જ્યાં હાલમાં મોટા બજેટ અને ઍક્શન ફિલ્મો દર્શકોની પહેલી પસંદ બની રહી છે ત્યારે અક્ષય કુમાર ટૂંક સમયમાં સાયન્સ ફિક્શન થ્રિલર ફિલ્મ ‘સમુક’માં જોવા મળશે.
અક્ષય કુમાર
જ્યાં હાલમાં મોટા બજેટ અને ઍક્શન ફિલ્મો દર્શકોની પહેલી પસંદ બની રહી છે ત્યારે અક્ષય કુમાર ટૂંક સમયમાં સાયન્સ ફિક્શન થ્રિલર ફિલ્મ ‘સમુક’માં જોવા મળશે. આ ફિલ્મ એલિયન હૉરર પર આધારિત હશે. આ ફિલ્મનું ડિરેક્શન કનિષ્ક વર્મા અને પ્રોડક્શન અક્ષય કુમાર, વિપુલ અમૃતલાલ શાહ અને આશિન શાહ મળીને કરી રહ્યા છે. ખાસ વાત એ છે કે આ પ્રોજેક્ટ દ્વારા લગભગ ૧૨ વર્ષ બાદ અક્ષય કુમાર અને વિપુલ અમૃતલાલ શાહની જોડી ફરી સાથે કામ કરતી જોવા મળશે. ‘સમુક’ માટે મેકર્સે હૉલીવુડની મોટી ફિલ્મોમાં કામ કરી ચૂકેલા અનેક આંતરરાષ્ટ્રીય ટેક્નિશિયન્સને સામેલ કર્યા છે. ‘સમુક’માં માત્ર જબરદસ્ત ઍક્શન જ નહીં, પ્રેક્ટિકલ ક્રીચર ઇફેક્ટ્સ પર પણ ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ફિલ્મના એલિયન પાત્રને ઑસ્કર નૉમિનેટેડ ઇફેક્ટ્સ આર્ટિસ્ટ ડિઝાઇન કરી રહ્યા છે.
પોતાના આ નવા પ્રોજેક્ટને કન્ફર્મ કરતાં અક્ષય કુમારે કહ્યું હતું કે ‘એ વાત સાચી છે કે મેં આ ફિલ્મ સાઇન કરી છે. ‘સમુક’ની સ્ટોરી અને વિષય મને ખૂબ રસપ્રદ લાગ્યાં. સાયન્સ ફિક્શન એલિયન હૉરર મારા માટે અને અમારી ફિલ્મો માટે એકદમ નવો વિષય છે. હું એને લઈને ખૂબ ઉત્સાહિત છું.’
અક્ષયે આપેલા એક કરોડ રૂપિયાના દાનથી કાશ્મીરની સરકારી સ્કૂલની કાયાપલટ
અક્ષય કુમારે જમ્મુ-કાશ્મીરની એક સરકારી શાળાને એક કરોડ રૂપિયાનું દાન આપ્યું છે જેના કારણે આ શાળાની કાયાપલટ કરવામાં મદદ મળી રહી છે. અક્ષયના આ કામની ઑનલાઇન ખૂબ પ્રશંસા થઈ રહી છે. રિપોર્ટ પ્રમાણે અક્ષયના આ ડોનેશનથી સંસ્થામાં અનેક બેસિક સુવિધાઓ વધારવામાં આવી છે, જેના કારણે ત્યાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટેની સુવિધાઓમાં મોટો સુધારો થયો છે. આ રકમનો ઉપયોગ નબળા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મર્યાદિત સાધનોની સમસ્યાનો સામનો કરી રહેલી સરકારી શાળાના આધુનિકીકરણ માટે કરવામાં આવ્યો છે. હવે નવા કૅમ્પસમાં વધુ સારા ક્લાસરૂમ્સ, નવું ફર્નિચર, વધુ સારી સ્વચ્છતા સુવિધાઓ અને વિદ્યાર્થીઓ માટે વધુ સારો માહોલ ઉપલબ્ધ થયો છે.
અક્ષય કુમારે આપેલા દાનથી થયેલા શાળાના રિનોવેશનની તસવીરો અને વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ ગયા છે. અનેક સ્થાનિક લોકો અને શિક્ષકોએ પણ આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે આ દાનથી બાળકો માટે વધુ આરામદાયક અને પ્રેરણાદાયક વાતાવરણ તૈયાર થયું છે.
