છેલ્લા ત્રણ દિવસની તેજીમાં સેન્સેક્સ કુલ ૨૧૪૦ પૉઇન્ટ અને માર્કેટકૅપ ૮.૯૮ લાખ કરોડ વધ્યું, ગઈ કાલે શૅરઆંક એકધડાકે ૨૪૯૭ પૉઇન્ટ અને માર્કેટકૅપ ૧૨.૭૪ લાખ કરોડ ડૂલ થયું : અતનુ ચક્રવર્તીનું રાજીનામું HDFC બૅન્કમાં વિસ્ફોટનું કારણ, સમગ્ર બૅન્કિંગ ગગડ્યું
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
કી હાઇલાઇટ્સ
- અદાણીના ટેકઓવરને પગલે જેપી પાવર એ-ગ્રુપમાં ઝળકી
- IT ઇન્ડેક્સ ૭૭માંથી ૭૩ શૅરના બગાડમાં સાડાત્રણ ટકા ગગડ્યો
- સોના-ચાંદી અને ઇન્ડસ્ટ્રિયલ મેટલમાં ખરાબી
વૉર દિવસે-દિવસે વધુ જોખમી તબક્કામાં પ્રવેશી રહી છે. ઑઇલ ફીલ્ડ્સ તેમ જ LPG ફૅસિલિટીઝ હુમલાનું નવું ટાર્ગેટ બન્યાં છે. મતલબ કે આ યુદ્ધ રીજનલ વૉરને બદલે વૈશ્વિક ઑઇલ-શૉકમાં ફેરવાયું છે. ૧૦૨-૧૦૪ ડૉલર વચ્ચે રહેતું બ્રેન્ટ ક્રૂડ એકાએક ઊછળીને ૧૧૫ ડૉલર વટાવી ગયું છે. નીચા મથાળેથી થાળે પડવા મથી રહેલાં શૅરબજારો ફરીથી ગગડવા માંડ્યાં છે. ગુરુવારે તમામ અગ્રણી એશિયન શૅરબજાર ઢીલાંઢફ હતાં. જપાન ચાર ટકા નજીક કે ૨૦૬૭ પૉઇન્ટ ડૂલ થયું છે. સાઉથ કોરિયા પોણાત્રણ ટકા, હૉન્ગકૉન્ગ સવાબે ટકા, તાઇવાન બે ટકા, ચાઇના દોઢેક ટકો, થાઇલૅન્ડ સવા ટકો, સિંગાપોર પોણો ટકો ખરડાયું છે. યુરોપ પણ રનિંગમાં દોઢથી સવાબે ટકાની ખરાબી દેખાડતું હતું. ડૉલર સામે રૂપિયો ૯૩.૩૬ના નવા વરવા વર્સ્ટ લેવલે ગયો છે. બિટકૉઇન બે દિવસ પહેલાં ૭૬,૦૦૦ ડૉલર નજીક ગયો હતો એ અત્યારે ૭૦,૨૫૦ ડૉલરે આવી ગયો છે. પાકિસ્તાની શૅરબજાર નીચે ૧,૫૦,૭૨૮ બતાવી રનિંગમાં ૧૨૦૮ પૉઇન્ટ ઘટી ૧,૫૩,૦૮૪ હતું. કતર ખાતે ઈરાની અટૅકમાં વિશ્વનો લાર્જેસ્ટ LPG પ્લાન્ટ બરબાદ થતાં યુરોપિયન ગૅસના ભાવ ૭૫ ટકા વધી ગયા છે. સોનું હાજરમાં સવાબે ટકા ગગડી ૪૭૧૦ ડૉલર, તો વાયદો ૩.૭ ટકા પટકાઈને ૪૭૧૬ ડૉલર જોવા મળ્યો છે. ચાંદી આઠ ટકાના ધોવાણમાં ૭૧ ડૉલરે હતી. લંડન ધાતુબજારમાં કૉપર, ઝિન્ક તથા નિકલ વાયદા ત્રણથી સાડાત્રણ ટકા ડાઉન થયા છે.
