Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > એક પગલું ખોટું ને ખોટો જ આખો દાખલો

એક પગલું ખોટું ને ખોટો જ આખો દાખલો

Published : 05 October, 2025 03:04 PM | IST | Mumbai
Hiten Anandpara

સમય એવી તેજ ગતિએ સરી રહ્યો છે કે રાતે સૂઈએ અને સવારે ઊઠીએ એ દરમ્યાન દુનિયામાં કોઈ મોટી ઊથલપાથલ થઈ ગઈ હોય. ઊથલપાથલ કરવામાં ડોનલ્ડ ટ્રમ્પનું નામ અગ્રસર રહ્યું છે. રોજ સવારે છાપું ખોલીએ એટલે ટૅરિફની તડાફડી કે વીઝાની વેદના વાંચવા મળે.

ડોનાલ્ડ ટ્રમ્પ

અર્ઝ કિયા હૈ

ડોનાલ્ડ ટ્રમ્પ


સમય એવી તેજ ગતિએ સરી રહ્યો છે કે રાતે સૂઈએ અને સવારે ઊઠીએ એ દરમ્યાન દુનિયામાં કોઈ મોટી ઊથલપાથલ થઈ ગઈ હોય. ઊથલપાથલ કરવામાં ડોનલ્ડ ટ્રમ્પનું નામ અગ્રસર રહ્યું છે. રોજ સવારે છાપું ખોલીએ એટલે ટૅરિફની તડાફડી કે વીઝાની વેદના વાંચવા મળે. અમેરિકા-ભારતની દાયકાઓ જૂની સઘન મૈત્રી દાવ પર મુકાઈ છે. ચિનુ મોદી લખે છે...

પથ્થરો પોલા નીકળશે શી ખબર?
મિત્ર સહુ બોદા નીકળશે શી ખબર?
એમની આંખો ભીંજાઈ’તી ખરી
આંસુઓ કોરાં નીકળશે શી ખબર?



રાષ્ટ્રીય દેવું ઓછું કરવા ટ્રમ્પ સરકારે ટૅરિફ પર દાવ લગાવ્યો છે. ગેરકાયદે વસાહતીઓને હાંકી કાઢવાનો નિર્ણય વાજબી છે, પણ જેઓ કાયદાકીય મર્યાદામાં કાર્યરત છે એવા લોકો પણ નાનામોટા વાંકે આડે હાથે લેવાઈ રહ્યા છે. અમેરિકામાં વસતા પ્રોફેશનલ મિત્રોની સલાહ ભારતના વડીલો સાથે શૅર કરવી છે. તેમનું સ્પષ્ટ કહેવું છે કે જ્યાં સુધી ટ્રમ્પ છે ત્યાં સુધી સંતાનોને અમેરિકા ભણવા ન મોકલો. મોકલશો તો તેમની આશા અનિશ્ચિતતા નીચે કણસતી રહેશે. નવી નોકરીઓના સર્જનમાં માતબર ઘટાડો થયો છે. ધારો કે નોકરી મળે તોય વીઝાના બદલાતા નિયમો મુશ્કેલીઓ સર્જી શકે છે. શ્યામ સાધુ કહે છે એવો અફસોસ આશ્લેષમાં લઈ શકે છે...


ગુલમ્હોર શોધનારી ઉદાસીને શી ખબર
હું પાનખરના નામથી પણ થરથર્યા કરું
આજે તો પેલા મોરના ટહુકાય ક્યાં રહ્યા
પીંછાના જેવો હું જ ફક્ત ફરફર્યા કરું

ફાર્મા સેક્ટર પર લગાવેલી ભારેખમ ટૅરિફની અસર શૅરબજાર પર પણ વર્તાઈ છે. ભારતીય દવાઓની ૪૦ ટકા નિકાસ અમેરિકા ખાતે થાય છે. કંપનીઓ હનુમાન ચાલીસા ગણીને પછી અનુમાન ચાલીસા ગણવા બેસી ગઈ છે. જો નિકાસને સજ્જડ માર લાગે તો બૅલૅન્સશીટ ઉપરાંત હજારો નોકરીઓ જોખમમાં મુકાઈ જાય. એક દૃશ્યમાન ગણતરી સાથે અદૃશ્યમાન આશંકા વર્તાઈ રહી છે. નયન દેસાઈ ખબરની રાહ જુએ છે...


