‘મૈં પ્રેમ કી દીવાની હૂં’ ફ્લૉપ ગઈ અને સૂરજ બડજાત્યાને સમજાયું કે પોતે ખોટી દિશામાં પહોંચી ગયા અને એ પછી તેમણે શાહિદ કપૂર અને અમૃતા રાવને લઈને ‘વિવાહ’ બનાવી
વિવાહ
‘મુઝે હક હૈ, તુઝકો જી ભર કે મૈં દેખું
મુઝે હક હૈ, બસ યૂં હી દેખતા જાઉં
મુઝે હક હૈ...’
વર્ષ ૨૦૦૬. ફિલ્મ ‘વિવાહ’, મ્યુઝિક રવીન્દ્ર જૈનનું, ગીતકાર પણ રવીન્દ્ર જૈન અને સિંગર શ્રેયા ઘોષાલ અને ઉદિત નારાયણ. જે સૉન્ગની આજે આપણે વાત કરીએ છીએ એ ફિલ્મ ‘વિવાહ’ રાજશ્રી પ્રોડક્શનની ફિલ્મ છે. આ રાજશ્રી પ્રોડક્શનની ફિલ્મ ‘હમ દોનોં’ બેત્રણ મહિના પહેલાં જ રિલીઝ થઈ, જે સંજય બડજાત્યાના દીકરાએ ડિરેક્ટ કરી અને ફિલ્મમાં સની દેઓલના નાના દીકરાને લૉન્ચ કરવામાં આવ્યો, પણ ફિલ્મ સુપરફ્લૉપ રહી. એક સમય હતો જ્યારે રાજશ્રીની ફિલ્મ આવે એટલે લોકો આંખ બંધ કરીને આખી ફૅમિલીને લઈને ફિલ્મ જોવા પહોંચી જતા. આંખો બંધ કરીને ફિલ્મ જોવા ગયા હોય એવી રાજશ્રીની અનેક ફિલ્મો અને એ ફિલ્મમાંની એક ફિલ્મ એટલે ‘વિવાહ.’
આપણે ઘણી જગ્યાએ જતા હોઈએ; માર્કેટ, ઑફિસ, પિકનિક, કોઈના ઘરે, હોટેલમાં અને એવી બીજી અનેક જગ્યાએ... પણ એ બધામાં જ્યારે આપણે મંદિરમાં પ્રવેશ કરીએ ત્યારે વાતાવરણ આખું બદલાઈ જાય. અલગ જ શાંતિ અને સાદગીનો અનુભવ થાય, વર્તન અને વાણી પણ બદલાય અને વિચારોની શુદ્ધતામાં પણ ભારોભાર ચેન્જ આવે. એવું જ આ રાજશ્રી પ્રોડક્શનની ફિલ્મોનું છે. રાજશ્રી પ્રોડક્શનની શરૂઆત ૧૯૪૭માં થઈ. સૂરજ બડજાત્યાના દાદા તારાચંદ બડજાત્યાએ પ્રોડક્શન-હાઉસ શરૂ કર્યું હતું. મારવાડી ફૅમિલી અને પારિવારિક મૂલ્યોનું ભારોભાર માન, જે તમને રાજશ્રી પ્રોડક્શનની એકેએક ફિલ્મમાં સ્પષ્ટ દેખાય. મૂળ તો ફિલ્મ ફાઇનૅન્સર, પણ પછી પ્રોડક્શનમાં આવ્યા અને ફિલ્મો બનાવવાનું શરૂ કર્યું. ૧૯૬૪માં સૂરજ બડજાત્યાનો જન્મ થયો એ પહેલાં આ પ્રોડક્શન-હાઉસ પ૭ ફિલ્મ પ્રોડ્યુસ કરી ચૂક્યું હતું.
