Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અક્ષય પાસે કેમ હતો ભારતને બદલે કૅનેડાનો પાસપોર્ટ?

અક્ષય પાસે કેમ હતો ભારતને બદલે કૅનેડાનો પાસપોર્ટ?

Published : 16 March, 2026 10:11 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઍક્ટરે તેની સાથે જોડાયેલા આ વિવાદની જાહેરમાં સ્પષ્ટતા કરી

અક્ષય કુમારની ફાઇલ તસવીર

અક્ષય કુમારની ફાઇલ તસવીર


અક્ષય કુમાર પાસે હાલમાં ભારતનો પાસપોર્ટ છે, પણ ૨૦૨૩ સુધી કૅનેડાની સિટિઝનશિપ હોવાને કારણે તેની પાસે કૅનેડાનો પાસપોર્ટ હતો. કૅનેડાનો પાસપોર્ટ હોવાને કારણે અક્ષય કુમારને ૨૦૨૩ પહેલાં ઘણી વખત સોશ્યલ મીડિયા પર ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો. હવે આ સમગ્ર મામલે અક્ષય કુમારે પોતાનો પ્રતિસાદ આપ્યો છે અને સાથે જ ખુલાસો પણ કર્યો છે કે મેં કૅનેડાનો પાસપોર્ટ શા માટે લીધો હતો.

હાલમાં એ કૉન્કલેવમાં અક્ષય કુમારને સવાલ કરવામાં આવ્યો હતો કે શું તને કૅનેડિયન કહેવામાં આવતો હોવાથી તેં દેશભક્તિ આધારિત ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું હતું? એનો જવાબ આપતાં અક્ષય કુમારે કહ્યું હતું કે ‘હું જે કામ કરું છું એ મારી છબિ બનાવવા માટે નથી કરતો. હું ઘણું કામ કરું છું, પરંતુ દેશભક્તિની ઇમેજ બનાવવા માટે ફિલ્મો કરતો નથી. હું જે યોગ્ય લાગે એ કરું છું. જ્યાં સુધી કૅનેડિયન પાસપોર્ટનો સવાલ છે તો મારી જિંદગીમાં એક એવો સમય આવ્યો હતો જ્યારે મારી લગભગ ૧૬-૧૭ ફિલ્મો સતત ફ્લૉપ થઈ હતી. એ સમયે મારી પાસે માત્ર ૩-૪ ફિલ્મો જ બાકી રહી હતી અને કરીઅર વિશે ચિંતા વધવા માંડી હતી. એ દરમ્યાન મને કૅનેડામાં કામ કરવાની તક મળી હતી, એથી મેં ત્યાં જઈને એક નાનકડો બિઝનેસ શરૂ કરવાની યોજના બનાવી હતી. એ દરમ્યાન મને કૅનેડાનો પાસપોર્ટ મળી ગયો. જોકે પછી પરિસ્થિતિ બદલાઈ ગઈ. મારી જે ૩ ફિલ્મો રિલીઝ થવાની હતી એ ત્રણેત્રણ હિટ થઈ ગઈ અને મને બૉલીવુડમાં સતત કામ મળવા માંડ્યું. આ બધાની વચ્ચે મેં કૅનેડિયન પાસપોર્ટ વિશે ખાસ વિચાર્યું નહીં. જોકે પછી ૨૦૨૩માં મેં ફરી ભારતીય નાગરિકતા મેળવી લીધી હતી.’



પુરુષોને ૫૦ વર્ષ પછી નિયમિત સ્પેશ્યલ ટેસ્ટ કરાવવાની અક્ષયની અપીલ


હાલમાં અક્ષય કુમારે એક વાતચીત દરમ્યાન પુરુષો માટે મહત્ત્વપૂર્ણ સંદેશ આપ્યો છે. તેણે પુરુષોને ખાસ કરીને ૫૦ વર્ષ પછી નિયમિત પ્રોસ્ટેટ-સ્પેસિફિક એન્ટિજેન (PSA) ટેસ્ટ કરાવવાની અપીલ કરી છે જેથી પ્રોસ્ટેટ કૅન્સરનું સમયસર નિદાન થઈ શકે.

પોતાની આ લાગણી પાછળનું કારણ જણાવતાં અક્ષય કુમારે કહ્યું હતું કે ‘મારા પપ્પા હરિઓમ ભાટિયાનું ૨૦૦૦માં પ્રોસ્ટેટ કૅન્સરથી અવસાન થયું હતું. એ સમયે પરિવારને PSA ટેસ્ટ વિશે પૂરતી માહિતી નહોતી, એને કારણે સમયસર તપાસ થઈ શકી નહોતી. જો મને પહેલાંથી આ ટેસ્ટ વિશે ખબર પડી હોત તો કદાચ સ્થિતિ અલગ હોત. હું પુરુષોને વિનંતી કરું છું કે તેઓ પોતાની તંદુરસ્તી વિશે ગંભીર બને અને દર વર્ષે PSA ટેસ્ટ કરાવે. બીમારીનું વહેલું નિદાન જીવન બચાવી શકે છે. પ્રોસ્ટેટ કૅન્સર પુરુષોમાં સામાન્ય રીતે જોવા મળતી બીમારી છે અને ઘણા પુરુષોમાં એનું જોખમ હોય છે એથી સમયસર સ્ક્રીનિંગ કરાવવું ખૂબ જરૂરી છે કારણ કે એ માત્ર વ્યક્તિનું નહીં, આખા પરિવારનું જીવન બચાવી શકે છે.’


Whatsapp-channel Whatsapp-channel

16 March, 2026 10:11 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK