૨૦૧૯માં શાહિદની ‘કબીર સિંહ’ રિલીઝ થયા બાદ તેણે અલી અબ્બાસ ઝફર સાથે મળીને સ્પોર્ટ્સ ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું હતું,
અલી અબ્બાસ ઝફર
અલી અબ્બાસ ઝફરનું કહેવું છે કે તે શાહિદ કપૂર સાથે સ્પોર્ટ્સ ફિલ્મ ત્યારે જ બનાવશે જ્યારે તેને કોઈ સચોટ સ્ટોરી મળશે. તેણે અગાઉ સલમાન ખાન સાથે ‘સુલતાન’ બનાવી હતી. ૨૦૧૯માં શાહિદની ‘કબીર સિંહ’ રિલીઝ થયા બાદ તેણે અલી અબ્બાસ ઝફર સાથે મળીને સ્પોર્ટ્સ ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું હતું, પરંતુ ત્યારે વાત આગળ વધી શકી નહીં. જોકે તેઓ બન્ને ‘બ્લડી ડૅડી’ માટે સાથે આવ્યા અને ૯ જૂને એ જિયો સિનેમા પર રિલીઝ થઈ હતી. અલીને પૂછવામાં આવ્યું કે શું તું ફરીથી શાહિદ સાથે સ્પોર્ટ્સ ફિલ્મ બનાવવાનું વિચારીશ. એનો જવાબ આપતાં અલી અબ્બાસ ઝફરે કહ્યું કે ‘સૌથી અગત્યની વાત તો એ છે કે હું જ્યારે પણ એ બનાવું તો એ રિલેવન્ટ હોવી જોઈએ. ‘બ્લડી ડૅડી’ની વાત કરું તો આપણે મહામારી વચ્ચે અટવાયા હતા અને મને એનો બૅકડ્રૉપ તરીકે ઉપયોગ કરવાનો વિચાર આવ્યો હતો. એક જ લોકેશન પર ઘણાં બધાં કૅરૅક્ટર્સને લઈને શાનદાર ઍક્શન ફિલ્મ બનાવી. અનેક સ્પોર્ટ્સ ફિલ્મો પણ બનતી હોય છે. દર ચાર કે પાંચ મહિનામાં એકાદ સ્પોર્ટ્સ ફિલ્મ રિલીઝ થાય છે. મેં પણ રેસલિંગ પર આધારિત ફિલ્મ ‘સુલતાન’ બનાવી હતી, પરંતુ એ ઇમોશનલ ફિલ્મ હતી. મને જ્યાં સુધી કાંઈ મહત્ત્વનું નહીં મળે એને લઈને હું એક્સાઇટેડ નહીં થાઉં ત્યાં સુધી હું સ્પોર્ટ્સ ફિલ્મ બનાવવા તરફ આગળ નહીં વધું.’
શાહિદ કપૂર સાથે મળીને ‘બ્લડી ડૅડી’ કેવી રીતે બનાવી એ વિશે અલી અબ્બાસ ઝફરે કહ્યું કે ‘શાહિદે મને અપ્રોચ કર્યો અને કહ્યું કે આપણે સાથે મળીને ફિલ્મ બનાવવી જોઈએ, જે અમારા બન્ને માટે મિડલ ગ્રાઉન્ડ હતું. તેણે જે પણ ફિલ્મો કરી છે એ વાસ્તવિક જગતની સ્ટોરી દેખાડે છે. મેં જે ફિલ્મો બનાવી એ કમર્શિયલ અને મેઇનસ્ટ્રીમની છે. તેણે જણાવ્યું કે આપણી પાર્ટનરશિપ નવા પ્રકારની ફિલ્મોનું નિર્માણ કરશે. તેની ઇચ્છા હતી કે અમે અદ્ભુત અને કમર્શિયલ ફિલ્મ બનાવીએ જે રિયલ તો દેખાય જ, પરંતુ સાથે જ એમાં એવી ક્ષણ પણ આવે જ્યારે દર્શકો તાળી અને સિસોટી વગાડે. અમને બન્નેને સ્પોર્ટ્સ ફિલ્મ બનાવવાની ઇચ્છા છે, પરંતુ હાલમાં અમે એ માટે સુપર એક્સાઇટેડ નથી.’