ADVERTISEMENT
સૂરજ બડજાત્યાએ પોતાની કરીઅર મહેશ ભટ્ટના અસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે શરૂ કરી અને એ પછી સ્વતંત્ર ડિરેક્ટર તરીકે પહેલી ફિલ્મ ૧૯૮૯માં ‘મૈંને પ્યાર કિયા’ બનાવી. ‘મૈંને પ્યાર કિયા’ રિલીઝ થયાનાં પાંચ વર્ષ પછી ૧૯૯૪માં તેણે સલમાન, માધુરી સ્ટારર ‘હમ આપકે હૈં કૌન’ બનાવી અને એ ફિલ્મે બૉક્સ-ઑફિસના બધા રેકૉર્ડ તોડી નાખ્યા. ‘શોલે’ના નામે જે રેકૉર્ડ હતો એ તો ખરો જ, પણ પોતે બનાવેલી ‘મૈંને પ્યાર કિયા’નો રેકૉર્ડ પણ આ ‘હમ આપકે હૈં કૌન’ ફિલ્મે તોડ્યો. એ પછી ફરી પાંચ-છ વર્ષનો ગૅપ અને ૧૯૯૮માં આવી રામાયણ આધારિત ‘હમ સાથ સાથ હૈં’, દર્શકોને એ પણ પસંદ પડી. ત્યાર પછી પહેલી વાર સ્ટારિઝમની દિશામાં સૂરજ બડજાત્યા આગળ વધ્યા અને તેમણે એ સમયના સ્ટાર ગણાતા હૃતિક રોશન, અભિષેક બચ્ચન અને કરીના કપૂરને લઈને ‘મૈં પ્રેમકી દીવાની હૂં’ બનાવી, જે સૂરજ બડજાત્યાની ફર્સ્ટ ફ્લૉપ સાબિત થઈ.
‘મૈં પ્રેમ કી દીવાની હૂં’ની નિષ્ફળતા પછી સૂરજને લાગ્યું કે તે પોતાના માર્ગથી ભટક્યા છે અને ખૂબ બધા મનોમંથન પછી સગાઈ અને લગ્ન વચ્ચેના સમયગાળાને લઈને પાતળી પણ ઇમોશનલ લવસ્ટોરી લઈને આવ્યા ‘વિવાહ’. આ ફિલ્મ એવી હિટ થઈ કે તમે કલ્પના પણ ન કરી હોય. બહેનોનાં ટોળેટોળાં ઊમટે શો ટાઇમે. ખાસ બહેનો માટે જાગરણના દિવસોમાં શો થાય. નવી-નવી સગાઈ કરી હોય તેણે આ ‘વિવાહ’ જોવી એ તો જાણે કમ્પલ્દરી થઈ ગયું હતું. છોકરી જોવા ગયેલા છોકરાને પૂછવામાં આવે કે તમે ‘વિવાહ’ જોઈ અને જો છોકરો હા પાડે તો છોકરી છોકરાના પાંચ-દસ માર્ક વધારે. શાદીને લગતાં કોઈ પણ ફંક્શન થાય એમાં ‘વિવાહ’નાં ગીતો વાગે જ વાગે. અરે, ‘વિવાહ’ જેવાં કપડાંઓની પણ ફૅશન લગ્નમાં જોવા મળવા માંડી હતી. ફિલ્મ પણ એવી જ હતી. કદાચ, આ પહેલી ફિલ્મ હશે જેણે લવસ્ટોરીમાં માત્ર એક છોકરો અને એક છોકરીના પ્રેમને જ નહીં, પણ છોકરી અને છોકરાના પરિવારના પ્રેમને પણ મહત્ત્વ આપ્યું હતું. ફિલ્મનો વિષય પણ એ જ હતો.
બે પરિવાર વચ્ચે જોડાતા સંબંધોની વાત, જે આપણે ત્યાં હંમેશાં કહેવાતું રહ્યું છે કે મૅરેજ એ બે વ્યક્તિનો નહીં, પણ બે પરિવારના સંબંધોને જોડતી વિધિ છે. ‘વિવાહ’માં લગ્ન નક્કી થાય ત્યારથી સાત ફેરા સુધીની વાત છે.