ગઈ કાલે ચૈત્રી નવરાત્રિનો પ્રથમ દિવસ તથા ગુઢીપાડવાનો શુભ દિવસ શૅરબજાર માટે અશુભ નીવડ્યો છે. સુધારાની હૅટટ્રિક બાદ સેન્સેક્સ આગલા બંધથી ૧૯૫૩ પૉઇન્ટની ખરાબીમાં ૭૪,૭૫૧ નીચે ખૂલી છેવટે ૨૪૯૭ પૉઇન્ટના કડાકામાં ૭૪,૨૦૭, તો નિફ્ટી ૭૭૬ પૉઇન્ટની પાયમાલીમાં ૨૩,૦૦૨ ગઈ કાલે બંધ થયો છે. મતલબ કે બજાર ત્રણ દિવસની આગેકૂચમાં કુલ મળીને ૨૧૪૦ પૉઇન્ટ વધ્યું હતું. ગઈ કાલે એની સામે એક જ દિવસમાં ૨૪૯૭ પૉઇન્ટ નીકળી ગયા છે. કંગાળ ઓપનિંગ બાદ શૅરઆંક ઉપરમાં ૭૫,૩૫૪ તથા નીચામાં ૭૩,૯૫૧ થયો હતો. નિફ્ટીમાં ઇન્ટ્રા-ડેમાં ૨૨, ૯૩૦ની બૉટમ બની હતી. ભંગાર માર્કેટ-બ્રેડ્થમાં NSE ખાતે વધેલા ૫૩૨ શૅર સામે ૨૬૭૭ જાતો માઇનસ થઈ છે. માર્કેટકૅપ ૧૨.૭૪ લાખ કરોડના ધોવાણમાં ૪૨૬.૧૩ લાખ કરોડ રહ્યું છે.
ADVERTISEMENT
સેન્સેક્સ નિફ્ટીની સવાત્રણ ટકા જેવી બુરાઈ સામે રિયલ્ટી ઇન્ડેક્સ ૩.૮ ટકા, મેટલ ઇન્ડેક્સ ૩.૨ ટકા કે ૧૨૩૧ પૉઇન્ટ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઇન્ડેક્સ ૩.૪ ટકા કે ૧૯૦૩ પૉઇન્ટ, કૅપિટલ ગુડ્સ ૧૯૯૩ પૉઇન્ટ કે ૨.૯ ટકા, ઑટો ઇન્ડેક્સ ૪.૧ ટકા કે ૨૩૦૬ પૉઇન્ટ, હેલ્થકૅર ઇન્ડેક્સ ૨.૩ ટકા, ફાઇનૅન્સ બેન્ચમાર્ક ૩.૭ ટકા, FMCG ઇન્ડેક્સ ૨.૪ ટકા, ઑઇલ-ગૅસ ૨.૨ ટકા, નિફ્ટી મીડિયા ત્રણ ટકા, નિફ્ટી ડિફેન્સ ઇન્ડેક્સ ૩.૭ ટકા ધોવાયો છે. ઘણા દિવસની નબળાઈ બાદ આગલા દિવસે ૭૭માંથી ૭૧ શૅરના સથવારે પોણાત્રણ ટકા કે ૭૮૫ પૉઇન્ટ વધેલો IT ઇન્ડેક્સ ગુરુવારે સાડાત્રણ ટકા કે ૯૭૫ પૉઇન્ટ સાફ થયો છે. એના ૭૭માંથી ૭૩ શૅર ડાઉન હતા. ટેલિકૉમ બેન્ચમાર્ક પોણાત્રણ ટકા કપાયો છે. ITI સવાત્રણ ટકા વધી હતી. વોડાફોન ૫.૪ ટકા કટ થઈ છે.
ONGC સિવાય સેન્સેક્સ નિફ્ટીના તમામ શૅર લાલ થયા
ગઈ કાલે સેન્સેક્સના ૩૦માંથી ૩૦ તો નિફ્ટી ખાતે ૫૦માંથી ૪૯ શૅર લાલ થયા છે. એકમાત્ર ONGC દોઢ ટકો વધીને ૨૬૯ના બંધમાં અપવાદ હતો. નિફ્ટીમાં શ્રીરામ ફાઇનૅન્સ ૭ ટકા તૂટી ૯૫૦ નીચે બંધ આપી ટૉપ લૂઝર બની છે. સેન્સેક્સમાં એટર્નલ ૫.૭ ટકા ગગડી ૨૨૯ નજીક હતી. બજાજ ફાઇનૅન્સ ૫.૪ ટકા ખરડાઈ ૯૩૨ હતી. નિફ્ટી ખાતે એ ૮૨૭ નીચે વર્ષની બૉટમ બનાવી ૮૩૨ બંધ થઈ છે. મહિન્દ્ર સવાપાંચ ટકા, મારુતિ સાડાત્રણ ટકા, આઇશર સવાત્રણ ટકા, તાતા મોટર્સ પૅસેન્જર પોણાપાંચ ટકા ગગડીને ૩૪૩૫ બંધમાં બજારને ૧૬૮ પૉઇન્ટ નડી છે. ઇન્ફોસિસ ૩.૭ ટકા તૂટી ૧૨૨૦ બંધ થતાં માર્કેટકૅપ ૪.૯૫ લાખ કરોડ થયું છે. TCS ૨૩૫૦ની નવી મલ્ટીયર બૉટમ બતાવી સાડાત્રણ ટકા તૂટીને ૨૩૫૬, HCL ટેકક્નો ૩.૪ ટકા ખરડાઈ ૧૩૧૧, ટેક મહિન્દ્ર ૩.૪ ટકા ગગડી ૧૩૪૦, વિપ્રો ૧૮૭ની નવી મલ્ટીયર નીચી સપાટી નોંધાવી ત્રણ ટકાની ખરાબીમાં ૧૮૮ તો લાટિમ ૨.૩ ટકા બગડી ૪૨૦૨ રહી છે. તાતાની ટ્રેન્ટ સવાચાર ટકા કે ૧૫૭ રૂપિયાની નબળાઈમાં ૩૪૮૧ હતી. NSE ખાતે તાતા ગ્રુપનો ઇન્ડેક્સ ૧૦માંથી ૧૦ શૅરની ખરાબીમાં ૩.૧ ટકા તૂટ્યો છે. TCS ઉપરાંત તાતા ગ્રુપની TRF લિમિટેડ, તાતા ઍલેક્સી, તાતા કેમિકલ્સમાં નવી બૉટમ બની છે.
ડિફેન્સ કંપની ભારત ઇલેક્ટ્રિક અઢી ટકાની વધુ નરમાઈમાં ૪૩૦ થઈ છે. નિફ્ટી ડિફેન્સ ઇન્ડેક્સ ૧૮માંથી ૧૭ શૅરના ઘટાડે પોણાચાર ટકા લથડ્યો છે. ભારત ડાયનૅમિક્સ ૪.૯ ટકા, માઝગાવ ડૉક પોણાચાર ટકા, કોચીન શિપયાર્ડ સવાત્રણ ટકા, ગાર્ડનરિચ ચાર ટકા, મિશ્ર ધાતુ નિગમ ૩.૯ ટકા, તનેજા ઍરોસ્પેસ ૫.૧ ટકા તૂટી છે. માર્કેટ લીડર રિલાયન્સ દોઢા કામકાજે દોઢ ટકાથી વધુ ઘટાડે ૧૩૮૫ રહી છે. જિયો ફાઇનૅન્સ સાડાત્રણ ટકા ગગડી ૨૩૯ હતી. અદાણી ગ્રુપ દ્વારા જેપી અસોસિએટ્સના ટેકઓવરને પગલે જેપી પાવર ૧૧.૭ ટકાના ઉછાળે ૧૬.૭૫ બંધ આપી એ-ગ્રુપમાં ઝળકી છે. અદાણી ટોટલ ૭.૭ ટકાના જમ્પમાં ૫૫૫ હતી. અદાણી એન્ટરપ્રાઇઝિસ ૩.૫ ટકા, અદાણી પોર્ટ્સ સવાત્રણ ટકા, અદાણી પાવર બે ટકા, અદાણી એનર્જી ચાર ટકા, ACC સવાત્રણ ટકા, અંબુજા સિમેન્ટ્સ પોણાપાંચ ટકા, NDTV ત્રણ ટકા ડાઉન થઈ છે.
HDFC બૅન્કમાં બુરાઈ પાછળ સમગ્ર બૅન્કિંગ ક્ષેત્રમાં માનસ ખરડાયું
HDFC બૅન્કના પાર્ટટાઇમ ચૅરમૅન તથા ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર અતનુ ચક્રવર્તીએ અણધાર્યું રાજીનામું આપ્યું છે, જે HDFC બૅન્ક માટે એક પ્રકારનો વિસ્ફોટ પુરવાર થયું છે. કેમ કે ચક્રવર્તીએ જણાવ્યું છે કે છેલ્લાં બે વર્ષથી અમુક વસ્તુઓ બૅન્કમાં એવી બની રહી છે જે સારા નૈતિકતાના ધોરણને અનુરૂપ નથી. માટે હું રાજીનામું આપું છું. HDFC બૅન્ક તરફથી બુધવારની મોડી રાત્રે આ રાજીનામા વિશે શૅરબજારોને જાણ કરતી નોટિસ જાહેર કરવામાં આવી હતી. ચક્રવર્તીના સ્થાને કામચલાઉ ધોરણે કેકી મિસ્ત્રીની નિમણૂક થઈ છે. ચક્રવર્તીના રાજીનામાને પગલે અમેરિકન બજારમાં HDFC બૅન્કનો ADR ૨૬.૪૨ ડૉલરની બે વર્ષની નીચી સપાટીએ જઈ સવાસાત ટકા તૂટી ૨૬.૬૨ ડૉલર બંધ થયો એની સાથે જ ગુરુવારે આ શૅરમાં ધબડકો નક્કી થઈ ગયો હતો. એ પ્રમાણે શૅર ૭૭૨ની પોણાબે વર્ષની બૉટમ બતાવી ૫.૧ ટકા ખરડાઈ ૮૦૦ નીચે બંધ થયો છે. એને લીધે બજારને ૫૫૭ પૉઇન્ટનો માર પડ્યો છે. વૉલ્યુમ પાંચ ગણું હતું.
HDFCની પાછળ ICICI બૅન્કનો ADR પણ ૨૬.૫૦ ડૉલરની પોણાબે વર્ષની બૉટમ બનાવી સવાત્રણ ટકા ગગડી ૨૬.૫૫ ડૉલર બંધ હતો. ICICI બૅન્ક ગઈ કાલે નીચામાં ૧૨૪૪ થઈ ત્રણ ટકા ગગડીને ૧૨૫૧ હતી. બજારને એને લીધે ૨૩૭ પૉઇન્ટની હાનિ થઈ છે. બૅન્ક નિફ્ટી ૧૪માંથી ૧૪ શૅરના બગાડમાં ૩.૪ ટકા કે ૧૮૭૫ પૉઇન્ટ ધોવાયો છે. ઍક્સિસ બૅન્ક ૩.૭ ટકા કે ૧૮૭૫ પૉઇન્ટ ધોવાયો છે. ઍક્સિસ બૅન્ક ૩.૭ ટકા ઘટી ૧૨૦૬ હતી. કોટક મહિન્દ્ર બૅન્ક ૩૬૩ની ૧૪ મહિનાની નીચી સપાટી બતાવી બે ટકા ઘટી ૩૬૮ રહી છે. સ્ટેટ બૅન્ક ૧.૯ ટકા ઘટી ૧૦૪૯ હતી. PSU બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૧૨ શૅરની ખરાબીમાં ત્રણેક ટકા ડૂલ થયો છે. બૅન્કિંગના ૪૧માંથી ૪૦ શૅર ઘટ્યા હતા. IDBI સાડાછ ટકા, ઉજ્જીવન સ્મૉલ બૅન્ક સવાપાંચ ટકા, CSB બૅન્ક પાંચ ટકા, DCB બૅન્ક પાંચ ટકા, કરુર વૈશ્ય ૪.૬ ટકા, સેન્ટ્રલ બૅન્ક તથા બૅન્ક ઑફ ઇન્ડિયા ૪.૫ ટકા ઘટી છે.
રાજપૂતાનાનું નબળુ લિસ્ટિંગ, ઇનોવિઝન ૮૫ના ડિસ્કાઉન્ટમાં
ગુજરાતના હાલોલની રાજપૂતાના સ્ટેનલૅબ ૧૦ના શૅરદીઠ ૧૨૨ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રેમાર્કેટમાં બેથી શરૂ થઈ છેલ્લે બોલાતા ૩ના પ્રીમિયમ સામે ગઈ કાલે ૧૨૪ ખૂલી ઉપરમાં ૧૨૪ અને નીચામાં ૧૧૧ થઈ ૧૧૩ બંધ થતાં ૭.૫ ટકા લિસ્ટિંગલૉસ મળી છે. નવી દિલ્હીની ઇનોવિઝન લિમિટેડનો ૧૦ના શૅરદીઠ ૫૧૯ની ઇશ્યુ પ્રાઇસવાળો IPO આજે શુક્રવારે લિસ્ટેડ થશે. ગ્રેમાર્કેટમાં ડિસ્કાઉન્ટ વધીને ૮૫ થયા બાદ હાલમાં પણ ૮૫ ચાલે છે. SME કંપની નોવાસ લૉયલ્ટીનો ૧૦ના શૅરદીઠ ૧૪૬ના ભાવનો ૬૦૧૫ લાખ રૂપિયાનો BSE SME IPO બીજા દિવસના અંતે કુલ એક ગણો ભરાયો છે. પ્રીમિયમ પહેલેથી નથી. આગલા દિવસે ૪૬ ટકાના લિસ્ટિંગ ગેઇન સાથે ઉપલી સર્કિટમાં ૧૬૦ ઉપર બંધ રહેલી એપ્સિસ ઍરોકેમ ગઈ કાલે એક વધુ ઉપલી સર્કિટે ૧૬૯ નજીક જઈ પાંચ ટકા વધીને ત્યાં જ રહી છે. મેટ્રોપોલિસ હેલ્થકૅર એક શૅરદીઠ ત્રણના બોનસમાં શુક્રવારે બોનસ બાદ થવાની છે. ભાવ ગઈ કાલે ઉપરમાં ૧૮૫૫ થઈ ૨.૨ ટકા ઘટી ૧૮૨૫ બંધ હતો. મહારાષ્ટ્ર ઍપેક્સ કૉર્પોરેશન એક શૅરદીઠ એકના પ્રમાણમાં ૧૦ના શૅરદીઠ ભાવોભાવ રાઇટ ઇશ્યુમાં એક્સ-રાઇટની પૂર્વસંધ્યાએ ઉપરમાં ૧૩૮ બતાવી ૬.૪ ટકા ગગડી ૧૨૫ હતી. NSE એનો મેગા ઇશ્યુ લાવવા સક્રિય બની છે. અનલિસ્ટેડ માર્કેટમાં NSEનો શૅર હાલ ૧૯૫૫ ચાલે છે. બે સપ્તાહ પૂર્વે ભાવ ૨૦૬૫ હતો. BSE લિમિટેડ ગઈ કાલે ઉપરમાં ૨૯૯૫ થઈ ૩.૪ ટકા તૂટી ૨૮૯૫ રહી છે. MCX ૨.૮ ટકાના ઘટાડે ૨૫૨૯ હતી. NSDL નીચામાં ૮૭૪ થઈ બે ટકાના ઘટાડામાં ૮૭૯ બંધ આવી છે.
સેન્ટ્રલ માઇન પ્લાનિંગનો ૧૮૪૨ કરોડનો OFS ઇશ્યુ આજે
આજે શુક્રવારે બે નવાં ભરણાં ખૂલવાનાં છે. સરકારી કંપની સેન્ટ્રલ માઇન પ્લાનિંગ ઍન્ડ ડિઝાઇનિંગ ઇન્સ્ટિટ્યૂટ બે રૂપિયાના શૅરદીઠ ૧૭૨ની અપરબૅન્ડમાં ૧૮૪૨ કરોડનો પ્યૉર ઑફર ફૉર સેલ ઇશ્યુ મેઇનબોર્ડમાં કરવાની છે. ઇશ્યુ બાદ કંપનીમાં કોલ ઇન્ડિયાનો હિસ્સો ૧૦૦ ટકાથી ઘટી ૮૫ ટકા થશે. ૧૯૭૪માં સ્થપાયેલી આ કંપની કોલસા તેમ જ ખનીજોના માઇનિંગ તેમ જ એક્સ્પ્લોરેશન સંબંધે જરૂરી તમામ કન્સલ્ટન્સી તથા સપોર્ટ સર્વિસિસ પૂરાં પાડે છે. સંબંધિત બિઝનેસમાં ૬૧ ટકાના બજારહિસ્સા સાથે એ માર્કેટલીડર છે. કંપનીએ ગયા વર્ષે ૨૩ ટકાના વધારામાં ૨૧૭૭ કરોડની આવક પર ૩૨ ટકા વૃદ્ધિદરથી ૬૬૭ કરોડ નેટ નફો કર્યો છે. ચાલુ વર્ષે પ્રથમ ૯ મહિનામાં આવક ૧૫૪૪ કરોડ અને નફો ૪૨૫ કરોડ થયો છે. દેવું ૨૦૧૧ કરોડ છે. કોલ ઇન્ડિયાના શૅરધારક માટે અલગ ક્વોટા ઇશ્યુમાં રખાયો છે. કર્મચારીઓ માટે શૅરદીઠ આઠનું ડિસ્કાઉન્ટ છે. ઇશ્યુ બાદ હાલની ૧૪,૨૮૦ લાખ રૂપિયાની ઇક્વિટી યથાવત્ રહેવાની છે. ગયા વર્ષની કમાણી પ્રમાણે ઇશ્યુ પ્રાઇસ ૧૮.૪નો તથા ચાલુ વર્ષના ૯ મહિનાની અર્નિંગ પ્રમાણે ૨૧.૭નો PE સૂચવે છે. ગ્રેમાર્કેટમાં ૨૪થી શરૂ થયેલું પ્રીમિયમ ઘટતું રહીને નીચામાં ૪ થયા બાદ હાલમાં રેટ ૪ ચાલે છે.
અમદાવાદની સ્પેશ્યલિટી મેડિસિન્સ ૧૦ના શૅરદીઠ ૧૨૪ની અપરબૅન્ડમાં કુલ ૨૯ કરોડનો BSE SME ઇશ્યુ આજે કરશે. કંપની વિવિધ પ્રકારના ફિનિશ્ડ સ્પેશ્યલિટી ફૉર્મ્યુલેશન્સ એટલે કે દવાઓનું ડિસ્ટ્રિબ્યુશન તથા વેચાણ કરે છે. ભરણામાં QIB પોર્શન બે ટકા છે. બે કરોડના શૅર માર્કેટ મેકર માટે છે. ૨૦૨૧માં સ્થપાયેલી આ કંપનીએ ગયા વર્ષે ૧૧૧ ટકાના વધારામાં ૫૮૫૪ લાખની આવક પર ૧૯૪ ટકાના વૃદ્ધિદરથી ૮૬૧ લાખ નફો બતાવી દીધો છે. ચાલુ વર્ષના ૭ મહિનામાં આવક ૩૬૯૩ લાખ તથા નેટ નફો ૬૦૬ લાખ થયો છે. દેવું ૪૮૧ લાખ છે. ઇશ્યુ બાદ ઇક્વિટી વધી ૮૭૯ લાખ થશે. પ્રમોટર્સની શૅરદીઠ પડતર બહુધા ચાર રૂપિયા આસપાસ છે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ નથી.
