સુખ, શાંતિ અને સંતોષ વિનાની સમૃદ્ધિ સાપે છોડેલી કાંચળી જેવી હોય છે
સુખ, શાંતિ અને સંતોષ વિનાની સમૃદ્ધિ સાપે છોડેલી કાંચળી જેવી હોય છે
વિજય ભવઃ
પણ એ ક્યારે શક્ય હોય એનો વિચાર કર્યો છે ખરો? કારણ કે એક સત્ય હકીકત છે કે ક્યારેય કોઈ કામ વિજેતા બનવા માટે થતું નથી અને જો એ રીતે કામ થતું હોય તો એ કામમાં વિજેતા બનવાની અપેક્ષા રાખવી એ યોગ્ય નથી હોતી. કામને સક્ષમતા સાથે કરવું જોઈએ અને સહજ રીતે કરવું જોઈએ. પછી એ કોઈ પણ કામ હોય. તમારા પ્રોફેશન સાથે જોડાયેલું હોય તો પણ આ જ વાત લાગુ પડે, સોસાયટી સાથે જોડાયેલું હોય તો પણ આ જ વાતનો અમલ કરવાનો અને રાષ્ટ્ર સાથે જોડાયેલું હોય તો પણ આ જ વાત અસરકર્તા બને. સાથોસાથ એ વાત પણ યાદ રાખવાની કે તમે જે કરી રહ્યા છો એ જ કામ મહત્ત્વનું છે, મહત્ત્વ સિવાયનું કશું જ જીવનમાં હોતું નથી એવું સમજીને આગળ વધવું સૌકોઈ માટે હિતાવહ છે.
જ્યારે તમે તમારી જાતને શ્રેષ્ઠ ગણીને તમારા જ કામને મહત્ત્વ આપવા માંડો અને તમારા માટે બીજા દ્વારા થઈ રહેલા કામને જો ગણકારવાનું બંધ કરો ત્યારે તમે તમારા સ્તર પરથી નીચા ગબડવાનું શરૂ કરી દીધું છે એવું અચૂક ધારી લેવાનું. આજકાલ સમાજસેવા કરતા લોકો પણ પોતાના કામને જ મહાન ગણાવતા હોય છે. જુઓ, એક વાત યાદ રાખવાની કે સમાજસેવા કે પછી સોસાયટી માટે કરવામાં આવતા કોઈ પણ કામ માટે ક્યારેય કોઈએ ઇન્વિટેશન નથી આપ્યું હોતું. મહાત્મા ગાંધીને આઝાદીની ચળવળ માટે આગળ આવવા માટે કોઈએ કહ્યું નહોતું. તેમણે તેમની ઇચ્છા પ્રમાણે કર્યું તો સમાજે તેમને વધાવી લીધા. ગાંધીજીએ પોતાની વાહવાહી કરી નહોતી. જે કામ કરો છો એ કામ માટે તમારું કર્તવ્ય દેખાતું હોય તો એનું મૂલ્ય અદકેરું છે.
આજના જમાનામાં બધા જ શ્રીમંત થવા માટે દોડી રહ્યા છે. શ્રીમંત થવાને બદલે કોઈને ખુશ કરી સમૃદ્ધ થવાનું કામ વધુ ખુશી આપનારું હોય છે. તમે જે ઉપકાર કરો છો એ ભૂલીને આગળ વધતા જાઓ અને તમારા પર જે ઉપકાર થઈ રહ્યા છે એનું ઋણ ચૂકવવાની એક પણ તક જતી ન કરો. આ નીતિ તમને અંદરથી સમૃદ્ધ કરશે. સમૃદ્ધ વ્યક્તિ પાસે શ્રીમંતાઈ આપોઆપ પહોંચતી હોય છે. ધન પાછળ દોડનારા લોકો અઢળકના મનમાંથી ઊતરી જાય છે. કોઈકના મનમાં એક સારપ બનીને રહીએ એ સાચી મૂડી છે. ધન ન કમાઓ કે ધન કમાવા પ્રત્યે ઉદાસીન વલણ અપનાવો એવું કહેવાનો કોઈ આશય નથી, બસ એટલું કહેવું છે કે મનના ભોગે તો ધન નહીં જ નહીં. કારણ કે એવું ધન જ્યારે પણ કમાવાનો પ્રયાસ થયો છે ત્યારે એ ધને સુખ, શાંતિ અને સંતોષને છીનવવાની પ્રક્રિયા કરી છે અને જ્યારે પણ સુખ, શાંતિ અને સંતોષ છીનવાતો હોય છે ત્યારે સમૃદ્ધિ પણ આપોઆપ જીવનમાંથી ક્ષય પામતી હોય છે. જો સમૃદ્ધિને અકબંધ રાખવી હોય તો મનને મહત્ત્વ આપો અને એ રીતે કામ કરો, ધનને પ્રાધાન્ય ક્યારેય ન હોવું જોઈએ.