નાનકડા ટાઉનની મધ્યમવર્ગીય પરિવારમાંથી આવતી પૂનમનાં માતા-પિતા નથી, બાળપણથી તેને કાકા-કાકીએ ઉછેરીને મોટી કરી છે. આ પૂનમ ફિલ્મની લીડ ઍક્ટ્રેસ છે તો સામે પ્રેમ છે. એક વાત કહી દઉં કે રાજશ્રી પ્રોડક્શનની ફિલ્મમાં હીરોનું નામ પ્રેમ હોય એ એક વણલખ્યો નિયમ છે. ‘વિવાહ’ની વાત કરીએ. પ્રેમ દિલ્હીના સમૃદ્ધ પરિવારમાંથી આવે છે. પ્રેમ અને પૂનમનાં લગ્નની વાત ચાલે છે. બેઉ એકબીજાને પસંદ કરે છે. સગાઈ પછી લગ્ન પહેલાં સંબંધોમાં બંધાતા મનની ખુશી, બેચેની, ડર બધું ખૂબ સરસ રીતે અને સાદગીથી વણી લેવામાં આવ્યું છે.
અમૃતા રાવે એક સીધીસાદી સંસ્કારી છોકરીનું પાત્ર ખૂબ જ સરસ રીતે નિભાવ્યું છે અને આ કૅરૅક્ટર પણ અમૃતાની રિયલ લાઇફથી મળતું આવે છે, તો પ્રેમના પાત્રમાં શાહિદ કપૂરે પોતાના અભિનયમાં પહેલી વાર એક મૅચ્યોરિટી બતાવી છે. ફિલ્મના અન્ય કલાકારો જેવા કે અનુપમ ખેર, આલોક નાથ, મનોજ જોષી અને સીમા બિસ્વાસ બધાએ પોતાનાં પાત્રો સાથે પૂરતો ન્યાય આપ્યો છે.
‘વિવાહ’માં સાદગીભર્યું પરંતુ સુમધુર સંગીત છે. મ્યુઝિક રવીન્દ્ર જૈનનું છે. મ્યુઝિક વાર્તા સાથે આગળ વધે છે અને વાર્તાને પણ આગળ વધારવાનું કામ કરે છે. ફક્ત સંગીત જ નહીં, ફિલ્મનાં ગીતો, ગીતોમાં રહેલા શબ્દો પણ જાણે એક વાર્તા હોય અને વાર્તાને આગળ ધપાવવાનું કામ કરતા હોય એવા છે. પાત્રોની એકબીજા પ્રત્યેની ફીલિંગ્સ, તેમના પરિવારજનોની મનઃસ્થિતિ બધું જ ગીતોમાં વણી લેવામાં આવ્યું છે. સંગીતમાં વેસ્ટર્ન યુપી ફોકની છાંટ સાંભળવા મળે છે. ‘વિવાહ’નાં બધાં ગીતો બહુ સરસ હતાં અને હિટ હતાં. ‘મિલન અભી આધા અધૂરા હૈ’ અને ‘મુઝે હક હૈ...’ ગીતે તો લોકોના મનમાં અને દિલમાં ખાસ જગ્યા બનાવી લીધી હતી. નવી-નવી સગાઈ થઈ હોય એ છોકરા-છોકરીઓ તો આખી ઑડિયો કૅસેટમાં ‘મુઝે હક હૈ...’ એક જ ગીત રેકૉર્ડ કરીને એકબીજાને આપતાં. ૯૦ મિનિટની ઑડિયો કૅસેટ હોય એટલે ઓછામાં ઓછા ૧૭થી ૧૮ વખત એક જ ગીત વાગ્યા કરે. આ ‘મુઝે હક હૈ...’ ગીતમાં સંગીતની સાથે શબ્દો પણ રવીન્દ્ર જૈનના હતા.


