બિટકૉઇનમાં ચાલુ રહેલો ઘટાડો
પ્રતીકાત્મક તસવીર
પ્રાઇવેટ ઇક્વિટી ઇન્વેસ્ટર ઑર્લેન્ડો બ્રાવોએ ક્રિપ્ટોકરન્સી ક્ષેત્ર સાથે છેડો ફાડી દેવાની જાહેરાત કરી છે. બ્રાવોએ એક સમયે ક્રિપ્ટો એક્સચેન્જ FTXને વિશ્વનું અદ્યતન એક્સચેન્જ ગણાવ્યું હતું, પરંતુ એ જ એક્સચેન્જ વર્ષ ૨૦૨૨માં નાદાર થઈ ગયું હતું અને ઑર્લેન્ડોને પ્રચંડ મોટું નુકસાન થયું હતું. હવે તેમના હાથ દાઝી ગયા છે અને કદી ક્રિપ્ટોકરન્સીને હાથ નહીં લગાડે એવું તેમણે CNBCના એક કાર્યક્રમમાં વાતચીત દરમ્યાન કહ્યું હતું. જોકે તેમણે કહ્યું હતું કે બ્લૉકચેઇન ટેક્નૉલૉજી ઘણી સંભાવનાઓ ધરાવે છે, પરંતુ રોકાણમાં ગરબડ થયા બાદ હવે એમાં પાછા ફરવામાં સાર નથી.
દરમ્યાન બિટકૉઇન સહિતના તમામ મુખ્ય કૉઇન શુક્રવારે ઘટાડાની દિશામાં આગળ વધ્યા હતા. બિટકૉઇન ૨.૯ ટકાના ઘટાડા સાથે ૫૫,૩૫૪ ડૉલર ટ્રેડ થઈ રહ્યો હતો. ઇથેરિયમ ૨.૨૬ ટકા ઘટીને ૨૩૩૫ ડૉલર ચાલી રહ્યો હતો. બાઇનૅન્સમાં ૧.૯ ટકા, સોલાનામાં ૩.૬૪ ટકા, રિપલમાં ૪.૬૫ ટકા, ડોઝકૉઇનમાં ૪.૨૫ ટકા, ટ્રોનમાં ૧.૦૬ અને કાર્ડાનોમાં ૫.૯૬ ટકા ઘટાડો નોંધાયો હતો. બિટકૉઇન ઘટીને ૫૦,૦૦૦ ડૉલરની નીચે જવા સુધીની વાતો ચાલી રહી છે.