જુનૈદ ખાનની લવયાપાની નિષ્ફળતા વિશે પિતા આમિર ખાને વ્યક્ત કર્યા પોતાના વિચાર
આમિરના દીકરા જુનૈદ ખાન
આમિર ખાનને બૉલીવુડનો અત્યંત સફળ હીરો ગણવામાં આવે છે. તે ફિલ્મોની ઊંડી સમજ ધરાવે છે. હાલમાં આમિરના દીકરા જુનૈદ ખાનની પહેલી ફિલ્મ ‘લવયાપા’ રિલીઝ થઈ હતી. એ ફિલ્મમાં જુનૈદ સાથે બોની કપૂરની નાની પુત્રી ખુશી કપૂર પણ હતી, પરંતુ આ ફિલ્મ દર્શકોનું દિલ જીતવામાં નિષ્ફળ રહી છે. જુનૈદની આ નિષ્ફળતા ચર્ચાનો મુદ્દો બની હતી. જોકે આ નિષ્ફળતા વિશે પણ આમિરે દિલ ખોલીને વાત કરી છે.
આમિરે એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે ‘સારું છે એવું થયું અને પહેલી ફિલ્મમાં જ નિષ્ફળતા મળી. વ્યક્તિનો શરૂઆતનો સંઘર્ષ તેને મજબૂત બનાવે છે અને એમાંથી જ શીખવા મળે છે. મારું માનવું છે કે તે સારું કામ કરી રહ્યો છે અને આગળ પણ નવી વસ્તુઓ શીખતો રહેશે. જુનૈદ પાત્રની જરૂરિયાતને સારી રીતે સમજે છે અને તેણે ‘મહારાજ’ અને ‘લવયાપા’માં પોતાનાં પાત્રો સાથે સંપૂર્ણ ન્યાય કર્યો છે.’
ADVERTISEMENT
આમિરે આ ઇન્ટરવ્યુમાં તેના અને દીકરા જુનૈદના વ્યક્તિત્વમાં રહેલી સમાનતા વિશે વાત કરી છે અને પુત્રના પર્ફોર્મન્સની કેટલીક ખામીઓ પણ સ્વીકારી લીધી છે. તેણે કહ્યું કે ‘જુનૈદને તેની જેમ જ ડાન્સિંગમાં મુશ્કેલી પડે છે. જુનૈદ મારી જેમ જ સોશ્યલ ઇન્ટરેક્શનમાં પણ થોડું વધુ અસહજ અનુભવે છે. મીડિયા ઇન્ટરવ્યુ આપવામાં પણ સુધારાની જરૂર છે. જોકે હું પણ મારી કરીઅરની શરૂઆતના દિવસોમાં થોડો શરમાળ સ્વભાવનો હતો અને મીડિયા સાથે વાતચીતમાં તકલીફ થતી હતી. હું અને જુનૈદ બન્ને પોતાના નિર્ણય દિલથી લેવાનું પસંદ કરીએ છીએ. મને વિશ્વાસ છે કે જુનૈદ પોતાની કરીઅરના આગામી પ્રોજેક્ટમાં વધુ સારું કામ કરશે અને એક શાનદાર અભિનેતા તરીકે ઓળખાશે.’

