જામનગર કોર્ટે ચેક બાઉન્સ કેસમાં આ સજાની સાથે બે કરોડ રૂપિયા ચૂકવવા પણ કહ્યું
રાજકુમાર સંતોષી
રાજકુમાર સંતોષીને જામનગરની કોર્ટે ચેક બાઉન્સના કેસમાં બે વર્ષની જેલની સજા આપી છે. રાજકુમાર સંતોષી હાલમાં આમિર ખાન પ્રોડક્શન હાઉસ હેઠળની ‘લાહોર 1947’ ડિરેક્ટ કરવાનો છે જેમાં સની દેઓલ જોવા મળશે. જામનગરની કોર્ટે ગઈ કાલે આ ચુકાદો આપ્યો હતો. જામનગરના રહેવાસી અને શ્રીજી શિપિંગના માલિક અશોક લાલે ૨૦૧૫માં રાજકુમાર સંતોષીને ફિલ્મ બનાવવા માટે એક કરોડ રૂપિયાની લોન આપી હતી. આ લોન ચૂકવવા માટે રાજકુમાર સંતોષીએ તેમને ૧૦-૧૦ લાખના ૧૦ ચેક આપ્યા હતા. ૨૦૧૬માં આ ચેક બાઉન્સ થયા હતા. એ માટે અશોક લાલે સૌથી પહેલાં ફિલ્મમેકર સાથે કૉન્ટૅક્ટ કર્યો હતો. જોકે તેમની સાથે કોઈ કૉન્ટૅક્ટ ન થતાં તેમણે રાજકુમાર સંતોષી સામે કોર્ટમાં કેસ કર્યો હતો. ૨૦૨૩ની ૧૫ એપ્રિલે જામનગર કોર્ટે રાજકુમાર સંતોષીને દરેક ચેક માટે ૧૫,૦૦૦ રૂપિયા ચૂકવવાનું કહ્યું હતું. એ ચેકનું ટોટલ દોઢ લાખ રૂપિયા થતું હતું. રાજકુમાર સંતોષીએ કોર્ટના સમનને પણ નહોતું સ્વીકાર્યું. તેમની વિરુદ્ધ જામીનપાત્ર વૉરન્ટ બહાર પાડવામાં આવતાં તેઓ કોર્ટમાં હાજર રહ્યા હતા. જોકે ગઈ કાલે કોર્ટે તેમને બે વર્ષની જેલની સજા અને એક કરોડ રૂપિયાને બદલે બે કરોડ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો હતો.