આ સાંજ સાંજ હોય તો હું એનું દૃશ્ય છું
ડૂબતા સૂરજના રંગનું ઝળહળ રહસ્ય છું
રૂંવે-રૂંવે ઊગી ગઈ અવકાશની ત્વચા
આપો મને ખબર કોઈ કે હું અદૃશ્ય છું

વેપાર વૈશ્વિક થઈ ગયો હોવાથી નાનાં-મોટાં યુદ્ધોની અસર પ્રત્યેક દેશ પર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પડવાની. વિચાર કરો, ઈરાન પર મુકાયેલા પ્રતિબંધ પછી ભારતે રશિયા પાસેથી તેલ ખરીદવાની મક્કમતા ન દાખવી હોત તો આપણે ત્યાં ફુગાવો ફુગ્ગાની જેમ ફૂલી ગયો હોત. અમેરિકા સાથે ટ્રેડ-ડીલ માટેની વાટાઘાટો સતત ચાલી રહી છે. કેટલાક મુદ્દે સમાધાન થયું છે તો કેટલાક મુદ્દે રકઝક ચાલી રહી છે. સરકારને આશા છે કે આનો જલદી નિવેડો આવશે. જિતેન્દ્ર પ્રજાપતિ ખબર માટે સતર્ક જણાય છે...

આજ પણ એ ઉંબરે આવી અને પાછાં ફર્યાં
જો ફરી વેળા સ્મરણ પાછાં ફરે તો દે ખબર
આમ તો એ વાતને માની જશે; છે ખાતરી
તે છતાં પણ જો ચરણ રકઝક કરે તો દે ખબર

વિદ્યાર્થીઓને વીઝા મેળવવાની પ્રક્રિયામાં રકઝક થાય એ સમજ્યા, પણ ત્યાં ભણવા ગયા પછી પણ અનેક રકઝક તેમનો શિકાર કરવા ઊભી છે. OPT એટલે કે ઑપ્શનલ પ્રૅક્ટિકલ ટ્રેઇનિંગ પ્રણાલી હેઠળ વિદ્યાર્થી એક વર્ષ ઉપરાંત અતિરિક્ત બે વર્ષ એમ કુલ ત્રણ વર્ષ જૉબ કરી શકે છે. કરી તો શકે, પણ એ માટે જૉબ તો મળવી જોઈએને! વળી જેમની પાસે કામ કરવાની પરમિશન હોય પણ જૉબ ન મળી હોય તેમની પૂછપરછ વધી ગઈ છે. આ પૂછપરછમાં કંઈ સંતોષકારક જવાબ ન લાગે તો સરકાર ડિપૉર્ટ કરી શકે છે. સાઠથી ૮૦ લાખ રૂપિયા ખર્ચીને આપણે સંતાનને વિદેશ ભણવા મોકલીએ પછી ન કરે નારાયણ ને તેને ડિપૉર્ટ કરવામાં આવે તો પૈસા, પરસેવો, પ્રતિષ્ઠા અને પ્રયાસો - આ બધું જ પાણીમાં જતું રહે. મનસુખલાલ ઝવેરી ચેતવે છે...
જિંદગી! ન્હોતી ખબર કે માત્ર તું તો છે ગણિત!
એક પગલું ખોટું ને ખોટો જ આખો દાખલો

લાસ્ટ લાઇન

કશું કહો નહીં, મને ખબર છે
એ શ્રમ કરો નહીં, મને ખબર છે
પડ્યા છે મારામાં લાખ અવગુણ 
તમે ગણો નહીં, મને ખબર છે
જરાક સસ્તું થયું છે માખણ
સતત ઘસો નહીં, મને ખબર છે
નથી હૃદયમાં એ હોઠે લાવ્યા
વધુ બનો નહીં, મને ખબર છે
નથી તમારી તો ભૂલ એમાં
હવે રડો નહીં, મને ખબર છે
તમારી હાલત નથી બરાબર
ભલે મળો નહીં, મને ખબર છે
જવું છે એવું સતત કહો પણ
તમે જશો નહીં, મને ખબર છે

 - કિરણસિંહ ચૌહાણ

Whatsapp-channel Whatsapp-channel

05 October, 2025 03:04 PM IST | Mumbai | Hiten Anandpara

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK