નોસિલમાં વિસ્તરણ યોજનાનો કરન્ટ, શૅર ૭ ટકા વધીને બંધ : ચેન્નઈ પેટ્રો મજબૂતી સાથે ફરી ચાર આંકડે
પ્રતીકાત્મક તસવીર
મેટલ, ઑટો તથા ડિફેન્સ શૅર ડિમાન્ડમાં, આઇડિયા ફોર્જ ટેક્નૉલૉજી વૉલ્યુમ સાથે ૧૧.૬ ટકાની તેજીમાં : સારા બજારમાં પણ IT સતત નબળાઈ સાથે નવા મલ્ટિયર તળિયે : શૈલી એન્જિનિયરિંગ, MOIL, ગોકુલ ઍગ્રો, ઑઇલ કન્ટ્રી, ડી. એચ. ઇન્ડિયામાં ૨૦-૨૦ ટકાની તેજીની સર્કિટ લાગી : ઑટો શૅરોમાં ઑલરાઉન્ડ તેજીમાં ઓલા ઇલેક્ટ્રિક ૩ ટકા ડાઉન : નોસિલમાં વિસ્તરણ યોજનાનો કરન્ટ, શૅર ૭ ટકા વધીને બંધ : ચેન્નઈ પેટ્રો મજબૂતી સાથે ફરી ચાર આંકડે
અવિરત હવાઈ હુમલામાં ઈરાનને પારાવાર નુકસાન કર્યું હોવાના અમેરિકા-ઇઝરાયલના એકધારા દાવા વચ્ચે ઈરાન દિવસે-દિવસે વધુ આક્રમક બનવા માંડ્યું છે. ખાસ કરીને એનર્જી સપ્લાય ઉપર અટૅક ચાલુ રાખીને તેણે અમેરિકાની ઊંઘ હરામ કરી નાખી છે. અમેરિકાની હાલત દિવસે-દિવસે કફોડી બની રહી છે. રહી-સહી આબરૂ કેમ બચાવવી એની વિમાસણ વધી ગઈ છે. બ્રેન્ટક્રૂડ ઉપર ૧૦૫ ડૉલર થઈ અઢી ટકા વધીને ૧૦૩ ડૉલર નજીક ચાલી રહ્યું છે. મોટા ભાગનાં અગ્રણી એશિયન શૅરબજાર મંગળવારે વધ્યાં છે. ચાઇના પોણો ટકો તથા જપાન સાધારણ ઢીલું હતું. થાઇલૅન્ડ બે ટકા, તાઇવાન દોઢ ટકા, સિંગાપોર ૧.૪ ટકા, ઇન્ડોનેશિયા સવા ટકો, સાઉથ કોરિયા દોઢ ટકાથી વધુ તો હૉન્ગકૉન્ગ સાધારણ પ્લસ હતું. યુરોપ પણ રનિંગમાં અડધા ટકા આસપાસનો સુધારો દર્શાવતું હતું. આગલા દિવસના ધબડકા બાદ કરાચી શૅરબજાર રનિંગમાં ૮૭૪ પૉઇન્ટ સુધરી ૧,૫૦,૦૫૩ ચાલતું હતું. ડૉલર સામે રૂપિયો ૯૨.૪૦૪૧ આસપાસ જોવાયો છે. બિટકૉઇન ઉપરમાં ૭૬,૦૦૦ ડૉલર નજીક ગયા બાદ રનિંગમાં પોણો ટકો ઘટીને ૭૪,૨૪૮ ડૉલર દેખાયો છે. એક અહેવાલ પ્રમાણે અમેરિકા ઈરાન વચ્ચેના વૉરને પગલે દેશની લગભગ ૮૦૦ જેટલી નાની મધ્યમ કદની કંપનીઓ તરફથી યુનાઇટેડ આરબ એમિરેટ્સ ખાતે કરવામાં આવેલું ૧૩૦ કરોડ ડૉલર કે ૧૨,૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ મોટા જોખમમાં આવી પડ્યું છે.
ADVERTISEMENT
સેન્સેક્સ આગલા દિવસના સુધારાને આગળ ધપાવતાં આગલા બંધથી ૩૨૪ પૉઇન્ટ પ્લસ, ૭૫,૮૨૭ નજીક ખૂલી છેવટે ૫૬૮ પૉઇન્ટની આગેકૂચમાં ૭૬,૦૭૧ તો નિફ્ટી ૧૭૨ પૉઇન્ટ વધી ૨૩,૫૮૧ બંધ થયો છે. બજાર દિવસ દરમ્યાન નીચામાં ૭૫,૩૨૫ અને ઉપરમાં ૭૬,૩૦૪ થયું હતું. માર્કેટ બ્રેડ્થ સારી એવી પૉઝિટિવ રહી છે એ ખાસ જમા પાસું હતું. NSEમાં વધેલા ૧૯૩૪ શૅર સામે ૧૨૯૯ જાતો નરમ હતી. માર્કેટકૅપ ૩.૦૩ લાખ કરોડ વધીને ૪૩૩.૩૦ લાખ કરોડ રૂપિયા થયું છે. સેન્સેક્સ નિફ્ટીના પોણા ટકાના સુધારા સામે મેટલ ઇન્ડેક્સ ૧૦૫૦ પૉઇન્ટ કે ૨.૮ ટકા, રિયલ્ટી ૧.૮ ટકા, ઑટો બેન્ચમાર્ક બે ટકા કે ૧૧૧૬ પૉઇન્ટ, કૅપિટલ ગુડ્સ દોઢ ટકા નજીક, ટેલિકૉમ સવા ટકો, બૅન્ક નિફ્ટી ૪૬૨ પૉઇન્ટ કે ૦.૯ ટકા મજબૂત થયો છે. IT ઇન્ડેક્સ ૦.૪ ટકા તો નિફ્ટી FMCG પોણો ટકો નરમ હતો.
શૈલી એન્જિનિયરિંગ પ્લાસ્ટિકસ દોઢા વૉલ્યુમે ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં ૩૮૩ રૂપિયાની તેજીમાં ૨૨૯૮ નજીક બંધ આપી એ-ગ્રુપમાં મોખરે રહી છે. સરકારી કંપની MOIL બાવીસગણા કામકાજે ૨૦ ટકાની તેજીની સર્કિટમાં ૨૯૮ બતાવી ત્યાં જ બંધ આવી છે. વેબસોલ એનર્જી સાડાતેર ટકા તો રેમન્ડ લાઇફ સ્ટાઇલે સવાદસ ટકાનો જમ્પ માર્યો હતો. ગોકુલ ઍગ્રો રિસોર્સિસ, ડીસીએમ શ્રીરામ ઇન્ટરનૅશનલ, ઑઇલ કન્ટ્રી ટ્યુબલર તથા ડીએચ ઇન્ડિયા જેવી રોકડાની જાતોમાંય ૨૦-૨૦ ટકાની તેજી થઈ છે. એન. કે. ઇન્ડસ્ટ્રીઝ ૧૯.૭ ટકા ઊછળીને ૭૨ નજીક ગઈ છે. એલાઇડ બ્લૅન્ડર્સ સવાપાંચ ટકા, બજાજ ઇલેક્ટ્રિકલ્સ ૫.૧ ટકા, સ્ટાયરેનિકસ પર્ફોર્મન્સ પોણાપાંચ ટકા અને પૂનાવાલા ફિન કૉર્પ સવાચાર ટકા બગડી એ-ગ્રુપમાં ટૉપ લૂઝરમાં મોખરે રહી છે. આગલા દિવસે ઊછળેલી MRPL ગઈ કાલે સવાત્રણ ટકા ડાઉન હતી, પણ ચેન્નઈ પેટ્રો વધુ પોણાઆઠ ટકાની તેજીમાં ૧૦૬૫ બંધ હતી.
રાજપૂતાના સ્ટેનલેસનું લિસ્ટિંગ હવે ૧૯મીએ થવાની સંભાવના
ગુજરાતના હાલોલની રાજપૂતાના સ્ટેનલેસનું લિસ્ટિંગ વિલંબમાં પડ્યું છે. છેલ્લા અહેવાલ પ્રમાણે લિસ્ટિંગ ૧૯મીએ થવાની શક્યતા છે. કંપની ૧૦ના શૅરદીઠ ૧૨૨ની અપરબૅન્ડમાં ૭૬ કરોડની ઑફર ફૉર સેલ સહિત કુલ ૨૫૫ કરોડનો ઇશ્યુ લઈ ૯ માર્ચે મૂડી બજારમાં આવી હતી. ભરણું ૧૧મીએ પૂરું થયું ત્યારે એને રીટેલમાં ૨૭ ટકા સહિત કુલ ૧.૧ ગણો પ્રતિસાદ મળ્યો હતો. ઇશ્યુ બંધ થયા પછી ભરણામાં ઍન્કર ઇન્વેસ્ટર્સ વિધડ્રૉઅલ કર્યું હોવાની માહિતીના પગલે SEBI હરકતમાં આવી હતી અને ૧૨થી ૧૬ માર્ચના ત્રણ દિવસ માટે અન્ય ઇન્વેસ્ટર્સને પણ ઇશ્યુમાંથી અરજી પાછી ખેંચવાનો વિકલ્પ આપવા આદેશ કર્યો હતો. આના કારણે લિસ્ટિંગ ઘોંચમાં પડ્યું છે. વિધડ્રૉઅલના ઑપ્શનની મુદત પૂરી થયા બાદ મંગળવારે છેલ્લી સ્થિતિ પ્રમાણે ઇશ્યુને રીટેલમાં ૨૭ ટકા સહિત કુલ ૧.૧ ગણો પ્રતિસાદ મળ્યો છે. કુલ ૧૬૧૭ ઍપ્લિકેશન મારફત થયેલી ૩.૫૫ લાખ શૅરની બીડ વિધડ્રૉ થઈ છે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ બે રૂપિયા ચાલે છે.
અમદાવાદી GSP ક્રૉપ સાયન્સિસનો ૧૦ના શૅરદીઠ ૩૨૦ની અપરબૅન્ડ સાથે કુલ ૪૦૦ કરોડનો ઇશ્યુ બીજા દિવસના અંતે કુલ એક ગણો ભરાયો છે. પ્રીમિયમ બોલાતું નથી. નવી દિલ્હીની ઇનોવિઝનો ૧૦ના શૅરદીઠ ૫૧૯ની અપરબૅન્ડ સાથે કુલ ૩૧૯ કરોડનો ઇશ્યુ ગઈ કાલે વધારેલી મુદતના છેલ્લા દિવસે રીટેલમાં ૬૦ ટકા, HNIમાં ૮.૬ ગણો અને QIB ૧૪.૩ ગણો એમ કુલ ૩.૫ ગણો ભરાઈ પૂરો થયો છે. ઇશ્યુમાં રીટેલ પોર્શન ૬૫ ટકા, HNI પોર્શન ૩૫ ટકા તથા QIB પોર્શન ફક્ત એક ટકો હતો. પ્રીમિયમ ૧ રૂપિયો બોલાય છે. નોવસ લૉયલ્ટીનો ૧૦ના શૅરદીઠ ૧૪૬ના ભાવનો ૬૦૧૫ લાખનો BSE SME ઇશ્યુ પ્રથમ દિવસે રીટેલમાં ૯૩ ટકા સહિત કુલ ૭૮ ટકા ભરાયો છે. પ્રીમિયમ નથી.
સવાપાંચ વર્ષના તળિયા સાથે ઇન્ફીનું માર્કેટકૅપ પાંચ લાખ કરોડની અંદર
ITમાં વન-વે ટ્રેન્ડ છે. ઇન્ડેક્સ સતત નવી મલ્ટિયર બૉટમ બનાવતો જાય છે. ગઈ કાલે IT બેન્ચમાર્ક ૨૭,૪૨૮ની ૩૪ મહિનાની નવી નીચી સપાટી નોંધાવી ૦.૯ ટકા કે ૨૪૫ પૉઇન્ટ ઘટીને ૨૭,૮૪૧ રહ્યો છે. અત્રે ૭૭માંથી ૪૮ શૅર નરમ હતા. નિફ્ટી IT ૧૦માંથી ૯ શૅરના ઘટાડે એક ટકો ડાઉન થયો છે. ફ્રન્ટલાઇનમાં ઇન્ફોસિસ ૧૨૧૫ની સવાપાંચ વર્ષની બૉટમ દેખાડી ૧.૪ ટકા ગગડી ૧૨૩૨ બંધ થતાં માર્કેટકૅપ પાંચ લાખ કરોડની અંદર ગયું છે. TCS ૨૩૬૦ની સાડાપાંચ વર્ષની નવી બૉટમ બતાવી ૦.૭ ટકા ઘટીને ૨૩૯૧ હતો. વિપ્રો ૧૮૮નું ૨૮ મહિનાનું તળિયું બનાવી ૧.૯ ટકા ઘટીને ૧૯૧ હતો. HCL ટેક્નો અડધો ટકો ઘટી ૧૩૨૧, ટેક મહિન્દ્ર ૦.૩ ટકા વધી ૧૩૪૨ તો લાટિમ અડધો ટકો ઘટીને ૪૨૦૦ બંધ રહ્યો છે. સાઇડ શૅરમાં કોફૉર્જ, CMS ઇન્ફો સિસ્ટમ, ડિજિટાઇડ સૉલ્યુશન્સ, HCL ઇન્ફોસિસ્ટમ્સ, KPIT ટેક્નૉલૉજી, માસ્ટેક, ઇન્ફોએજ, ન્યુજેન સૉફ્ટવેર, ઓરેકલ, સાગર સૉફ્ટ, સાક સૉફ્ટ, સોનાટા સૉફ્ટવેર, તાતા એલેક્સી, તાતા ટેક્નૉલૉજી સહિત અનેક જાતોમાં નવી ઐતિહાસિક નીચી સપાટી બની છે. અમદાવાદી સિલ્વર ટચ ટેક્નૉલૉજીઝ ૬ માર્ચથી સતત નરમાઈમાં રહી ગઈ કાલે સાધારણ બગડી ૧૦૫ થયો છે. જેનેસિસ ૩.૯ ટકા, તાતા એલેક્સી ૨.૩ ટકા કે ૯૬ રૂપિયા, પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ અઢી ટકા, હેક્સાવેર ૧.૮ ટકા, આઇરિસ અઢી ટકા બગડી હતી. નેટવર્ક પીપલ સર્વિસિસ ૫.૮ ટકા ઊંચકાઈ ૯૩૦ થઈ છે. એલાઇડ ડિજિટલ ૪.૨ ટકા, કન્ટ્રોલ પ્રિન્ટ ૪.૬ ટકા, બિરલા સૉફ્ટ ૩ ટકા, સાસ્કેન સવા ટકો પ્લસ હતી.
ટેલિકૉમ બેન્ચમાર્ક ૧૮માંથી ૮ શૅરની હૂંફમાં સવા ટકા વધ્યો છે. ITI ૦.૩ ટકાની નરમાઈમાં ૨૭૫ થઈ છે. ભારતી ઍરટેલ ૨.૧ ટકા તો ભારતી હેક્સાકૉમ ૪ ટકા મજબૂત બની છે. ઇન્ડ્સટાયર ૨.૨ ટકા વધીને ૪૩૬ હતી. તાતા કૉમ્યુ. ૧.૮ ટકા પ્લસ હતી. સામે સ્ટરલાઇટ ટેક્નો ૩.૯ ટકા, MTNL દોઢ ટકા, તેજસ નેટ પોણો ટકો, રાઉટ મોબાઇલ દોઢ ટકા, વોડાફોન દોઢ ટકા બગડી છે.
પાકિસ્તાન-અફઘાનિસ્તાન વચ્ચેનો તનાવ ડિફેન્સ શૅરોને ફળ્યો
થાણેમાં વાગલે એસ્ટેટ ખાતેની ફાઇવ પૈસા કૅપિટલ બે શૅરદીઠ એકના પ્રમાણમાં ૧૦ના શૅરદીઠ ૩૦૦ના ભાવે રાઇટ ઇશ્યુમાં એક્સરાઇટ થતાં BSE ખાતે ઉપરમાં ૨૯૯ અને નીચામાં ૨૮૯ થઈ અડધો ટકો ઘટીને ૨૯૦ બંધ થયો છે. મહારાષ્ટ્ર ઍપેક્સ કૉર્પોરેશન શૅરદીઠ એકના પ્રમાણમાં ૧૦ના શૅરદીઠ ૧૦ના ભાવે શુક્રવારે એક્સ રાઇટ થવાની છે. ભાવ ઉપરમાં ૧૨૦ થઈ સવા ટકો ઘટીને ૧૧૭ હતો. મેટ્રોપૉલિશ હેલ્થકૅર પણ શુક્રવારે શૅરદીઠ ત્રણ બોનસમાં બોનસ બાદ થશે. ભાર ગઈ કાલે ઉપરમાં ૧૮૬૦ બતાવી એક ટકો વધીને ત્યાં જ હતો. નોસિલ તરફથી ૧૩૦ કરોડના ખર્ચે દહેજ પ્લાન્ટ ખાતે વિસ્તરણ યોજના હાથ ધરવા નક્કી થયું છે. શૅર ઉપરમાં ૧૪૭ થઈ ૭ ટકા ઊછળીને ૧૪૬ હતો.
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે વિગ્રહ વધ્યો છે. પાકિસ્તાને કરેલા હવાઈ હુમલામાં કાબુલ ખાતેની હૉસ્પિટલમાં ૪૦૦ મૌત થયાં હોવાનો અહેવાલ છે. હાલ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે સારી યારી-દોસ્તી છે. તાલિબાનો વળતો પ્રહાર કરશે. આ બન્ને દેશો વચ્ચેના તનાવથી ભારતીય ડિફેન્સ કંપનીઓ લાભમાં રહેવાની થીમ ચાલી છે. એની અસરમાં નિફ્ટી ડિફેન્સ ઇન્ડેક્સ ૪ દિવસની ખરાબી બાદ ગઈ કાલે ૧૮માંથી ૧૫ શૅરના વધારામાં ૧.૯ ટકા બાઉન્સબૅક થયો છે. ડ્રોન ઉત્પાદક આઇડિયા ફોર્જ દોઢા કામકાજે ઉપરમાં ૪૬૦ થઈ ૧૧.૬ ટકા ઊછળીને ૪૩૮ બંધ થયો છે. ડેટા પૅટર્નસ ૩૩૨૯ થઈ ૬.૭ ટકાના જમ્પમાં ૩૩૦૦ હતી. એક્સિસકેડ્સ ટેક્નો પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૧૩૮૭ વટાવી ત્યાં જ રહી છે. તો સિગ્મા ઍડ્વાન્સ્ડ સિસ્ટમ્સ પાંચ ટકાની તેજીની સર્કિટ મારી ૧૫૩ નજીક જઈ ત્યાં જ બંધ હતી. એમટાર ટેક્નો ઉપરમાં ૩૬૪૭ બતાવી ૫.૨ ટકા ઊંચકાઈ ૩૬૨૩ થયો છે. સિએન્ટ ડીએલએમ અડધો ટકો ઘટીને ૨૯૮ હતી. અપોલો માઇક્રો ૧.૧ ટકા, મિશ્રધાતુ નિગમ ૪.૬ ટકા, રસેલ ટેક્સિસ અઢી ટકા વધીને આવી છે.
ગૅસની રામાયણ વચ્ચે પણ એટર્નલ વૉલ્યુમ સાથે તેજીમાં
ઝોમાટોફેમ એટર્નલ મહિનામાં સાડાસોળ ટકાની ખરાબી બાદ ગઈ કાલે ૭ ગણા વૉલ્યુમે ૨૩૬ની ઇન્ટ્રા-ડે હાઈ બનાવી પોણાછ ટકા ઊછળીને ૨૩૫ બંધમાં બન્ને બજારમાં ટૉપ ગેઇનર બન્યો છે. બજારને ૭૪ પૉઇન્ટ લાભ થયો છે. ગૅસના રમખાણને લઈને હોટેલ રેસ્ટોરાંનો ધંધો ભારે તકલીફમાં છે. મેન્યુ પ્રાઇસ વધવા માંડી છે. આ સંજોગોમાં એટર્નલનો શૅર એકાએક વૉલ્યુમ સાથે આટલો વધે એ નવાઈ છે. એની હરીફ સ્વિગી ૨૯૬ વટાવીને ત્રણેક ટકા વધી ૨૯૨ હતી. તાતા સ્ટીલ ૪.૪ ટકા, JSW સ્ટીલ પોણાબે ટકા અને હિન્દાલ્કો ૧.૭ ટકા પ્લસ હતી. મેટલ ઇન્ડેક્સ ૧૩માંથી ૧૨ શૅરના સથવારે ૨.૮ ટકા મજબૂત થયો છે. નાલ્કો ૬.૩ ટકા, લૉઇડ્સ મેટલ્સ ૭.૮ ટકા, સેઇલ ૫.૯ ટકા, જિંદલ સ્ટેનલેસ ૨.૯ ટકા, વેદાન્તા બે ટકા, હિન્દુસ્તાન કૉપર ૩.૨ ટકા, હિન્દુસ્તાન ઝિન્ક ૨.૪ ટકા વધીને બંધ રહી છે.
ઑટો ઇન્ડેક્સ બે ટકા વધ્યો હતો. અહીં ૨૦માંથી ૧૯ જાતો પ્લસ હતી. મહિન્દ્ર ૩.૧ ટકા, મારુતિ સુઝુકી ૧.૯ ટકા, આઇશર ૧.૮ ટકા, બજાજ ઑટો ૦.૩ ટકા, તાતા મોટર્સ પૅસેન્જર દોઢ ટકા વધી છે. અન્ય જાતોમાં TVS મોટર્સ ૩.૭ ટકા અશોક લેલૅન્ડ બે ટકા, હીરોમોટોકૉર્પ દોઢ ટકા વધી છે. ઓલા ઇલેક્ટ્રિક ૩ ટકા ઘટીને ૨૩.૬૧ થઈ છે. ડિફેન્સ કંપની ભારત ઇલે. ૨.૪ ટકા સુધરી ૪૪૦ હતી. લાર્સન સવાબે ટકા તો ઇન્ડિગો દોઢ ટકા વધી છે. HDFC લાઇફ ૨.૭ ટકાના બાઉન્સ બૅકમાં ૬૪૨ થઈ છે. ICICI બૅન્ક સવા ટકાની આગેકૂચમાં ૧૨૮૯ બંધ આપી બજારને ૯૬ પૉઇન્ટ ફળી છે. ભારતી ઍરટેલ ૨.૧ ટકા વધતાં માર્કેટને ૯૦ પૉઇન્ટ મળ્યા છે. રિલાયન્સ નજીવા સુધારે ૧૩૯૬ હતી. જિયો ફાઇનૅન્સ દોઢ ટકા વધી ૨૩૭ રહી છે. નિફ્ટી ખાતે વિપ્રો બે ટકા અને સેન્સેક્સમાં ઇન્ફોસિસ ૧.૪ ટકા ઘટી નરમાઈમાં મોખરે હતી. સિપ્લા વર્ષના તળિયે જઈને સવા ટકો ઘટીને ૧૨૮૧ થઈ છે. બજાજ ફાઇનૅન્સ સવા ટકો, હિન્દુસ્તાન યુનિલીવર ૦.૩ ટકા, ITC એક ટકો, તાતા કન્ઝ્યુ ૧.૪ ટકા માઇનસ થઈ છે. TCS અડધા ટકાથી વધુ ડાઉન હતી.
