી કે જે છોકરીનો ઉછેર જુહુમાં થયો હોય તે છત્તીસગઢના આદિવાસીઓની જેમ કઈ રીતે વાતચીત કરી શકે. એ ખરેખર અદ્ભુત હતું. હું ચોંકી ગયો હતો. ‘હાઇવે’ અને ‘ઉડતા પંજાબ’માં તેની તાકાત, તેની ક્ષમતા અને દિલની વાત કહેવાની તેની ક્ષમતા અદ્ભુત હતી. તે એ યુવતીથી એકદમ અલગ છે જે ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’માં એક મૅનિકિન જેવી લાગતી હતી.’