કરણ મલ્હોત્રાનું કહેવું છે કે રિશી કપૂર અને રણબીર કપૂર બન્નેની કામ કરવાની સ્ટાઇલ એકદમ અલગ છે.
કરણ મલ્હોત્રા
કરણ મલ્હોત્રાનું કહેવું છે કે રિશી કપૂર અને રણબીર કપૂર બન્નેની કામ કરવાની સ્ટાઇલ એકદમ અલગ છે. કરણે ત્રણ ફિલ્મ બનાવી છે જે ‘અગ્નિપથ’, ‘બ્રધર્સ’ અને ‘શમશેરા’ છે. આ ત્રણ ફિલ્મમાંથી બે ફિલ્મમાં તેણે પિતા-પુત્ર સાથે કામ કર્યું છે. ‘અગ્નિપથ’માં રિશી કપૂરે રઉફ લાલાનું પાત્ર ભજવ્યું હતું. ‘શમશેરા’માં તે રણબીર કપૂર સાથે કામ કરી રહ્યો છે જે ૨૨ જુલાઈએ રિલીઝ થઈ રહી છે. પિતા-પુત્ર સાથે કામ કરવા વિશે કરણ મલ્હોત્રાએ કહ્યુ હતુ કે ‘હું નસીબદાર છું કે મને ચિન્ટુ અંકલ અને રણબીર કપૂર બન્ને સાથે કામ કરવાની તક મળી. તેઓ બન્ને એકદમ અલગ હોવા છતાં એકસરખા જેવા છે. ચિન્ટુ અંકલ સાથે મારે ખૂબ જ આર્ગ્યુમેન્ટ, ઝઘડો અને રઉફ લાલાના પાત્રને લઈને ઘણી ચર્ચાઓ થતી. તેમણે મને હંમેશાં રિસ્પેક્ટ આપ્યો હતો અને કોઈ દિવસ નવોદિત ડિરેક્ટર છું એ રીતે ટ્રીટ નહોતો કર્યો. અમે એકબીજાને જે રીતે ચૅલેન્જ આપી હતી એનાથી પાત્ર ધારવા કરતાં વધુ મોટું બન્યું હતું. તેમની સાથે સેટ પર જે પાગલપંતી થતી એને હું મિસ કરી રહ્યો છું. રણબીર અને ચિન્ટુ અંકલ બન્ને એકદમ અલગ છે, પરંતુ તેમના વર્ક એથિક્સ એકસરખા છે. તેઓ બન્ને ડિરેક્ટરના વિઝનને અનુસરે છે. રિશી કપૂર મને હંમેશાં તેમની ઇચ્છા વિશે જણાવતા હતા કે તેઓ રણબીરને હાર્ડકોર કમર્શિયલ ફિલ્મમાં જોવા માગે છે. આથી મારા માટે રણબીર સાથે આ ફિલ્મમાં કામ કરવું પણ ખૂબ જ સ્પેશ્યલ બની ગયું છે. તેણે તેના પાત્રમાં જાન રેડી દીધો છે અને દર્શકોને એ દેખાડવા માટે હું આતુર છું.’


